હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કટારીયા ચોકડીએ છોટાહાથી ઠોકરે ચડી જતાં બાઇકચાલક ૧૮ વર્ષના મિલન ગોડેશ્વરનું મોત
મવડી ગુરૂકુળ પાસે રહેતો યુવાન જમવાનું લેવા જતો હતો ત્યારે કાળ ભેટી ગયોઃ માટેલ સાસાયટીના પરિવારમાં શોક

રાજકોટ તા. ૧૯: જીવલેણ વાહન અકસ્માતના વધુ એક બનાવમાં યુવાનનું મોત થયું છે. મવડી ગુરૂકુળ પાસેથી સોસાયટીમાં રહેતો ૧૮ વર્ષનો યુવાન બાઇક હંકારી કટારીયા ચોકડી તરફ જમવાનું લેવા જતો હતો ત્યારે છોટાહાથી વાહનની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં મોત થયું છે.
જાણવા મળ્યા મુજબ મવડી જુના ગુરૂકુળ પાસે માટેલ સોસાયટી-૬માં રહેતો મિલન મહેશભાઇ ગોડેશ્વર (ઉ.વ.૧૮) સાંજે સાડા આઠેક વાગ્યે ઘરેથી બાઇક હંકારી જમવાનું લેવા જવા માટે નીકળ્યો ત્યારે કટારીયા ચોકડીએ છોટાહાથીની ઠોકરે ચડી જતાં વાહન સહિત ફંગોળાઇ જતાં માથા, શરીરે ગંભીર ઇજાઓ થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ ટુંકી સારવાર બાદ મોડી રાતે દમ તોડી દેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં યુનિવર્સિટી પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર મિલન બે ભાઇ અને એક બહેનમાં બીજો હતો. તે પ્લાસ્ટીકના ગોડાઉનમાં કામ કરતો હતો. તેના પિતા મહેશભાઇ ગોડેશ્વર બાપા સિતારામ ચોકમાં મીલન ગોલા નામે લારી રાખી ગુજરાન ચલાવે છે. યુવાન દિકરાના મૃત્યુથી પરિવારમાં શોકની કાલીમા છવાઇ ગઇ હતી. યુનિવર્સિટી પોલીસે છોટાહાથીના ચાલક સામે કાર્યવાહી હાથ ધરી હતી.










