હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાજકોટ ઇન્ડિયન વૉટર વર્ક્સ એસોસીએશનના નવા ચેપ્ટરનો આવતીકાલથી ભવ્ય શુભારંભ .
પાણી બચાવો - પાણી તમને બચાવશે : આવતીકાલે આત્મીય યુનિવર્સિટી ખાતે ઉદ્ધાટન સમારોહઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં જળ વ્યવસ્થાપન અને જનજાગળતિ માટે નિષ્ણાતો એકમંચ પર આવશે

તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે જાણીતા આર્કીટેકટ સુરેશભાઇ સંઘવી (મો. ૯૯રપ૦ ૦૯૯૬૬) અને પંકજભાઇ સંપટ નજરે પડે છે. (તસ્વીરઃ અભીજીત બગથરીયા)
રાજકોટ,તા. ૧૯: દિન-પ્રતિદિન અમૂલ્ય થતા જતા જળ સંસાધનોના જતન અને પાણી અંગે જનજાગળતિ લાવવાના સ્તુત્ય પ્રયાસરૂપે, રાજકોટમાં ‘ઇન્ડિયન વૉટર વર્ક્સ એસોસીએશન' (આઈડબલ્યુડબલ્યુએ)ની નવી શાખાનો શુભારંભ થવા જઈ રહ્યો છે. તા. ૨૦ શનિવારના રોજ સવારે ૯ કલાકે આત્મીય યુનિવર્સિટીના ચોથા માળે આવેલા સેમિનાર હોલ ખાતે આ ભવ્ય ઉદ્ધાટન સમારોહ યોજાશે.
સંસ્થાનો પરિચય અને વ્યાપઃ નોંધનીય છે કે ઇન્ડિયન વૉટર વર્ક્સ એસોસીએશનની સ્થાપના વર્ષ ૧૯૬૮માં કરવામાં આવી હતી. મુંબઈમાં મુખ્ય મથક ધરાવતી આ સંસ્થા હાલ સમગ્ર ભારતમાં ૩૪ શહેરોમાં પોતાની શાખાઓ ધરાવે છે અને દેશભરના ૧૬,૦૦૦થી વધુ તજજ્ઞો આ એસોસીએશનમાં સભ્ય તરીકે જોડાયેલા છે.
મુખ્ય ઉદ્દેશોઃ આ એસોસીએશનનો મુખ્ય હેતુ પાણીની ઉપલબ્ધતા વધારવી, પાણીનો કાર્યક્ષમ ઉપયોગ, પર્યાવરણીય નુકસાન અટકાવવું અને વેસ્ટ વૉટર (ગંદા પાણી)ના નિકાલની યોગ્ય વ્યવસ્થા ગોઠવવાનો છે. આ ઉપરાંત, વિવિધ પ્રવચનો અને સેમિનાર દ્વારા જનજાગળતિ લાવવી તેમજ યુવા ઈજનેરોને જળ વ્યવસ્થાપન ક્ષેત્રે સજ્જ કરવા માટે આ સંસ્થા કાર્યરત રહેશે.
ઉદ્ધાટન સમારોહના મહાનુભાવો આ અવસરે એસોસીએશનના રાષ્ટ્રીય પ્રમુખ શ્રી એમ. એલ. અગ્રવાલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. આ સાથે જ ગુજરાત રાજ્ય પાણી પુરવઠા નિગમના પૂર્વ અધ્યક્ષ શ્રી બી. જે. વસાવડા, ટેકનિકલ ડિરેક્ટર શ્રી બિરેન દલાલ અને અમદાવાદ ચેપ્ટરના માનદ્ મંત્રી શ્રી પ્રિયકાન્ત ગડાણી ખાસ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે.
રાજકોટ ચેપ્ટરના મુખ્ય સૂત્રધારોઃ રાજકોટમાં આ ચેપ્ટર શરૂ કરવામાં જળ ક્ષેત્રના વરિષ્ઠ નિષ્ણાત ડૉ. પંકજકુમાર સંપત, પાણી પુરવઠા બોર્ડના પૂર્વ મુખ્ય ઈજનેર શ્રી એસ. વી. અહુજા અને શ્રી પી. કે. ટાંકના અથાક પ્રયત્નો રહ્યા છે. આ કાર્યમાં રાજકોટના જાણીતા આર્કિટેક્ટ શ્રી સુરેશભાઈ સંઘવી અને શ્રી કિશોરભાઈ ત્રિવેદીનો પણ વિશેષ સહયોગ પ્રાપ્ત થયો છે.
ડૉ. પંકજકુમાર સંપત, જેઓ બેંગલોરની ખ્યાતનામ વૉટર વર્ક્સ કંપનીમાં ડિરેક્ટર તરીકે સેવા આપી ચૂકયા છે, તેઓ આ રાજકોટ કેન્દ્રના માનદ્ મંત્રી તરીકે જવાબદારી સંભાળશે.
વૈશ્વિક જોડાણ અને અન્ય પ્રવળત્તિઆઃ
આઈડબલ્યુડબલ્યુએ માત્ર ભારત જ નહીં, પરંતુ ઈન્ટરનેશનલ વૉટર એસોસીએશન અને અમેરિકન વૉટર વર્ક્સ એસોસીએશન જેવી વૈશ્વિક સંસ્થાઓ સાથે મળીને સંશોધનો અને માહિતીનું આદાન-પ્રદાન કરે છે. આ એસોસીએશન પર્યાવરણવાદીઓ, કેમિસ્ટ અને બાયોલોજીસ્ટને પણ માર્ગદર્શન પૂરું પાડે છે. રાજકોટમાં આ સેન્ટર શરૂ થવાથી સૌરાષ્ટ્ર અને કચ્છના પાણી પુરવઠા, સ્વચ્છતા અને સંકલિત જળ શાસન (ઇન્ટીગ્રેટેડ વોટર ગવર્નન્સ) ના ક્ષેત્રમાં નવા આયામો સર થશે અને જળ બચાવની ઝુંબેશને વેગ મળશે.










