તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 19th December 2025
રવિવારે રાજમાર્ગો ઉપર જય શ્રી રામ.... જય બજરંગબલીનો નાદ ગુંજશે
હનુમાન ચાલીસા યુવા કથા નિમંત્રણ બાઇક રેલી નીકળશે : હનુમાનજીના રથ સાથેની રેલી શહેરમાં ૬ સ્થળોએથી નીકળી રેસકોર્સ મેદાનમાં પહોંચશે : જાહેર આમંત્રણ

રાજકોટ : રેસકોર્સ ગ્રાઉન્ડમાં તા. ર૬ ડિસેમ્બર, ર૦રપ થી તા. ર જાન્યુઆરી, ર૦ર૬ સુધી શ્રી હનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ઉપક્રમે રવિવાર તા. ર૧ બપોરના ૩ કલાકે શહેરમાં છ સ્થળેથી લાંબી નિમંત્રણ બાઇક રેલી યોજાશે. જેમાં રેલીના રૂટ ઉપર આવતા મંદિરો તેમજ જાહેરમાર્ગો ઉપર વિવિધ સ્થળોએ નિમંત્રણ રેલીનું ફુલહાર કરીને સ્વાગત કરવામાં આવશે. શ્રી હનુમાન ચાલીસા યુવા કથાના નિમંત્રણ માટે શહેરના છ સ્થળો પરથી રેલીનું પ્રસ્થાન થશે. જેમાં સર્વોદય સ્કુલ - ૮૦ ફૂટ રોડ, સૈયાજી હોટલ રોડ, સેટેલાઇટ ચોક, ન્યુએરા સ્કુલ, શણગાર હોલ - હુડકો તેમજ કર્ણાવતી સ્કુલ - રેલ નગર વગેરે સ્થળેથી એકી સાથે અલગ અલગ રાજમાર્ગો થઇને રેસકોર્સ સુધીની ભવ્ય બાઇક રેલી નીકળશે. આ નિમંત્રણ રેલી સાંજે ૭ કલાકે રેસકોર્સ ગ્રાઉન્ડમાં પૂર્ણ થશે. નિમંત્રણ રેલીમાં ડીજેના તાલ અને હનુમાનજીના રથ ઉપર પુષ્પવર્ષા થશે. તેમજ શ્રી હનુમાન ચાલીસા યુવા કથાના યજમાનો પણ બાઇ રેલીનું વાજતે ગાજતે સ્વાગત કરશે. આ બાઇક રેલીનું ઠેર ઠેર શૈક્ષણિક, સામાજિક તેમજ ધાર્મિક સંસ્થાઓ દ્વારા સ્વાગત કરવા જોડાવા માટે આહવાન છે. અલગ અલગ સંસ્થાઓ જેવી કે હનુમાન મિત્ર મંડળ, બાલક હનુમાન મંદિર, રણછોડ મંદિર સહિતના વિવિધ ધાર્મિક સંસ્થાઓ દ્વારા બાઇક અને નિમંત્રણ રેલીનું ફુલહાર દ્વારા સ્વાગત થશે. બાઇક રેલીના રૂટમાં આવનારી તમામ સ્કુલો દ્વારા પણ રેલીનું સ્વાગત કરવામાં આવશે. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના શિક્ષકો અને સ્વયંસેવકો દ્વારા નિમંત્રણ રેલીના સ્વાગતમાં જોડાશે. એક હજારથી વધુ બાઇક અને બુલેટ રેલીમાં જોડાશે. આ નિમંત્રણ રેલીમાં પ્રથમ ધર્મ ધ્વજ અને બીજા રથમાં રાષ્ટ્રધ્વજ રહેશે. દરેક સ્થળેથી હજારો બાઇક, સ્કુટર, ફોરવ્હીલ, વિવિધ ફલોટ, ડીજે તેમજ બુલેટમાં સ્વયંસેવકો ઉપસ્થિત રહેશે. (તસ્વીર અભિજીત બગથરીયા)
(3:14 PM IST)










