હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાજકોટની નવયુગ સ્કૂલનો પ્રવાસ માતમમાં ફેરવાયો : સાસણના રિસોર્ટમાં સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી ૧૩ વર્ષીય વિદ્યાર્થીનું મોત
સોમનાથ દર્શન કરી પરત ફરતી વખતે તાલાલા રોડ પર આવેલા રિસોર્ટમાં કરુણ દુર્ઘટના : બે બહેનોના એકના એક ભાઈ હાર્દિક બારૈયાના મોતથી મજૂર પિતા પર આભ તૂટ્યું : પરિવારજનોએ શિક્ષકોની બેદરકારી સામે હોસ્પિટલ પહોંચી આક્રોશ ઠાલવ્યો

રાજકોટ, તા. ૨૦ ડિસેમ્બર, ૨૦૨૫ : રાજકોટના હાથીખાના વિસ્તારની નવયુગ સ્કૂલ દ્વારા આયોજિત શૈક્ષણિક પ્રવાસમાં ગતરોજ એક અત્યંત હૃદયદ્રાવક ઘટના ઘટી છે. સાસણ નજીક રિસોર્ટના સ્વિમિંગ પૂલમાં નહાવા પડેલા ધોરણ-૮ ના વિદ્યાર્થી હાર્દિક મુકેશભાઈ બારૈયા (ઉ.વ. ૧૩) નું ઊંડા પાણીમાં ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યું છે. આ ઘટનાને પગલે હસતા-રમતા બાળકોનો પ્રવાસ પળવારમાં શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
બપોરના સમયે ઘટી દુર્ઘટના:
પ્રાપ્ત વિગતો અનુસાર, નવયુગ સ્કૂલના ધોરણ ૫ થી ૧૨ ના ૧૫૭ વિદ્યાર્થીઓ અને ૧૨ શિક્ષકો સોમનાથ-સાસણના પ્રવાસે નીકળ્યા હતા. ૧૯ ડિસેમ્બરના રોજ સોમનાથના દર્શન કરી પરત ફરતી વખતે બપોરે ૧૨ વાગ્યાની આસપાસ વિદ્યાર્થીઓ સાસણ-તાલાલા રોડ પર આવેલા 'ધ ગીર ગેટ વે રિસોર્ટ' ખાતે ભોજન માટે રોકાયા હતા. જમ્યા બાદ હાર્દિક સ્વિમિંગ પૂલમાં નહાવા પડ્યો હતો, જ્યાં અચાનક ડૂબવા લાગ્યો હતો. તેને તાત્કાલિક બહાર કાઢી તાલાલા હોસ્પિટલ ખસેડાયો હતો, પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરતા અરેરાટી વ્યાપી ગઈ હતી.
પરિવારનું હૈયાફાટ રુદન અને આક્રોશ:
હાર્દિકના પિતા મુકેશભાઈ કેમિકલ ફેક્ટરીમાં મજૂરી કરી ગુજરાન ચલાવે છે. હાર્દિક તેમનો એકનો એક પુત્ર હતો. હોસ્પિટલ ખાતે પુત્રનો નિશ્ચેતન દેહ જોઈ પિતાએ "દીકરા ઊભો થા.. જો પપ્પા આવી ગયા" તેમ કહી આક્રંદ કરતા હાજર સૌની આંખો ભીની થઈ ગઈ હતી. રોષે ભરાયેલા પરિવારજનોએ શિક્ષકોની બેદરકારીના આક્ષેપો કરી હોસ્પિટલ ખાતે હોબાળો મચાવ્યો હતો. ૧૨ શિક્ષકોની હાજરી હોવા છતાં સ્વિમિંગ પૂલ પાસે પૂરતું ધ્યાન કેમ ન રખાયું તેવો સવાલ ઉઠાવી ઉશ્કેરાયેલા સંબંધીઓએ શિક્ષકો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, જોકે પોલીસે દરમિયાનગીરી કરી મામલો થાળે પાડ્યો હતો.
પોલીસ કાર્યવાહી અને તપાસ:
વિસાવદર એસીપી રોહિત ડાંગર સહિતના અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. પિતાએ રિસોર્ટના સીસીટીવી ફૂટેજ ચકાસવાની અને દોષિતો સામે કડક પગલાં લેવાની માંગ કરી છે. મામલતદારની હાજરીમાં પેનલ પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ દુર્ઘટના બાદ સ્કૂલે પ્રવાસ અધવચ્ચે ટૂંકાવી તમામ વિદ્યાર્થીઓને રાજકોટ પરત રવાના કરી દીધા છે. હાલ તાલાલા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ તેજ કરી છે.










