News of Saturday, 20th December 2025
નર્સિંગ સ્ટાફની પરીક્ષા પાસ કરાવી દેવાના નામે પાંચ સાથે રૂ.૩૪.૨૦ લાખની ઠગાઈ
રાજકોટના શીતલ પાર્ક પાસે આવેલ પલેક્સસ હોસ્પિટલના કર્મચારી દેવશી વંશને તેના ઇન્ચાર્જ સંદિપ લોખીલે પરીક્ષાના આગલા દિવસે પેપર આવી જશે અને જવાબો પણ બેઠેબેઠા મળી જશે કહી છથી આઠ લાખ ઉઘરાવી લીધાનો આરોપ : જો કે પરિક્ષા વખતે પેપર સોલ્યુશન ન આવ્યું અને મેરિટમાં ન નામ પણ ન આવતાં છેતરાયાની ખબર પડીઃ ગાંધીગ્રામ પોલીસે સંદીપ લોખીલ અને સાગર દાફડા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૨૦: નોકરીના નામે છેતરપીંડીનો વધુ એક બનાવ રાજકોટમાં પોલીસ ચોપડે ચડયો છે. જેમાં ર્નસિંગ સ્ટાફની પરીક્ષા પાસ કરાવી દેવાનું કહીં ખાનગી હોસ્પિટલના નર્સિંગ કર્મચારી અને એક યુવતિ સહિત પાંચ લોકો સાથે રૂ.૩૪.૨૦ લાખની ઠગાઈ થતાં ચકચાર જાગી છે. આ મામલે હોસ્પિટલના નર્સિંગ ઇન્ચાર્જ સહિતં બે શખ્સો સામે ગાંધીગ્રામ પોલીસ મથકમાં દાખલ થતાં તપાસ શરૂ થઇ છે.
જાણવા મળ્યા મુજબ ૧૫૦ ફુટ રીંગ રોડ પર શીતલ પાર્ક પાસે આવેલ પલેક્સસ હોસ્પિટલમાં નોકરી કરતાં સ્ટાફ નર્સને તેના ઇન્ચાર્જ સંદિપ લોખીલે ફસાવ્યાં હતાં, પરીક્ષાના આગલા દિવસે પેપર આવી જશે, અને તેના જવાબ પણ તમને બેઠેબેઠા મળી જશે કહીં પાસ કરાવી દેવાના નામે કુલ પાંચ યુવાન, યુવતિઓ પાસેથી રૂ.૬ લાખથી ૮ લાખ લઇ લીધા હતાં. જો કે બાદમાં આ બધાને છેતરાયાની ખબર પડી હતી. આ બનાવ અંગે રાજકોટમાં લક્ષ્મીનગર સોસાયટીમા આવેલ આરએમસી ક્વાર્ટરમાં રહેતાં મુળ કોડીનારના આદપોકાર ગામના વતની દેવશીભાઈ જગમાલભાઈ વંશ (ઉ.વ.૨૫) નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે સંદીપ લોખીલ (રહે. એઇમ્સ હોસ્પિટલ પાસે, જામનગર રોડ) અને સાગર દાફડાનું નામ આપતાં ગાંધીગ્રામ પોલીસ બીએનએસ એકટ ૩૧૬ (૨), ૩ (૫) હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે તે શીતલ પાર્ક પાસે આવેલ પ્લેક્સસ હોસ્પિટલમાં ર્નસિંગ સ્ટાફ તરીકે નોકરી કરે છે, તેમની સાથે આરોપી લોખીલ સંદીપ પણ નોકરી કરે છે, જે નર્સ સ્ટાફના ઇન્ચાર્જ તરીકે ફરજ બચાવે છે. ગયા વર્ષના ડિસેમ્બર મહિનામાં આરોપીએ તેને ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવનાર સ્ટાફ નર્સની ભરતીમાં પાસ થવું હોય તો તેમની પાસે કોન્ટેક્ટ છે. જેથી યુવાનને સરકારી નોકરી લેવાની ઈચ્છા હોવાથી તેને નોકરીમાં સેટીંગ કરી આપવાં હા પાડી હતી.
તે વખતે આરોપી સંદીપે જણાવ્યું હતું કે, સ્ટાફ નર્સની પરીક્ષા તા.૦૯-૦૨-૨૦૨૫ ના લેવાનાર છે, જેમના આગલા દિવસે તમને પેપર મળી જશે, જે પેપર ૨૦૦ માર્કસનું હશે તેમાંથી તમને ૧૦૦ થી ૧૫૦ માર્ક્સના જવાબ આપવામાં આવશે. જે માટે તમારે રૂ.૬ લાખ આપવાના રહેશે તેવી વાત કરી હતી. જેથી ફરીયાદી અને તેના મિત્રએ આરોપીના વાતમાં આવી બંનેના રૂ.૧૨ લાખ આપ્યાં હતાં. જે બાદ પરીક્ષાની તારીખ આવતાં કોઈ પેપર આવ્યાં ન હતાં અને પરીક્ષા આપ્યા બાદ તેઓનું મેરીટ લિસ્ટમાં નામ પણ આવ્યું ન હતું. જેથી આરોપીનો સંપર્ક કરતા તેમને જણાવ્યું હતું કે મેં રાજકોટના સાગર દાફડા મારફત તમારું સેટિંગ કરાવ્યું હતું. તમારા રૂપિયા તેને આપેલ છે, જેમના તરફથી જવાબ આપશે તે બાદ હું તમને તમારા રૂપિયા પરત આપીશ.
પરંતુ આજ સુધી આરોપીઓએ રૂપિયા પરતના આપી છેતરપિંડી આચરી હતી. ત્યારબાદ વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ફરિયાદી તેમજ બંને મિત્રો સિવાય હરેશ કમાભાઇ ગમારા પાસેથી રૂપિયા ૮.૧૦ લાખ, મેલાભાઈ જગાભાઈ ચાવડા પાસેથી પણ રૂપિયા ૮.૧૦ લાખ તેમજ વર્ષાબેન મનસુખભાઈ રાઠોડ પાસેથી રૂ.૬ લાખ મેળવી કુલ રૂપિયા ૩૪.૨૦ લાખની છેતરપિંડી આચરી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી ગાંધીગ્રામ પીઆઇ એસ. આર. મેઘાણીની રાહબરીમાં પીએસઆઇ એસ. બી. જાડેજાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(2:56 PM IST)










