તા. ૧૦ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૯, રવિવાર
News of Saturday, 20th December 2025
રવિવારે રતનપર રામચરીત માનસ મંદિરે ધ્વજારોહણ
પૂજા, કિર્તન, રાસ, આરતી, ભોજન પ્રસાદ : પહેલી ધજા રામમંદિરના ટ્રસ્ટીઓ દ્વારા ચડાવવામાં આવશે

રાજકોટ : રાજકોટ શહેરની ભાગોળે મોરબી રોડ પર રતનપર પાસે સુપ્રસિદ્ધ યાત્રાસ્થળ રામચરિતમાનસ મંદિર પૂ. શ્રી રણછોડસજી બાપુ, પૂ. શ્રી હરિચરણદાસજી મહારાજ, પૂ. શ્રી જયરામદાસજી મહારાજના શુભાશિષથી અનેકવિધ સેવાકિય અને ધાર્મિક પ્રવૃત્તિઓ થઇ રહી છે. આપણી સંસ્કૃતિમાં મંદિરના શિખર ઉપર ધજાજી ચડાવવાનું વિશેષ મહાત્મ્ય છે. સમય, સંજોગ, આરોગ્ય કે અન્ય અનુラકૂળતાનાં અભાવે જે ભાવિકો દ્વારકા કે સોમનાથ મહાદેવ ધજા ચડાવવાનો લ્હાવો લઇ શકતા ન હોય કે ત્યાં જઇ શકતા ન હોય, તેવા સૌ ભાવિકો હવેથી રાજકોટથી ફકત ૧૪ કિ.મી. દૂર અજોડ દેવસ્થાન શ્રી રામચરિત માનસ મંદિરે ધજાજી ચડાવવાનો અનેરો લાભ લઇ શકશે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે આ મંદિર જે ભાવિકો ધજાજી ચડાવવા આવે તેઓના તમામ આમંત્રિત મહેમાનો, પરિવારજનો સૌને ભોજન મહાપ્રસાદની વ્યવસ્થા રામ મંદિર તરફથી રહેશે તેમ જણાવાયું છે. શ્રી રામચરિત માનસ મંદિરના શિખર ઉપર તા. ર૧ રવિવારે ધ્વજારોહણનું આયોજન કરેલ છે. આ પ્રસંગે પહેલી ધજા રામ મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા ચડાવાશે. ત્યારબાદ કોઇપણ ભાવિક પોતાના તરફથી આ મંદિરે ધ્વજા ચડાવી શકશે. રામદરબાર, રણછોડરાયજી, મહાદેવજી અને હનુમાનજીના મંદિરના શિખરે ૯ મીટરની કુલ ચાર વિશાળ ધજાઓ ચડાવવામાં આવશે. જેમાં સવારે ૧૦ વાગ્યે સદ્દગુરૂ ભગવાન શ્રી રણછોડદાસજી બાપુના નિજમદિરમાં ધજાજીનું વિધિવત પૂજન થશે.
આ પ્રસંગે ધ્વજાજીના મહિમા અને આ અવસર વિષે પ્રાસંગિક ઉદ્દબોધન થશે અને સંગીતના સથવારે કિર્તનમંડળીના રાસગરબા સાથે વાજતે ગાજતે આ ધજાજી મુખ્ય મંદિરે લાવવામાં આવશે. મુખ્ય મંદિરે મહાઆરતી બાદ જયશ્રીરામના જયઘોષ સાથે આ ધજાજીને મંદિરના ઉત્તુંગ શિખર ઉપર ચડાવવામાં આવશે.
મંદિરની દિવાલો ઉપર રામાયણની તમામ ચોપાઇઓનું આરસમાં આલેખન થયું હોય તેવું ગુજરાત રાજયનું આ સૌ પ્રથમ મંદિર છે. આજથી પ૮ વર્ષો પૂર્વે વિક્રમ સંવંત ર૦ર૪ માં રાજકોટના પંચનાથ મંદિરમાં રામાયણ પ્રેમીઓના સંમેલનમાં અધ્યક્ષસ્થાનેથી ભાગવતાચાર્ય શ્રી મનહરલાલજી મહારાજે પોતાને સ્ફૂરેલો વિચાર રજુ કર્યો હતો કે કાશી (બનારસ)માં છે તેવું ભવ્ય રામચરિતમાનસ મંદિર સૌરાષ્ટ્રની ભૂમિમાં થાય તો તે સૌનુ સૌભાગ્ય ગણાશે. શ્રી મનહરલાલજી મહારાજની પ્રેરણાને સાકાર કરવા વ્રજભાઇદાસ ભાઇ નથવાણી, વલ્લભભાઇ સાતા તથા અન્ય રામાયણપ્રેમીઓએ આ બીડું ઝડપ્યું અને દોલતસિંહ ઝાલા તથા સુરુભા ઝાલાએ મંદિર નિર્માણ માટે જમીન આપવાનો નિર્ણય જણાવ્યો અને ત્યારબાદ રર એકર જગ્યામાં આ ભવ્ય મંદિરનું નિર્માણ થયું. આ દેવસ્થાનમાં પૂ. શ્રી રણછોડદાસજી બાપુના અસ્થિ પધરાવેલા છે. તેની ઉપર શ્રી રણછોડદાસજી બાપુનું નિજમંદિર બનેલ છે.તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે રામચરિતમાનસ મંદિરના ટ્રસ્ટીઓ સર્વશ્રી ડો. કૃષ્ણકાંતભાઇ મહેતા, નરેન્દ્રભાઇ પોપટ, સંદિપભાઇ લાખાણી ગોપાલભાઇ નથવાણી, હસુભાઇ ભગદેવ, આશીષભાઇ, ઉમેશભાઇ, પ્રવિણસિંહ નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા)
(3:02 PM IST)










