<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st December 2025

રાજકોટમાં કરુણ અંજામ : RMCના નિવૃત્ત ડેપ્યુટી એન્જિનિયર અને પત્નીએ જીવનલીલા સંકેલી : બીમારીથી કંટાળી ઉઠાવ્યું અંતિમ પગલું

યુનિવર્સિટી રોડ પર રહેતા દંપતીએ રાત્રે ઝેર પીધા બાદ પુત્રીને જાણ કરી - ‘જીવનના તમામ સુખ જોયા, હવે માંદગી નથી વેઠાતી’ તેવું સુસાઈડ નોટમાં લખાણ : વૃદ્ધ દંપતીના નિધનથી ભીડભંજન સોસાયટીમાં શોકનું મોજું

રાજકોટ, ૨૧ ડિસેમ્બર ૨૦૨૫ : રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલી ભીડભંજન સોસાયટીમાં એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC) ના નિવૃત્ત ડેપ્યુટી એન્જિનિયર અને તેમના પત્નીએ લાંબી બીમારી અને માનસિક તણાવથી કંટાળી જઈને સાથોસાથ ઝેર પી આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
ઘટનાક્રમ: મોડી રાત્રે ઝેર પી પુત્રીને કરી જાણ
મળતી વિગત મુજબ, સોસાયટીમાં રહેતા રાજેન્દ્રભાઈ લખતરિયા (૭૦) અને તેમના પત્ની પન્નાબેન લખતરિયા (૭૦) એ ગત મોડી રાત્રે અંદાજે ૨ વાગ્યાની આસપાસ ઝેરી દવા પી લીધી હતી. આત્મઘાતી પગલું ભર્યા બાદ રાજેન્દ્રભાઈએ તેમની સાથે જ રહેતી છૂટાછેડા લીધેલી પુત્રીને આ બાબતની જાણ કરી હતી. ગભરાયેલી પુત્રીએ તુરંત પરિવારના અન્ય સભ્યોને બોલાવ્યા હતા અને દંપતીને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં ખસેડ્યા હતા.
સારવાર કારગત ન નીવડી: ૨ કલાકના અંતરે બંનેના મોત
હોસ્પિટલમાં ડોક્ટરોએ સારવાર શરૂ કરી હતી, પરંતુ ઝેર શરીરના અંગોમાં ફેલાઈ જવાથી સવારે ૬ વાગ્યે રાજેન્દ્રભાઈનું અને બરાબર બે કલાક પછી ૮ વાગ્યે પન્નાબેનનું પણ કરુણ મોત નીપજ્યું હતું. એકસાથે માતા-પિતાની છત્રછાયા ગુમાવતા પરિવાર ઘેરા આઘાતમાં સરી પડ્યો છે. યુનિવર્સિટી પોલીસે હોસ્પિટલ પહોંચી બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સુસાઈડ નોટમાં શું લખ્યું?
પોલીસને તપાસ દરમિયાન મૃતક વૃદ્ધ પાસેથી એક સુસાઈડ નોટ મળી આવી છે, જે આ કેસમાં મહત્વનો પુરાવો બની છે. આ ચિઠ્ઠીમાં લખ્યું હતું કે, "અમે પતિ-પત્નીએ જીવનના બધા જ સુખોનો અનુભવ કર્યો છે. સંતાનોએ પણ અમારી ખૂબ સારી સેવા કરી છે અને અમારા પર કોઈ દેવું પણ નથી. પરંતુ અમે હવે લાંબી બીમારીથી કંટાળી ગયા છીએ, એટલે સ્વૈચ્છાએ આ પગલું ભરી રહ્યા છીએ."
નિવૃત્તિ બાદ ડિપ્રેશન અને બીમારી બની કારણ
મૃતક રાજેન્દ્રભાઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી એન્જિનિયર હતા અને તેમણે નિવૃત્તિના થોડા મહિના પહેલા જ સ્વેચ્છાએ રાજીનામું આપ્યું હતું. તેઓ કોરોના કાળથી સતત બીમાર રહેતા હતા અને ડિપ્રેશનની સારવાર લઈ રહ્યા હતા. બીજી તરફ પન્નાબેનને પણ ડાયાબિટીસની ગંભીર બીમારી હતી અને વારંવાર હોસ્પિટલમાં દાખલ કરવા પડતા હતા. આ સતત માંદગી અને તેના કારણે આવતા માનસિક તણાવે આ હસતા-રમતા પરિવારના વડીલોને જીવન ટૂંકાવવા મજબૂર કર્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
નોંધનીય છે કે રાજેન્દ્રભાઈને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. હાલ પોલીસે સુસાઈડ નોટ કબજે કરી અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

(3:18 PM IST)