<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd December 2025

દારૂમાં પકડાયેલા ૭૨ વાહનોની હરરાજી કરી પોલીસે ૨૩.૩૦ લાખની આવક રળી

ધંધાર્થીઓએ પહેલા તો આ માલના ૧૫-૧૬ લાખ જ આવશે તેવું કહ્યું: પણ પોલીસે કુનેહથી વધુ રકમ મેળવી સરકારી તિજોરીમાં જમા કરાવી

રાજકોટઃ શહેર ક્રાઈમ બ્રાન્‍ચ દ્વારા ૨૦૧૩થી ૨૦૨૪ દરમિયાન દારૂની હેરાફેરીમાં ઉપયોગ કરવામાં આવેલા અલગ અલગ ૭૨ વાહનો જપ્‍ત કરાયા હતા.  આ અંગેના કેસોના કોર્ટમાંથી ચુકાદા આવી ગયા બાદ આવા વાહનોની હરરાજીનું આયોજન રવિવારે પોલીસ હેડક્‍વાર્ટર ખાતે કરાયું હતું.  જેમાં પોલીસેને સાત લાખ રૂપિયા વધુ ઉપજ્‍યા હતાં. એસીપી ક્રાઈમ ભરત બી. બસીયા, પીઆઈ એમ. આર. ગોંડલિયા, એમટી વિગભાના પીએસઆઇ, ડીસીબી એએસઆઇ જતીનભાઇ શુક્‍લ, ભુપેન્‍દ્રભાઇ સરપદડીયા, ત્રીપદાબેન ભટ્ટ, દિપલબેન ચોૈહાણ સહિતને હરરાજીની કામગીરી કરી હતી. આ હરરાજીમાં મોટી સંખ્‍યામાં રાજકોટમાં ભંગારના ડેલા ધરાવતા વેપારીઓએ ભાગ લીધો હતો.  ભંગાર જોયા પછી ધંધાર્થીઓએ આ ભંગારના પંદરથી સોળ લાખ આવે તેવુ કહ્યું હતું. આ સામે પોલીસે કહી દીધું હતું કે અમારે હરરાજી કરવી જ નથી. ત્‍યારબાદ વેપારીઓએ પોલીસ પાસે થોડો સમય વિચારવાનો સમય માંગતા તે અપાયો હતો. આ પછી  પંદર મિનિટ સુધી વાતચીત ચાલ્‍યા બાદ વેપારીઓએ ૭૨ વાહનોના ભંગારના વધુ રૂપિયા ચુકવવાનું નક્કી કરી ભંગાર ખરીદ કર્યો હતો. જેની કુલ  કિમત રૂા. ૨૩,૩૦,૨૦૦ ઉપજી હતી.  ભંગાર વેચ્‍યા બાદ જે રકમ આવશે તે સીધી સરકારમાં જમા કરાવી દેવાશે.

(4:05 PM IST)