<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd December 2025

રાજકોટની ‘નંબર વન' ટેક્‍સ પેયર સોસાયટી ‘લાવારિસ'?

૧૦૦ વીઘામાં પથરાયેલી સોસાયટીમાં ૧૫ વર્ષથી ડામર કામ ન થતાં ૯૦૦૦ રહીશોમાં પ્રચંડ રોષ : વિકાસની વાતો પોકળઃ ૧૩ સેકટરોમાં નરકાગાર જેવી સ્‍થિતિ : ધારાસભ્‍ય કે સાંસદની એક રૂપિયાની ગ્રાન્‍ટ વપરાઈ નથીઃ કોર્પોરેટરોને રજૂઆતો કરી કરીને થાક્‍યાઃ હવે ગાંધી ચીંધ્‍યા માર્ગે આંદોલનની ચીમકી

રાજકોટઃ મહાનગરપાલિકાના શાસકો ‘સ્‍માર્ટ સિટી'ના બણગા ફૂંકી રહ્યા છે, પરંતુ વાસ્‍તવિકતા કેટલી કડવી છે તેનો પુરાવો રાજકોટની એક એવી સોસાયટી છે જે શહેરમાં ‘નંબર વન ટેક્‍સ પેયર' ગણાય છે. ૧૦૦ વીઘામાં ફેલાયેલી અને ૧૨૦૦ આવાસ ધરાવતી આ સોસાયટીના ૧૩ સેકટરોમાં રોડ-રસ્‍તાની હાલત એટલી હદે બિસ્‍માર છે કે રહીશો હવે ત્રાહિમામ પોકારી ઉઠ્‍યા છે.

 

સોસાયટીના આગેવાનોએ આકરા શબ્‍દોમાં જણાવ્‍યું હતું કે, અમારી સોસાયટી સૌથી વધુ એડવાન્‍સ ટેક્‍સ ભરે છે, છતાં સવલતના નામે તંત્ર દ્વારા મીંડુ પકડાવી દેવાયું છે. વર્ષ ૨૦૧૦-૧૧ પછી એટલે કે છેલ્‍લા ૧૫ વર્ષમાં સોસાયટીમાં એક પણ વખત ડામર કામ કરવામાં આવ્‍યું નથી. ભૂતકાળમાં સોસાયટીએ ૮૦-૨૦ની સ્‍કીમમાં પોતાના હકના લાખો રૂપિયા રોકીને રસ્‍તા બનાવડાવ્‍યા હતા, પરંતુ કોર્પોરેશન, ધારાસભ્‍ય કે સાંસદની કોઈ ગ્રાન્‍ટ અહીં વપરાઈ નથી. શું અમારી સોસાયટી મ્‍યુનિસિપલ કોર્પોરેશનના નકશામાં નથી આવતી?.

પડ્‍યા પર પાટુઃ ડી.આઈ. પાઈપલાઈનના કામથી રસ્‍તા ખેદાન-મેદાન

સોસાયટીના રહીશોની વેદના એવી છે કે રસ્‍તાઓ તો તૂટેલા હતા જ, તેમાં ૧૭-૦૪-૨૦૨૫ થી ડી.આઈ. પાઈપલાઈન નાખવાની કામગીરી શરૂ થતાં સ્‍થિતિ ‘પડ્‍યા પર પાટું' જેવી થઈ છે. રસ્‍તાઓનું ખોદકામ કરીને છોડી દેવાયા છે, જેના કારણે ૯૦૦૦ જેટલી જનસંખ્‍યા ધરાવતા આ વિસ્‍તારમાં વાહન ચલાવવું કે ચાલવું પણ મુશ્‍કેલ બન્‍યું છે.

કોર્પોરેટરોને રજૂઆત, પણ પરિણામ શૂન્‍યઃ  સોસાયટીના પ્રતિનિધિમંડળે આ વિસ્‍તારના ભાજપના કોર્પોરેટરો ભારતીબેન પાડલીયા, લીલીબેન જાદવ, વિનુભાઈ સોરઠીયા અને રણજીતભાઈ સાગઠીયા સમક્ષ વારંવાર રજૂઆતો કરી છે, પરંતુ આજાદિન સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. આગામી ૨-૩ મહિનામાં ચૂંટણી આવી રહી છે, ત્‍યારે પણ કોઈ હોદ્દેદારો ફરક્‍યા નથી તેવો રોષ લોકોમાં છે.

 જો તાત્‍કાલિક ધોરણે સોસાયટીના તમામ રોડ-રસ્‍તા ડામરથી મઢવામાં નહીં આવે તો સોસાયટીના તમામ રહીશોએ ગાંધી ચીંધ્‍યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્‍ચારી છે.

 આ અંગે મ્‍યુનિસિપલ કમિશનરને આવેદન પાઠવવા અને રજૂઆત કરવા ગયેલા પ્રતિનિધિ મંડળમાં સોસાયટીના પ્રમુખ ઘનશ્‍યામસિહ એ. જાડેજા, ઉપપ્રમુખ કિશોરસિહ બી. રાણા, સેક્રેટરી કૌશિકભાઈ પાઠક તથા સભ્‍યશ્રીઓ રાજુભાઈ ટાંક, અશોકસિહ જાડેજા, ચંદ્રશેખરસિહ પરમાર, હર્ષદભાઈ પંડયા, બીપીનભાઈ કતીરા, જયદિપગીરી કે. ગોસ્‍વામી અને મિનાક્ષીબેન કે. ત્રિવેદી જોડાયા હતા. જે કોર્પોરેશનના અધિકારીઓ, મેયરશ્રી અને અકિલા કાર્યાલય ખાતે રજૂઆત કરતા નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા અકિલા)

(2:47 PM IST)