<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd December 2025

ઘંટેશ્વર એસઆરપી કેમ્‍પમાં બંધ ક્‍વાર્ટરમાંથી ૬.૧૪ લાખની ચોરીઃ ભેદ ઉકેલવા પોલીસ તપાસનો ધમધમાટ

એક ક્‍વાર્ટર બંધ કરી પરિવારજનો નજીકમાં બીજા ક્‍વાર્ટરમાં સુવા ગયા અને ચોર ત્રાટકી ગયાઃ નિતીન સરવૈયાની ફરિયાદઃ યુનિવર્સિટી પોલીસ, એલસીબી ઝોન-૨ની ટીમોએ ચોરનું પગેરૂ શોધવા મહેનત શરૂ કરી

રાજકોટ તા. ૨૨: ઘંટશ્વર એસઆરપી કેમ્‍પ ક્‍વાર્ટરમાં રહેતાં અને ખાનગી હોસ્‍પિટલમાં ફરજ બજાવતાં યુવાનના એક રાત માટે બંધ રહેલા ઘરના તાળા તોડી ૬.૧૪ લાખની ચોરી કરી જવામાં આવી છે. યુવાન નાઇટ ડયુટીમાં નોકરી પર હતો. ત્‍યારે તેના પરિવારજનો એક ક્‍વાર્ટરને બંધ કરી નજીકમાં બીજા ક્‍વાર્ટરમાં સુવા માટે ગયા હતાં. એ વખતે આ બંધ ક્‍વાર્ટર નિશાન બની ગયું હતું. ઘંટેશ્વર કેમ્‍પમાં ચોરીની આ ઘટનાને પગલે ચકચાર જાગી છે. યુવાનના પિતા એસઆરપીમેન તરીકે ફરજ બજાવે છે.

આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે ઘંટેશ્વર એસઆરપી કેમ્‍પ બી-૩૮ રૂમ નં.૪૪૫ ખાતે રહેતાં નિતીનભાઇ વિરજીભાઇ સરવૈયા (ઉ.વ.૨૯) નામના યુવાનની ફરિયાદ પરથી ચોરીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

નિતીનભાઇ સરવૈયાએ જણાવ્‍યું છે કે હું મારા માતા-પિતા, પત્‍નિ અને બહેન તથા ભાઇ સાથે રહુ છું અને કુવાડવા રોડ પર આવેલી ગોકુલ હોસ્‍પિટલમાં  ફાર્મસી વિભાગમાં નોકરી કરુ છું. તા. ૨૦ના શનીવારે સાંજે સાડા છએક વાગ્‍યે હું હોસ્‍પિટલે હતો અને મારો નાનો ભાઇ ભાર્ગવ આગલા દિવસે દ્વારકા ગયો હોઇ ઘરે મારા માતા-પિતા-બહેન, પત્‍નિ-દિકરો હાજર હતાં. રવિવારે સવારે હું નાઇટ ડયુટી પુરી કરીને નોકરીએથી ઘરે આવ્‍યો ત્‍યારે મારા મમ્‍મીએ વાત કરી હતી કે રાતે દસેક વાગ્‍યે આપણા ક્‍વાર્ટર નં. ૪૪૫માં કબાટની તિજોરીમાં રાખેલા સોના-ચાંદીના દાગીના, રોકડા રૂપિયા રાખીને તાળા મારી બીજા ક્‍વાર્ટર નં. ૪૪૯માં અમે બધા સુઇ ગયા હતાં.

સવારે જાગીને જોતાં ક્‍વાર્ટર નં. ૪૪૫ના દરવાજાના તાળા તુટેલા હતાં. અંદર તપાસ કરતાં સામાન વેરવિખેર હતો અને તિજોરીનું ખાનુ પણ તુટેલે જોવા મળ્‍યું હતું. જેમાંથી સોનાનો પેન્‍ડલ સેટ ૧,૭૫,૦૦૦નો, સોનાનો ચેઇન ૧,૫૬,૦૦૦નો, બે વીંટી રૂા. ૧ લાખની, સોનાની બુટી જુમ્‍મરવાળી રૂા. ૧ લાખની, સોનાના નાકના ૪ દાણા રૂા. ૨૮ હજારના, ચાંદીના સાંકળા રૂા. ૭ હજારના, ચાંદીના ગણપતિજી, લક્ષ્મીજીની મુર્તિ, ચાંદીના સિક્કા આશરે ૬ હજારના અને રોકડા ૧૨ હજાર ગાયબબ હતાં. કુલ ૬,૧૪,૦૦૦ની માલમત્તા કોઇ ચોરી ગયું હતું.

યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશનના પીઆઇ  એચ. એન. પટેલની રાહબરીમાં હેડકોન્‍સ. જી. એસ. ઝાલાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. એલસીબી ઝોન-૨ ટીમના આર. એચ. ઝાલા અને સ્‍ટાફે પણ ડીસીપી રાકેશ દેસાઇની રાહબરીમાં તપાસ શરૂ કરી છે.

(2:48 PM IST)