<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd December 2025

શહેરની વર્ષો જુની બજારમાં પાથરણા રાજ સામે વેપારીઓનું એલાને જંગ

તંત્ર દ્વારા કોઇ નક્કર પગલા ન લેવાતા કરોડોની કિંમતના શો-રૂમમાં ગ્રાહક નથી આવતાઃ વેપારીઓમાં રોષ : લાખાજીરાજ રોડ- ધર્મેન્‍દ્ર રોડની બજારો કાલે બપોર સુધી બંધઃ સાંગણવા ચોકે ધરણાઃ બપોરે ૪ વાગ્‍યે વેપારીઓ મોટી સંખ્‍યામાં મનપા કચેરીએ ઉમટશેઃ નો ફેરિયા ઝોન જાહેર કરવા માંગ

રાજકોટ તા.૨રઃ સૈકા જુની લાખાજીરાજ રોડ, ધર્મેન્‍દ્ર રોડનો મુખ્‍ય વેપારી વિસ્‍તાર પોલીસ અને મનપા તંત્રના કારણે કાયમી ધોરણે પથારા બજારમાં ફેરવાઇ ગયો છે અને કરોડોના શોરૂમ ધરાવતા વેપારીઓને ત્‍યાં ગ્રાહકો પણ આવી શકતા નથી ત્‍યારે વધુ એક વખત વેપારી એસોસીએશને આંદોલનનું શસ્‍ત્ર ઉગામવા નિર્ણય કર્યો છે.

કાલે તા. ર૩ના મંગળવારે અડધો દિવસ બપોર સુધી વેપાર-ધંધા બંધ રાખી ધરણા યોજી વિરોધ દર્શાવવામાં આવશે. બપોર બાદ વેપારીઓ મોટી સંખ્‍યામાં મનપા કચેરીમાં ઉમટી પડશે. મ્‍યુનિ. કમિશનરને પત્ર પાઠવશે.

સૌથી જુની મુખ્‍ય બજાર લાખાજીરાજ રોડ, ધર્મેન્‍દ્ર રોડ પર ગેરકાયદેસર પાથરણાવાળાઓનો કબ્‍જો ચાલુ જ છે. દરરોજ સાંજે તો ફરી તહેવારના દિવસોમાં જેવી હાલત હોય છે એવી જ સ્‍થિતિ સર્જાઇ જાય છે અને સ્‍કુટર પણ માંડ નીકળે છે. આ રોડ દર રવિવારે રવિવારી બજારમાં ફેરવાઇ જાય છે.

છેલ્લા અઠવાડિયાથી વેપારીઓ વચ્‍ચે થતી ચર્ચાના અંતે હવે ફરી  લાખાજીરાજ રોડ મર્ચન્‍ટ એસો.ના વેપારીઓએ આંદોલનની ચીમકી ઉચ્‍ચારી છે. લાખાજીરાજ રોડ મર્ચન્‍ટ એસો. દ્વારા સપ્તાહ પૂર્વે એક મીટીંગ યોજાઈ હતી જેમાં મોટી સંખ્‍યામાં વેપારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

બેઠકમાં લાખાજીરાજ રોડ પર ગેરકાયદેસર રીતે બેસતા પાથરણાવાળા, રેકડીવાળા અને રીક્ષા વાળાઓના દબાણને દૂર કરવા મંગળવારે બપોરે ૧ વાગ્‍યા સુધી વેપાર-ધંધા બંધ રાખી ધરણા પ્રદર્શન કરશે.

વેપારીઓ સાંગણવા ચોક પાસે એકત્ર થઈ ધરણા પર બેસી ગેરકાયદેસર દબાણ અંગે વિરોધ પ્રદર્શન કરશે. છેલ્લા ચાર વર્ષથી લાખાજીરાજ રોડ વિસ્‍તારમાં ગેરકાયદેસર રીતે દબાણ કરી બેસણા પાથરણા વાળા સામે વેપારીઓ અનેક વખત રજૂઆત કરી છે છતા તંત્ર દ્વારા કોઈ નકકર પગલા લેવામાં ન આવતા વેપારીઓએ કંટાળી ધરણા આંદોલનનો કાર્યક્રમ આયોજીત કર્યો છે.

ગત જન્‍માષ્‍ટમી અને દિવાળીના તહેવારોમાં વેપારીઓએ મ્‍યુનિ. કમિશનરને કામગીરી પણ માત્ર થોડા દિવસની જ રહી અને પરિસ્‍થિતિ જેવી હતી તેવી જ ઉભી થઈ ગઈ છે. કાલે તા.૨૩ના બપોરે ૧ વાગ્‍યા સુધી વેપાર ધંધા શોરૂમ દુકાનો બંધ રાખી ધરણા કરશે ત્‍યારબાદ વેપારીઓ મ્‍યુનિ. કમિશનરને આવેદનપત્ર પાઠવશે.

લાખાજીરાજ રોડ, ધર્મેન્‍દ્ર રોડના અંદાજે ૨૭૦થી વધુ વેપારીઓએ ધરણાની ચીમકી ઉચ્‍ચારી છે. હવે વેપારીઓ લડી લેવાના મૂડમાં છે. તેઓની માંગ છે કે મુખ્‍ય બજારો પર ગેરકાયદેસર રીતે રસ્‍તો રોકીને રસ્‍તો રોકતા પાથરણા વાળા, લારીવાળાને હટાવી આ એરીયાને ‘‘નો લારી ઝોન'' જાહેર કરવામાં આવે. લાખાજીરાજ રોડના વેપારીઓએ વારંવાર તંત્રને રજૂઆત કરવા છતા કોઈ નિર્ણય ન આવતા વેપારીઓ હવે ધરણા પ્રદર્શન કરશે. સાથે જ કાયમી પોલીસ બંદોબસ્‍તની માંગણી પણ એસો. દ્વારા કરવામાં આવી છે.

જુના રાજકોટની આ બજારોમાં ટ્રાફિકનો એવો ગંભીર પ્રશ્ન છે કે પરાબજાર, લાખાજીરાજ રોડ પર થ્રી વ્‍હીલર કે તેથી મોટા વાહનોના પ્રવેશ પર નિયંત્રણ હોય છે. પરંતુ પોલીસ અને દબાણ હટાવ વિભાગની ટીમોના સતત રાઉન્‍ડ વચ્‍ચે ફેરીયાઓ કે દબાણકારો માટે કોઇ રોકટોક નથી. થોડા મહિના પહેલા દિવાળી ઉપર ફેરીયાઓને લાખાજીરાજ રોડ લાગુ શાળાના મેદાનમાં જગ્‍યા ફાળવવામાં આવી હતી.

પરંતુ ન તો ફેરીયા ત્‍યાં ગયા કે ન તંત્રવાહકોએ પ્રમાણિક પ્રયાસ કર્યા. પરાબજાર જેવા રોડ ઉપર તો વેપારીઓ સાથે માથાકુટ અને દાદાગીરીની ઘટનાઓ અવારનવાર બને છે અને કોર્પો. તથા પોલીસમાં રજુઆત પણ થાય છે. પરંતુ આ રોડ પર રેંકડીઓ તો ઠીક, કોઇ સામાન પણ તંત્ર ઉપાડી શકતું નથી. ખરેખર તો હવે પોલીસ અને મનપાના વડાઓ આ પ્રશ્ન ઉકેલી શકતા ન હોય તો જુના રાજકોટને હેરીટેજ ગણાવીને ગૌરવ લેવાનું પણ બંધ કરવું જોઇએ તેવી ચર્ચા ધંધાર્થીઓમાં થઇ રહી છે.(૨.૧૬)

 

 

 

 

 

 

 

 

(3:04 PM IST)