<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd December 2025

ચોરી, દારૂ, મારામારી, લૂંટ, જૂગાર સહિતના ગુનાઓમાં સંડોવણી

વિનોદનગરના નામચીન ફિરોઝ રાઉમાને ૨.૧૦ લાખના ગાંજા સાથે ભક્‍તિનગર પોલીસે દબોચ્‍યો : ડીસીપી હેતલ પટેલ, એસીપી બી. વી. જાધવની સુચનાપીઆઇ મયુરધ્‍વજસિંહ સવરૈયા, પીએસઆઇ જે. જે. ગોહિલ, એએસઆઇ નિલેષભાઇ મકવાણા અને ટીમની કામગીરીઃ જયદીપભાઇ અલગોતરની બાતમી પરથી વિનોદનગર ક્‍વાર્ટર પાસેથી પકડી લેવાયો : થોડા મહિના પહેલા જ માદક પદાર્થના ગુનામાં જેલમાંથી છુટેલા કોઠારીયા ચોકડીએ રહેતાં મુળ રાજસ્‍થાનના પુરણનાથ ગોસ્‍વામીએ ગાંજાનો જથ્‍થો આપ્‍યાનું ખુલ્‍યુ

રાજકોટ તા. ૨૨: કોઠારીયા રોડ વિનોદનગરમાં રહેતાં અને અનેક ગુનાઓમાં અગાઉ પોલીસ ચોપડે ચડી ચુકેલા શખ્‍સને ભક્‍તિનગર પોલીસે ગાંજાના જથ્‍થા સાથે ઝડપી લીધો છે. આ ગાંજાનો જથ્‍થો થોડા મહિના પહેલા જ માદક પદાર્થના ગુનામાંથી જેલમાંથી છુટેલા મુળ રાજસ્‍થાનના અને હાલ કોઠારીયા ચોકડી પાસે રહેતાં શખ્‍સે આપ્‍યાનું ખુલતાં તેની શોધખોળ થઇ રહી છે.

જાણવા મળ્‍યા મુજ શહેરમાં માદક પદાર્થની ગેરકાયદે પ્રવૃતિ નાબુદ કરવા અને આ પ્રકારના દ્રવ્‍યોની હેરાફેરી થતી હોય તો આવા કેસ શોધી કાઢવા સુચના અપાઇ છે અને દરેક પોલીસ સ્‍ટેશનમાં એનડીપીએસ સેલની પણ રચના કરવામાં આવી છે. આ સેલની રચનાનો હેતુ ગેરકાયદેસર માદક પદાર્થની હેરાફેરી અટકાવવાનો અને આવા પાદર્થનો સંગ્રહ કરતાં, વેંચતા શખ્‍સોને પકડી લઇ યુવાધનને નશાના રસ્‍તે ચડતાં અટકાવવાનો છે. સે નો ટુ ડ્રગ્‍સ ઝુંબેશ હેઠળ ભક્‍તિનગર પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે હેડકોન્‍સ. જયદિપભાઇ અલગોતરને બાતમી મળતાં કોઠારીયા રોડ વિનોદનગર આવાસ યોજના ક્‍વાર્ટર નં. ૨૦૨૦/૪માં રહેતાં ફિરોઝ આમદભાઇ રાઉમા (ઉ.વ.૪૩)ને ક્‍વાર્ટરની સામેની દિવાલ પાસે લાકડાના બાકડા પાસેથી  ગાંજા સાથે પકડી લેવાયો હતો.

એફએસએલ અધિકારી કે. એમ. તાવીયા પાસે પરિક્ષણ કરાવ્‍યા બાદ પોલીસે રૂા. ૨,૧૦,૦૦૦નો  ૪.૨૦૦ કિલોગ્રામ ગાંજો કબ્‍જે કરી ફિરોઝની ધરપકડ કરી હતી.  તેની પાસેથી મોબાઇલ ફોન પણ કબ્‍જે લેવાયો હતો. પોલીસના કહેવા મુજબ ફિરોઝ રીઢા ગુનેગારની છાપ ધરાવે છે. તેના વિરૂધ્‍ધ બી-ડિવીઝન, એ-ડિવીઝન, ભક્‍તિનગર, માલીયાનગર પોલીસ સ્‍ટેશનોમાં ચોરી, લૂંટ, મારામારી, દારૂ, જૂગાર સહિતના ૧૧ ગુના અગાઉ નોંધાઇ ચુક્‍યા છે. આ શખ્‍સ હાલ છુટક મજૂરી કરે છે. પૈસા કમાવવા માટે તે ગાંજો વેંચવા લાવ્‍યો હતો. પડીકીઓ બનાવી બંધાણીઓને વેંચે એ પહેલા પકડાઇ ગયો હતો. તેણે પ્રાથમિક પુછતાછમાં તેને આ ગાંજો કોઠારીયા ચોકડી નજીક શંકર ટેકરી નજીક રહેતાં મુળ રાજસ્‍થાનના પુરણનાથ ભગવાનનાથ ગોસ્‍વામી પાસે રહેતો શખ્‍સ આપી ગયાનું કહેતાં તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પુરણનાથ થોડા સમય પહેલા જ માદક પદાર્થના ગુનામાંથી જેલમાંથી બહાર આવ્‍યો છે.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી હેતલ પટેલ, એસીપી બી. વી. જાધવની સુચના અંતર્ગત પીઆઇ મયુરધ્‍વજસિંહ એમ. સરવૈયા, પીએસઆઇ જે. જે. ગોહિલ, એએસઆઇ નિલેષભાઇ મકવાણા, હેડકોન્‍સ. જયદિપભાઇ અલગોતર, સ્‍નેહભાઇ ભાદરકા, હરવિજયસિંહ ગોહિલ, કેતનભાઇ બોરીચા, રમેશભાઇ માલકીયા, રાજેશગીરી ગોસ્‍વામી, કોન્‍સ. પ્રભાતભાઇ મૈયડ, નિલેષભાઇ મિયાત્રા, પ્રકાશભાઇ મકવાણા, રવિભાઇ રત્‍નુ, અરજણભાઇ પરમાર, કુલદીપસિંહ ઝાલા, હોમગાર્ડ હાર્દિકભાઇ પીપળીયાએ આ કામગીરી કરી હતી.

(3:05 PM IST)