<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd December 2025

છોટુનગર ઝૂપડપટ્ટી પાસે મંજુબેન અને પોૈત્ર શિવમ્‌ ગાયની ઢીંકે ચડતાં ઇજાઃ સાયકલોનો પણ બૂકડો

દાદી આંગણવાડીથી પોૈત્રને તેડીને ઘરે જતા'તાઃ ઢોર પકડ પાર્ટી ગાયો પકડવા આવી ત્‍યારે બનાવ

રાજકોટ તા. ૨૨: શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ અનેક જગ્‍યાએ હોય છે. મ્‍યુ. કોર્પોરેશનની ઢોર પકડ પાર્ટી આવા ઢોરને પકડવાની કામગીરી પણ દરરોજ કરતી હોય છે. દરમિયાન રૈયા રોડ હનુમાન મઢી પાછળ છોટુનગર ઝૂપડપટ્ટી  પાસે બપોરે ઢોર પકડ પાર્ટી રખડતા ઢોરને પકડવા આવી ત્‍યારે ભડકેલી ગાયો ભાગતાં ચાલીને જઇ રહેલા મહિલા અને તેનો ત્રણ વર્ષનો પોૈત્ર ગાયોની ઢીંકે ચડી જતાં ઇજાઓ થતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા છે. ગાયોએ કેટલીક સાયકલોનો પણ બૂકડો બોલાવી દીધો હતો.

જાણવા મળ્‍યા મુજબ છોટુનગર ઝૂપડપટ્ટી નજીક બપોરે ગાયો ભડકીને ભાગતાં છોટુનગર ઝૂપડપટ્ટી એરીયા શેરી નં. ૧માં રહેતાં મંજુબેન રાજુભાઇ વાજેલીયા (ઉ.વ.૫૦) અને તેનો પોૈત્ર શિવમ્‌ વિજયભાઇ વાજેલીયા (ઉ.વ.૩) ગાયની ઢીંકે ચડી જતાં બંનેને ઇજા થતાં સારવાર માટે દાખલ કરવામાં આવતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી.

મંજુબેન અને તેના પતિ બકાલુ વેંચી ગુજરાન ચલાવે છે. મંઝુબેનનો પોૈત્ર શિવમ્‌ નજીકની આંગણવાડીમાં ગયો હોઇ તેઓ તેને તેડીને ઘરે આવી રહ્યા હતાં ત્‍યારે મ્‍યુ. કોર્પોરેશનની ઢોર પકડ પાર્ટી રખડતા ઢોર પકડવા આવતાં ગાયો ભડકીને ભાગી હતી અને ચાલીને જઇ રહેલા મંજુબેન તથા પોૈત્ર ઢીંકે ચડી ગયા હતાં. બે ત્રણ સાયકલોનો પણ ભાગતી ગાયોએ બૂકડો બોલાવી દીધો હતો.

(3:35 PM IST)