<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd December 2025

રાજકોટ માર્કેટિંગ યાર્ડ બહાર વાહનોના લાગ્યા થપ્પા

ટામેટા અને બટાકાના પાકની સૌથી વધુ આવક નોંધાઈ છેઃમોટી સંખ્યામાં વાહનોની આવક અને પાકોને મળેલા યોગ્ય ભાવને કારણે રાજકોટ માર્કેટ યાર્ડ આજેય ખેડૂતોની પ્રથમ પસંદગી બની રહ્યું છે

રાજકોટ : રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે કપાસ, ઘઉં, ચણા, કાળા તલ, ડુંગળી અને મગના પાકની સૌથી વધુ આવક થઈ છે. બીજી બાજુ શાકભાજી વિભાગમાં ટામેટા અને બટાકાના પાકની સૌથી વધુ આવક નોંધાઈ છે. રાજકોટ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને યોગ્ય ભાવ મળતા હોવાથી આસપાસના ગામોના ખેડૂતો પોતાનો પાક લઈને અહીં આવતા રહે છે. રાજકોટ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને શું ભાવ મળ્યા? આવો જાણીએ.

આજ રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં અંદાજે ૬,૫૦૦થી વધુ વાહનોની આવક થઈ હતી જેમાં મગફળીની આવક ૪૦ હજાર ક્વિન્ટલ, કપાસની આવક ૩,૬૦૦ ક્વિન્ટલ, સોયાબીનની ૭૦૦ ક્વિન્ટલ, ઘઉં ૧,૦૦૦ ક્વિન્ટલ, લસણની ૯,૦૦ ક્વિન્ટલ, સિંગફાડા ૨,૭૦૦ ક્વિન્ટલ, મગ ૮૬૦ ક્વિન્ટલ, જીરુંની ૧૦૨૦ ક્વિન્ટલ અને કાળા તલની આવક ૨૪૦ ક્વિન્ટલ આવક નોંધાઈ હતી. ઉપરોક્ત જણસીઓ ભરેલા વાહનોને માર્કેટયાર્ડમાં ક્રમવાર પ્રવેશ આપી ઉતરાઈ કરાવવામાં આવી હતી. રાજકોટ માર્કેટયાર્ડના ચેરમેન જયેશભાઈ બોઘરા, વા. ચેરમેન તથા ડિરેક્ટરઓ સહિતના સ્ટાફ દ્વારા ઉતરાઈની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

ભાવની વાત કરવામાં આવે તો જાડી મગફળીનો ભાવ ૧,૦૧૫થી ૧,૪૦૦ રૃપિયા, ઝીણી મગફળીનો ભાવ ૧,૦૦૦થી ૧,૩૮૦ રૃપિયા, કપાસનો ૧,૩૦૫થી ૧,૫૪૫ રૃપિયા, સોયાબીનનો ભાવ ૮૨૫થી ૯૦૫ રૃપિયા, ઘઉંનો ભાવ ૫૦૧થી ૫૮૦ રૃપિયા, ચણાનો ભાવ ૯૪૦થી ૧,૫૦૦ રૃપિયા, લસણનો ભાવ ૧,૧૪૧થી ૨,૧૯૦ રૃપિયા, સિંગફાડાનો ભાવ ૯૨૦થી ૧,૫૫૮ રૃપિયા, મગનો ભાવ ૧,૧૦૦થી ૧,૮૮૦ રૃપિયા, જીરુંનો ભાવ ૩,૫૦૦થી ૩,૬૩૪ રૃપિયા અને કાળા તલનો ભાવ ૩,૪૭૪થી ૫,૧૨૪ રૃપિયા બોલાયો હતો.

યાર્ડમાં સૂકી ડુંગળીની આવક ૪,૫૦૦ ક્વિન્ટલ થઈ હતી. ડુંગળીનો ભાવ ખેડૂતોને ૪૩થી ૨૪૫ રૃપિયા એક મણના મળ્યા હતા. યાર્ડમાં બટાકાની આવક ૩,૪૦૦ ક્વિન્ટલ થઈ હતી. બટાકાનો ભાવ ખેડૂતોને ૧૨૭થી ૪૯૨ રૃપિયા મળ્યા હતા. જ્યારે ટામેટાની આવક ૧,૧૦૬ ક્વિન્ટલ થઈ હતી. ટામેટાના ભાવ ૬૮૨થી ૧,૦૧૩ રૃપિયા એક મણના ખેડૂતોને મળ્યા હતા.

રાજકોટ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતા હોવાથી માત્ર રાજકોટના જ નહીં પણ રાજકોટ આસપાસના ગામો અને શહેરોમાંથી ખેડૂતો પોતાનો માલ લઈને વેચવા માટે આવે છે. રાજકોટ માર્કેટ યાર્ડમાં મોરબી, સુરેન્દ્રનગર અને હળવદ સહિતના શહેરોના ખેડૂતો પોતાનો પાક લઈને રાજકોટ માર્કેટ યાર્ડમાં આવે છે.

 

 

(10:09 PM IST)