<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd December 2025

સરધારમાં સ્‍વામિનારાયણ મંદિર પાછળથી ડો.બાબાસાહેબની પ્રતીમા ગાયબઃ તંગદીલી બાદ શાંતિઃ સ્‍વામી સહિતના સામે ગુનો

ગામના જીવાભાઇ દેશાભાઇ મકવાણાને ૧૯૫૭માં સરકારે સરધારમાં આશરે ૦૪ એકર જમીન ફુલઝાડ માટે ૩૦ વર્ષના ભાડા પટે આપેલ હતી, તે જમીનમાં સમાજના લોકોએ ડો.આંબેડકરજીની પ્રતીમા સ્‍થાપીત કરી હતી અને ફુલહાર કરી સામાજીક કાર્યો કરતાં હતાં

સરધાર ખાતે ડો. બાબાસાહેબની પ્રતીમા હટાવી લેવાયાના પગલે મોટી સંખ્‍યામાં અનુસુચીત સમાજના લોકો એકઠા થઇ ગયા હતા. બાદમાં સ્‍વામીજીએ માફી માંગી લેખીતમાં ખાત્રી આપતાં મામલો થાળે પડયો હતો. પીઆઇ એ. બી. જાડેજા સહિતનો સ્‍ટાફ પણ જોઇ શકાય છે. ત્રંબાથી તસ્‍વીરો જી. એન. જાદવે મોકલી હતી 

તાજેતરની એક બેઠકમાં પતિતપાવન સ્‍વામીજીએ ખાત્રી આપેલી કે-હોસ્‍પિટલ બને ત્‍યારે આ પ્રતીમા સાથે સરદાર પટેલની પ્રતીમા મુકી બંનેને ફુલહાર કરીશુઃ પણ બાદમાં  રાતોરાત પ્રતીમા હટાવી તેની જગ્‍યાએ ડોમ બનાવી લેવાયો હોવાનો આરોપઃ ઘટના સ્‍થળે જેસીબીથી કામ થયાના તાજા લિસોટા જોવા મળ્‍યાઃ પીઆઇ એ. બી. જાડેજા, પીએસઆઇ ગામેતી સહિતે તપાસ શરૂ કરી

રાજકોટ તા. ૨૩:  સરધારમાં આવેલા સ્‍વામિનારાયણ મંદિર પાછળની જમીનમાં ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતીમા આર.સી.સી. ઓટા ઉપર મુકાઇ હોઇ આ પ્રતીમા રાતોરાત ગાયબ થઇ જતાં અને તેની જગ્‍યાએ આડશ-ડોમ ઉભો કરી દેવાતાં ગામના અનુસુચીત જાતીના લોકો મોટી સંખ્‍યામાં ભેગા થઇ જતાં વાતાવરણ તંગ થઇ ગયું હતું. જાણ થતાં પોલીસના ધાડા ઉતરી પડયા હતાં. મોડી સાંજે સ્‍વામી સહિતની સામે પોલીસે ગુનો નોંધતા અને સ્‍વામીનારાયણ મંદિર તરફથી પ્રતીમા અને આર.સી.સી. ઓટો ફરી સ્‍થાપીત કરી દેવાની લેખતીમાં ખાત્રી અપાતાં મામલો થાળે પડયો હતો.

આ બનાવમાં આજીડેમ પોલીસે સરધાર ગામમાં રામાણી હોસ્‍પિટલ પાછળ રહેતાં અને છુટક મજૂરી કરી ગુજરાન ચલાવતાં હમીરભાઇ દાનાભાઇ પરમાર (ઉ.વ.૩૮)ની ફરિયાદ પરથી સરધાર સ્‍વામિનારાયણ મંદિરના પતીતતપાવન સ્‍વામી અને તપાસમાં ખુલે તેની સામે એટ્રોસીટી સહિતની કલમો હેઠળ સરધાર ગામ સ્‍વામિનારાયણ મંદિર પાછળ આવેલી જમીન ખાતે રહેલી ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને તથા આર.સી.સી. ઓટો કે જે અનુસુચીત જાતીના સભ્‍યનો છે તે જાણવા છતાં કોઇ મશીનરીથી જાણી જોઇને ઇરાદાપુર્વક તોડી પાડી નુકસાન કરી તે જગ્‍યાએથી ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા કોઇ જગ્‍યાએ લઇ જઇ નુકસાન કરી દુર્ભાવની લાગણીઓને પ્રોત્‍સાહીત કરવાનો ગુનો નોંધ્‍યો છે.

હમીરભાઇએ જણાવ્‍યું છે કે હું મારા પરિવાર સાથે રહુ છુ અને છુટક મજુરીકામ કરુ છું. અમારા ગામના જીવાભાઇ દેશાભાઇ મકવાણાને સને ૧૯૫૭માં સરકારશ્રી દ્વારા રાજકોટ તાલુકાના સરધારગામના સર્વે નં. ૧૯૪ ની આશરે ૦૪ એકર જમીન ફુલ ઝાડ માટે ૩૦ વર્ષના ભાડા પટે આપેલ હતી અને તે જમીનમાં તા.૨૭-૧૦-૨૦૧૯ માં અમારા સમાજના લોકો દ્વારા આર.સી.સી.નો ઓટો કરી અને તેના પર ડો. બાબા સાહેબ આંબેડકરની -પ્રતીમાનું અનાવરણ કરવામાં આવેલ હતું અને ત્‍યારથી અમારા સમાજના લોકો આ જગ્‍યાએ ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતીમા ઉપર કુલ હાર અને અન્‍ય સામાજીક પ્રવળતી કરતા આવ્‍યા છીએ.

દરમિયાન સોમવારે તા. ૨૨/૧૨ના બપોરે સવા ત્રણ વાગ્‍યાની આસપાસ હું રાજકોટ ખાતેથી આવતો હતો તે વખતે અમારા ગામના ભરતભાઇ બાવાભાઈ મકવાણાનો  ફોન આવેલ કે  હુ તથા વિનોદભાઇ હકાભાઇ મકવાણા તથા અમરશીભાઇ ભલાભાઇ મકવાણા તથા ભરતભાઇ ભલાભાઇ મકવાણા એમ બધા સરધારગામ ખાતે આવેલ ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતીમાને ફુલ હાર કરવા ગયેલ તો તે જગ્‍યાને ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતીમાં જોવામાં મળી નથી. આ વાત સાંભળતા જ હું તરત સરધાર ગામ ખાતે આવેલ અને મે અમારા ગામના અમારા સમાજના યુવાનોને આ બનાવ બાબતે જાણ કરેલ અને હું તથા અમારા સમાજના આશરે ૨૦ લોકો ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતીમા જે સ્‍થળે હતી તે જગ્‍યાએ ગયા હતાં.

એ સ્‍થળે  અમારા સમાજના ચારેય લોકો હાજર હતા અને અમોએ જોયેલ તો પ્રતીમાં જે જગ્‍યાએ હતી તેની ફરતે કાપડ વડે આડસ (ડોમ) ઉભો કરેલો દેખાયો હતો અને અંદર જઇ જોતા ત્‍યા ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતીમા જોવામાં આવેલ નહી, જેથી અમોએ સરધારગામા તથા રાજકોટના તથા આજુબાજુના ગામના અમારા સમાજના આગેવાનોને ફોન કરી બનાવની જાણ કરેલ અને અમોએ જોતા જે જગ્‍યાએ સ્‍ટેચ્‍યુ હતુ ત્‍યા આર.સી.સી. નો ઓટો પણ તોડી નાખેલ અને ત્‍યા કોઇ અવશેષો જોવામાં આવેલ નહિ અન ત્‍યાં તાજા જે.સી.બી. મશીનના લીસોટા જોવામાં આવેલ અને સ્‍ટેચ્‍યુની જગ્‍યાથી થોડે દુર જ એક ખાડો કે જેમાં સ્‍ટેચ્‍યુની બાજુમાં રહેલ પતરા હતા તે ધુળથી ડાટેલ જોવામાં આવેલ અને તે ખાડામાં ધુળ છે તે જોતા તે ખાડો હાલમાં જ બુરેલ હોવાનુ જણાયું હતું.

અમોને શંકા છે કે તે ખાડામાં ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતીમા તથા આર.સી.સી.નો ઓટો તોડી તેમાં નાખી અને તેના પર ધુળ નાખી દેધેલ છે અને આ અગાઉ ૧૯/૧૨ના રાત્રીના સાડા દસેક વાગ્‍યાની આસપાસ સરધારગામ ડો. બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે અમારા સમાજની મીટીંગ હોઇ તે દરમ્‍યાન સ્‍વામીનારાયણ મંદિરના પતીતપાવન સ્‍વામી તથા અન્‍ય બે વ્‍યક્‍તી ત્‍યા આવ્‍યા હતાં. ત્‍યારે અમારા સમાજના આગેવાનો સાથે મળી અને ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતીમાં જે જગ્‍યાએ છે તે જગ્‍યાએથી ન હટાવવા અમારા સમાજના લોકોએ પતીત પાવન સ્‍વામીને રજુઆત કરેલ અને પતીતપાવન સ્‍વામીએ અમારા સમાજના લોકોને ખાત્રી આપેલ કે હાલ જે જગ્‍યાએ ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતીમા છે તેને હટાવીશુ નહી અને ડો. બાબા સાહેબ સાંબેડકરની પ્રતીમાને અમો ફુલ હાર કરીશું અને જ્‍યારે પણ અમો આ જગ્‍યાએ હોસ્‍પીટલ બનાવીશુ ત્‍યારે ત્‍યા ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતીમાની બાજુમાં સરદાર વલ્લભભાઈ પટેલની પણ પ્રતીમા માનભેર રાખીશુ તેવી ખાત્રી આપેલ હતી.

જેથી અમારા સમાજના લોકોએ રજુઆત કરેલ કે પ્રતીમા ખાતે આવવા જવા રસ્‍તો નથી જેથી ફુલ હાર કરવા કઇ રીતે જવું જેથી પતીત પાવન સ્‍વામીએ અમારા સમાજને જણાવેલ કે તમારા સમાજના લોકો માટે મંદિરના દરવાજા ૨૪ કલાક ખુલ્લા છે અને ત્‍યાથી તમારા સમાજના લોકોને પ્રતીમા ખાતે ફુલહાર કરવા આવવા જવા દેશુ તેવી ખાત્રી આપેલ જે બાબતની અમારી પાસે વિડિયોગ્રાફી પણ છે જે જરૂર પડયે રજુ રાખીશુ. તે વખતે અમોએ ડો. બાબાસાહેબની પ્રતીમા જોતા જે તે સ્‍થીતીમાં સહી સલામત હતી અને સરધાર સ્‍વામીનારાયણ મંદિરના પતીત પાવન સ્‍વામીએ અમોએ ખાત્રી આપેલ હોવા છતા શ્રી સ્‍વામીયારાયણ સંસ્‍કાર ધામ ટ્રસ્‍ટના જવાબદાર એવા પતીતપાવન સ્‍વામી દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતીમાને તથા આર.સી.સી.ના ઓટાને કોઇ મશીનરીથી જાણી જોઇને ઇરાદા પુર્વક તોડી પાડી નુક્‍શાન કરી તે જગ્‍યાએથી ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતીમા કોઇ જગ્‍યાએ લઇ જઈ, નાખી દઇ, નુકશાન કરેલ હોય તેવી શંકા હોય જેથી પતીત પાવન સ્‍વામી તથા તપાસમાં ખુલે તે તમામ સામે ફરિયાદ કરી હતી. તેમ વધુમાં હમીરભાઇએ જણાવતાં પીઆઇ એ. બી. જાડેજા, પીએસઆઇ પી. કે. ગામેતીએ ગુનો નોંધી  તપાસ શરૂ કરી છે.

આ બનાવને પગલે સાંજે સરધાર ખાતે તંગદીલી જેવી સ્‍થિતિ ઉભી થઇ હતી. જો કે બાદમાં  સ્‍વામિનારાયણ મંદિર દ્વારા પણ મામલો થાળે પડે તે માટે લેખિતમાં બૌદ્ધ વિહાર અને બાબાસાહેબની પ્રતીમા સ્‍વખર્ચે સ્‍થાપિત કરવાની લેખિત ખાતરી આપવામાં આવતા રાત્રિના મામલો થાળે પડયો હતો. 

(3:30 PM IST)