તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 23rd December 2025
રાજકોટની ભાગોળે રતનપરના શ્રી રામચરિત માનસ મંદિરે ધ્વજારોહણ : હજારો ભાવિકો ઉમટયા
રામ દરબાર, રણછોડરાયજી, મહાદેવજી અને હનુમાનજી મંદિરના ઉતુંગ શિખરો પર ૯ મીટર લાંબી ધ્વજાઓ ચડાવાઇ : પૂજા આરતી, કીર્તન રસ, ભજન અને મહાપ્રસાદના કાર્યક્રમો સંપન્ન : દ્વારકા ન જઇ શકે તેમના માટે રતનપરમાં ધ્વજા ચડાવવા સુલભ સગવડ

રાજકોટની ભાગોળે મોરબી રોડ પર રતનપર પાસે આવેલ સુપ્રસિદ્ધ યાત્રાસ્થળ રામચરિતમાનસ મંદિરના શિખર ઉપર તાજેતરમાં ધ્વજારોહણનું આયોજન થયું હતું.આ પ્રસંગે પહેલી ધજા રામ મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા અર્પણ થઇ હતી. રામદરબાર, રણછોડરાયજી, મહાદેવજી અને હનુમાનજીના મંદિરના શિખરે ૯ મીટરની કુલ ચાર વિશાળ ધ્વજાઓ ચડાવવામાં આવી હતી. જેમાં સવારે ૧૦ વાગ્યે સદ્દગુરુ ભગવાન શ્રી રણછોડદાસજી બાપુના નિજમંદિરમાં ધ્વજાજીનું વિધિવત પૂજન થયું હતું. જેમાં કારોબારી પ્રમુખ સુરેશભાઈ ચંદારાણા તથા સર્વે ટ્રસ્ટીઓએ પૂજાવિધિમાં ભાગ લીધો હતો. કીર્તનમંડળીના રાસગરબા સાથે વાજતે ગાજતે આ ધજાજી મુખ્ય મંદિરે લાવવામાં આવી હતી. જયાં મહાઆરતી બાદ જયશ્રીરામના જયઘોષ સાથે આ ધજાજીને મંદિરના ઉત્તુંગ શિખર ઉપર ચડાવવામાં આવી હતી. આ તકે ૪૦ જેટલી ધજાઓની નોંધણી થઇ હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના કારોબારી સભ્ય ડો.કળષ્ણકુમાર મહેતાએ કર્યું હતું. ત્યાર બાદ ઉપસ્થિત સૌ ભાવિકોએ શુદ્ધ ઘીમાંથી નિર્મિત મિષ્ટ ભોજન મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો. આ પ્રસંગે દાણાપીઠ, માર્કેટ યાર્ડના વ્યાપારી શ્રેષ્ઠીઓ, દાતાઓ, સામાજિક અગ્રણીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓના હોદ્દેદારો, સિયારામ મંડળીના કારોબારી સભ્યો, ધર્મપે્રમી નાગરિકો વગેરે ૧૫૦૦ થી વધુ ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. સમય, સંજોગ, આરોગ્ય કે અન્ય અનુકૂળતાનાં અભાવે જે ભાવિકો દ્વારકા કે સોમનાથ મહાદેવ ધજા ચડાવવાનો લ્હાવો લઇ શકતા ન હોય કે ત્યાં જઈ શકતા ન હોય તેવા સૌ ભાવિકો હવેથી રાજકોટથી ફક્ત ૧૪ કિમી દૂર શ્રીરામચરિતમાનસ મંદિરે ધજાજી ચડાવવાનો અનેરો લાભ લઇ શકશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે આ મંદિરે જે ભાવિકો ધજાજી ચડાવવા આવે તેઓના તમામ આમંત્રિત મહેમાનો, પરિવારજનો સૌને ભોજન મહાપ્રસાદની ઉચિત વ્યવસ્થા સંપૂર્ણપણે રામ મંદિર તરફથી કરી આપવામાં આવે છે. ધજા નોંધાવવા માટે કમલેશભાઈ મો.૯૩૧૩૨૦૪૦૯૩ નો સંપર્ક કરવા સંસ્થાની યાદીમાં જણાવાયુ છે. (૧૬.૨)
રામચરિત માનસ મંદિર રતનપર ખાતે ધજા નોંધાવવા માટે સંપર્ક
કમલેશભાઇ
મો.૯૩૧૩૨ ૦૪૦૯૩
(3:03 PM IST)










