News of Tuesday, 23rd December 2025
ફાસ્ટફૂડ પાર્લરના સંચાલકોએ કન્યા સંસ્કાર કેન્દ્રના મહિલા પ્રમુખ અને છાત્રાલયના પ્રમુખને બેફામ ગાળો દઇ ધમકી દીધી
હોસ્ટેલમાં આવતાં ફૂડ પાર્સલથી ગંદકી થતી હોઇ પાર્સલ બંધ કરાવાતાં ન ગમ્યું: વાતચીતનો ઓડીયો રેકોર્ડ કરી કાપકૂપ કરી વાયરલ કરી દીધાનો આરોપ ભાવેશ વણવી, જય રાવલ, ધર્મેશ દોકી સામે એક ગુનો યુનિવર્સિટી પોલીસમાં અને ભાવેશ, ધર્મેશ, અજાણી યુવતિ સામે બીજો ગુનો ગાંધીગ્રામ પોલીસમાં નોંધાયો બંકીમભાઇને ભાવેશે કહ્યું-તારે મારા ભાગીદાર ધર્મેશ સાથે શું માથાકુટ છે, હું ધર્મેશની સાથે જ છું તારે શું કરવાનુ છે? યુપીમાં ૧૫૦૦ રૂપિયાના કટ્ટા મળે છે, મારતા વાર નહિ લાગે!

રાજકોટ તા. ૨૩: શહેરના કાલાવડ રોડ પર મામલતદાર કચેરી પાછળ આવેલી પૂજ્ય મણીમા કન્યા સંસ્કાર કેન્દ્ર નામની સંસ્થાના પ્રમુખ યુનિવર્સિટી નીલ સીટી કેમ્પસ અંદર ગ્રીન એવન્યુમાં રહેતાં જયશ્રીબેન રાજેશભાઈ મહેતા (ઉ.વ.૫૦)ને ફોન કરી જય રાવલ, ધર્મેશ દોશી અને ભાવેશ વણવીએ અપશબ્દો કહી હોસ્ટેલની છાત્રાઓ અને જયશ્રીબેન ઉપર ચારીત્ર્યહીનનું આળ મુક્યાની ફરિયાદ દાખલ થઇ છે. બીજી તરફ અન્ય ગાંધીગ્રામ પોલીસમાં અન્ય એક ફરિયાદ ભાવેશ વણવી, ધર્મેશ દોશી અને અજાણી મહિલા વિરૂધ્ધ કાલાવડ રોડ પ્રદ્યુમન રોયલ હાઇટ્સમાં રહેતાં અને આ સંસ્થામાં પ્રમુખ તરીકે સેવા આપતાં બંકીમભાઇ કાંતીભાઇ મહેતા (ઉ.વ.૪૨)એ નોંધાવી છે.
જયશ્રીબેન મહેતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે તે દોઢેક વર્ષથી આ સંસ્થામાં પ્રમુખ તરીકે છે. ગઈ તા. ૧૭નાં રાત્રે તે ઘરે હતા ત્યારે તેને ફોને આવ્યો હતો અને કોલ કરનારે ‘હું ભાગ્યેશ પંડયા, તમારી હોસ્ટેલની બાજુમાંથી બોલુ છું, તમારી આ સંસ્થા ગર્લ્સની છે છતા બોયઝને ત્યાં આવવાની પરમીશન કેમ આપો છો? કહેતાં તેને મેં અમારી જ જ્ઞાતિના દિકરા-દિકરીઓ હોય તે સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી માટે આવતા હોય છે તેવો જવાબ આપ્યો હતો. આમ છતાં ભાગ્યેશ વધુ પ્રશ્નો પુછતો હોઇ તેને ‘હું તમારા પ્રશ્નોના જવાબ દેવા બંધાયેલ નથી, તેની માટે તમારે સંસ્થાના મેનેજમેન્ટને મળવું પડે તેમ કહેતાં તે અપશબ્દો બોલવા લાગતા ફોન કટ કરી નાંખ્યો હતો.
જયશ્રીબેને વધુમાં જણાવ્યું કે આ પછી બીજા દિવસે સંસ્થાના ઉપપ્રમુખ જસ્મીનભાઈ માઢક અને અન્ય જયેશભાઈ દવે દ્વારા જાણવા મળ્યું હતું કે મારી સાથે વાત થઈ હતી તેનું રેર્કોડિંગ વાયરલ થઇ ગયું છે. જે સાંભળતા પુરી વાતનું રેર્કોડિંગ મુકેલ ન હતું. કાપી-કાપીને મુકેલ હતું. આ રીતે અમારી સંસ્થા અને તેનું નામ બદનામ થાય તેવું રેર્કોડિંગ મુકેલ હતું. આથી જસ્મીનભાઈ દ્વારા ભાગ્યેશને કોલ કરાતાં તેની જય રાવલ સાથે વાત થઈ હતી. તેણે જણાવ્યું હતું કે, આ ઓડીયો રેકોડીંગ ધર્મેશ દોશી અને ભાવેશ વણવીએ કરેલ છે. તેની સંસ્થાની હોસ્ટેલ નજીક હટ કે ફાસ્ટફૂડ છે તે આરોપીઓનું હોવાથી તેની હોસ્ટેલમાં પાર્સલ સુવિધા બંધ કરતાં નુકસાન થતા આ કળત્ય કર્યાનું જાણવા મળતા અંતે ફરિયાદ નોંધાવી હતી
બીજી તરફ છાત્રાલયનાં પ્રમુખ બંકિમભાઈ કાંતીભાઈ મહેતાની ફરિયાદ પરથી ગાંધીગ્રામ પોલીસમોં ભાવેશ વણવી, ધર્મેશ દોશી અને અજાણી મહિલા સામે ગુનો દાખલ થયો છે. બંકીમાભઇએ જણાવ્યું છે કે અમારી ર્બોડિંગની સામે આરોપીઓનું હટકે ફૂડ ઝોન અને કાફે આવેલું છે, ત્યાંથી ફુડ પાર્સલ છાત્રાલયમાં આવતાં હોવાથી ગંદકી થતી હતી. જેથી અમે છાત્રાલયમાં ફૂડ પાર્સલ લાવવાની મનાઈ કરી દીધી હતી. જેથી ભાવેશ વણવી અને ધર્મેશ દોશીને ફાસ્ટફૂડ ઝોન, કાફેને આર્થિક નુકસાની થતાં ખાર રાખી આ બંને અને એક મહિલાએ મળી ફોન કરી ગાળો દઇ ધમકી આપી હતી. ભાવેશે તો એવી ધમકી પણ દીધી હતી કે યુપીમાં ૧૫૦૦ રૂપીયામાં કટ્ટા મળે છે, તું રાજકોટમાં જ છો, મારતા વાર નહિ લાગે. બંને બનાવમાં યુનિવર્સિટી પોલીસ અને ગાંધીગ્રામ પોલીસે તપાસ શરૂ કરી છે. (૧૪.૮)
(5:46 PM IST)










