તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 24th December 2025
નિવૃત પીઆઇ પર ટ્રેનમાં હુમલો કરી લૂંટઃ ગંભીર હાલત
જામનગર-વડોદરા ઇન્ટરસીટીમાં વહેલી સવારે હાપાથી જામવંથલી વચ્ચે બનાવઃ ૭૭ વર્ષના ધર્મેન્દ્રસિંહ અનોપાસિંહ જાડેજા અને હુમલાખોર એમ બે જ મુસાફર હતાં: નિવૃત પીઆઇએ બીડી પીવાની ના પાડતાં મુળ પંજાબના શખ્સે બોલાચાલી બાદ હીચકારો હુમલો કર્યોઃ રેલ્વે પોલીસની ટીમોએ કલાકોમાં દબોચી લીધો : જામનગર રહેતાં નિવૃત પીઆઇ કોર્ટની મુદ્દતે અમદાવાદ જવા નીકળ્યા ત્યારે ઘટનાઃ સાથે મુસાફરી કરી રહેલા શખ્સે બોલાચાલી ગાળાગાળી બાદ ઢીકાપાટુ અને આગ ઓલવવાના બાટલાથી બેફામ માર માર્યો હતોઃ જામનગર રીલાયન્સ પાસે રહેતાં મુળ પંજાબના શખ્સને ઉઠાવી લઇ વિસ્તૃત પુછપરછ હાથ ધરાઇ : નિવૃત પીઆઇ રિવોલ્વર ટાઇપ લાઇટર રાખતા હતાં તે તથા મોબાઇલ ફોન લૂંટી લેવાયા હતાં: પંજાબનો શખ્સ ગુનો આચર્યા બાદ ટ્રેનમાંથી ઉતરી હાઇવે તરફ ભાગ્યોઃ પગેરૂ દબાવી દબોચી લેવાયો

હુમલામાં ગંભીર ઇજા પામનારા નિવૃત પીઆઇ ધર્મેન્દ્રસિંહ અનોપસિંહ જાડેજા રાજકોટ સારવાર હેઠળ છે, તેમનો ફાઇલ ફોટો પણ જોઇ શકાય છે
રાજકોટ તા. ૨૪: ચોરી-લૂંટની ઘટનાઓ અવાર-નવાર બનતી હોય છે. પરંતુ ધ્રોલથી પડધરી વચ્ચે આજે વહેલી સવારે જામનગર-વડોદરા ટ્રેનમાં ચાલુ ટ્રેને હીચકારો હુમલો કરી લૂંટની ઘટના બનતાં ચકચાર મચી ગઇ હતી. જામનગર રહેતાં નિવૃત પીઆઇ જામનગરથી વહેલી સવારે ટ્રેનમાં બેસી અમદાવાદ કોર્ટ મુદ્દતે જવા નીકળ્યા ત્યારે ચાલુ ટ્રેને તેમના પર હુમલો કરી ઢીકાપાટુ તેમજ ટ્રેનમાં રખાયેલા આગ ઓલવવાના લોખંડના બાટલાથી હુમલો કરી બેફામ માર મારી લોહીલુહાણ કરી નાંખી તેમની પાસેની રિવોલ્વર, મોબાઇલ ફોન લૂંટી લેવામાં આવ્યા હતાં. રેલ્વે પોલીસની ટીમોએ તપાસનો ધમધમાટ આદરી કલાકોમાં લૂંટારૂ-હુમલાખોરને સકંજામાં લઇ લીધો છે. બીજી તરફ હુમલામાં નિવૃત પીઆઇને ગંભીર ઇજા પહોંચી હોઇ સિવિલ હોસ્પિટલમાંથી ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. લૂંટાયેલી રિવોલ્વર પરવાનાવાળી નહોતી પણ રિવોલ્વર જેવું લાઇટર આવે તે હોવાનું ખુલ્યું હતું.
જાણવા મળ્યા મુજબ જામનગરમાં જી.જી. હોસ્પિટલ પાસે રહેતાં ધર્મેન્દ્રસિંહ અનોપસિંહ જાડેજા (ઉ.વ.૭૭) જામનગર-વડોદરા ઇન્ટરસીટી ટ્રેનમાં બેસી વહેલી સવારે જામનગરથી અમદાવાદ જવા નીકળ્યા ત્યારે પાંચેક વાગ્યે ટ્રેન હાપા-જામવંથલી વચ્ચે પહોંચી તે વખતે ચાલુ ટ્રેનમાં ધર્મેન્દ્રસિંહ પર અજાણ્યા શખ્સોએ હુમલો કરી ઢીકાપાટુનો માર મારી તેમજ ટ્રેનમાં રખાયેલા આગ ઓલવવાના બાટલા વડે માથા-મોઢા પર બેફામ માર મારતાં લોહીલુહાણ થઇ ગયા હતાં.
ટ્રેન રાજકોટ આવી ત્યારે ધર્મેન્દ્રસિંહ લોહી નીકળતી હાલતમાં ટ્રેનમાંથી બહાર આવતાં લોકો એકઠા થઇ ગયા હતાં. રેલ્વે પોલીસ મથકના રણજીતસિંહ ત્યાં પહોંચી ગયા હતાં અને ૧૦૮ બોલાવી ધર્મેન્દ્રસિંહને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડયા હતાં. અહિ તબિબની પ્રાથમિક પુછતાછમાં પોતાના પર ટ્રેનમાં અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી ફાયરના બાટલાથી માર માર્યાનું કહેતાં હોસ્પિટલ ચોકીમાં જાણ કરવામાં આવતાં અમૃતભાઇ મકવાણા, ચિત્રકેતુસિંહ ઝાલા, રવિભાઇ, ધર્મેન્દ્રભાઇ હુદડ સહિતે રેલ્વે પોલીસને જાણ કરી હતી.
ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે હું અગાઉ અમદાવાદ ક્રાઇમ બ્રાંચમાં ફરજ બજાવતા હતાં. અઢાર વર્ષથી નિવૃત છું, હું નિવૃત થયો ત્યારે પોલીસ ઇન્સ્પેકટર હતો અને ડીવાયએસપીના ચાર્જમાં હતો. મારે આજે અમદાવાદ કોર્ટમાં મુદ્દત હોવાથી જામનગરથી ટ્રેનમાં બેઠો હતો. આ ટ્રેન જામનગરથી ઉપડી હાપા-જામવંથલી વચ્ચે ે પહોંચી ત્યારે ટ્રેનના ડબ્બામાં હું એકલો જ હતો. આ વખતે અજાણ્યા શખ્સે મારી સાથે માથાકુટ કરી મારકુટ ચાલુ કરી દીધી હતી અને લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. મેં પ્રતિકાર કરતાં ઢીકા-પાટુ માર્યા હતાં અને બાદમાં ટ્રેનમાં ફાયર સેફટી માટે રખાયેલો લોખંડનો બાટલો કાઢીને તેનાથી મને બેફામ માર માર્યો હતો.
આ શખ્સ મારી પાસેથી મારી રિવોલ્વર તેમજ મારા બે મોબાઇલ ફોન પડાવી ગયા હતાં. મને ખુબ માર માર્યો હોઇ હું બેભાન જેવો થઇ ગયો હતો. રાજકોટ ટ્રેન પહોંચી ત્યારે ભાનમાં આવતાં નીચે ઉતર્યો હતો. આ શખ્સોએ લૂંટના ઇરાદે જ હુમલો કર્યાનું મને લાગે છે. તેમ વધુમાં ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું. ગંભીર ઘટનાની જાણ થતાં રેલ્વે પોલીસના ઉચ્ચ અધિકારીઓની રાહબરીમાં પીઆઇ હિતેન્દ્રસિંહ એમ. રાણા, પીએસઆઇ બલભદ્રસિંહ જે. જાડેજા, પરેશભાઇ સહિતનો સ્ટાફ હોસ્પિટલે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. ઘટના ખરેખર કયા કારણોસર બની? તેની તપાસ શરૂ કરવામાં આવી હતી. ચાલુ ટ્રેનમાં આ રીતે હુમલો કરી નિવૃત પીઆઇની રિવોલ્વર, મોબાઇલ ફોન પડાવી જવાયા હોઇ ભેદ ઉકેલવા રેલ્વે પોલીસ, રેલ્વે એસઓજી, એલસીબીની ટીમો કામે લાગી હતી.
દરમિયાન હુમલાખોર-લૂંટારૂનું પગેરૂ દબાવતા પોલીસની ટીમો આગળ વધી હતી અને રાજકોટથી આગળ જતાં હાઇવે પરથી શકમંદને દબોચી લીધો હતો. તેની પાસેથી નિવૃત પીઆઇનો મોબાઇલ મળી આવ્યો હતો. આ શખ્સે પોતે મુળ પંજાબનો નિશાદસિંઘ હોવાનું અને જામનગર રીલાયન્સ પાસે નોકરી કરતો હોવાનું રટણ કર્યુ હતું. આ શખ્સ બીડી પીતો હોઇ નિવૃત પીઆઇએ ના પાડતાં માથાકુટ થઇ હતી. એ પછીે ગાળાગાળી થતાં મારામારી થયાનું તેણે રટણ કર્યુ હતું. પોલીસ આ શખ્સની વિસ્તૃત પુછતાછ કરી સાચી વિગતો ઓકાવશે. હાલમાં હુમલો કરી લૂંટની કલમો હેઠળ ગુનો નોંધવા તજવીજ થઇ રહી છે.
તપાસમાં એવુ પણ ખુલ્યું છે કે જે રિવોલ્વર લૂંટાઇ ગયાનું નિવૃત પીઆઇએ કહ્યું હતું તે ખરેખર પરવાનાવાળી રિવોલ્વર નહોતી પરંતુ રિવોલ્વર જેવું પ્લાસ્ટીકનું લાઇટર આવે તે હતું. સિવિલ હોસ્પિટલમાંથી ધર્મેન્દ્રસિંહ જાડેજાને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. તેઓ મુળ જામનગરના ભણગોરના વતની હોવાનું અને સંતાનમાં એક દિકરો હોવાનું પોલીસ સુત્રો તરફથી જાણવા મળ્યું છે. (૧૪.૫)
રેલ્વે પીઆઇ એચ. એમ. રાણાની
આગેવાનીમાં ડી. સ્ટાફ, એલસીબી
સહિતની ટીમોએ ભેદ ઉકેલ્યો
ઞ્જગંભીર ઘટના જાહેર થતાં જ રેલ્વે પોલીસ સ્ટેશનના પીઆઇ એચ. એમ. રાણા અને ટીમે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો. તેના કારણે ગંભીર ગુનો આચરી આરોપી ભાગે એ પહેલા હાથમાં આવી ગયો હતો. પીઆઇ એચ. એમ. રાણાની સાથે પીએસઆઇ બલભદ્રસિંહ જે. જાડેજા, એલસીબી પીએસઆઇ જે. એમ. પરમાર, સુરેન્દ્રનગર પીએસઆઇ સી. પી. બાવળીયા, રેલ્વે પોલીસના વનરાજભાઇ ખવડ, મનસુખભાઇ, અનિલભાઇ, સાગરભાઇ ભોરીંગ, યોગેન્દ્રસિંહ, મધુરાજસિંહ, દિવ્યરાજસિંહ સહિતની ટીમે આરોપીને શોધી કાઢવાની કામગીરી કરી હતી.
સિવિલ હોસ્પિટલમાં ગંભીર ઇજાગ્રસ્ત નિવૃત પીઆઇની સારવારમાં ભયંકર બેદરકારી
રેલ્વે પોલીસ અધિકારીઓ અને ખુદ ડીડી લેવા આવેલા મેજીસ્ટ્રેટ દ્વારા સ્ટાફને ખખડાવાયો
ઞ્જસિવિલ હોસ્પિટલમાં સારવારમાં બેદરકારી દાખવવામાં આવતી હોવાની નાગરીકોમાં અવાર-નવાર ફરિયાદો ઉઠતી રહે છે. પરંતુ આ વખતે ખુદ રેલ્વે પોલીસના અધિકારીઓ અને હુમલા-લૂંટની ઘટનામાં ગંભીર ઇજા પામનારા નિવૃત પીઆઇનું ડી.ડી. લેવા આવેલા મેજીસ્ટ્રેટને પણ સારવારમાં ભયંકર બેદરકારી જોવા મળ્યાનું જાણવા મળે છે. ધર્મેન્દ્રસિંહ જાડેજાને આંખ, માથા, મોઢા પર ગંભીર હાલતમાં ઇમર્જન્સી વોર્ડમાં સવારે સાતેક વાગ્યે દાખલ કરાયા હતાં. જો કે બેથી અઢી કલાક સુધી તેમની સારવારના નામે કંઇ થયું નહોતું. આથી રેલ્વે પોલીસના અધિકારીઓએ હાજર સ્ટાફ, તબિબનો ઉધડો લીધો હતો અને તબિબી અધિક્ષક, આરએમઓ સુધી જાણ કરી હતી. મેજીસ્ટ્રેટ દ્વારા પણ સારવારમાં બેદરકારી મામલે ટકોર કરવામાં આવ્યાનું જાણવા મળે છે. અંતે નિવૃત પીઆઇના સગા પરિવારજનો આવી જતાં તેમને સિવિલ હોસ્પિટલમાંથી ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતાં.
(3:32 PM IST)










