<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th December 2025

જિલ્લા પંચાયત તંત્રની ‘વાઇબ્રન્‍ટ' વ્‍યસ્‍તતાઃ સામાન્‍ય સભા મકરસંક્રાતિ પછી

મોટાભાગના અધિકારીઓ - કર્મચારીઓને સમિટમાં ફરજ સોંપાવાની તૈયારી : વહીવટી કામગીરી પર અસર પડશે : બાંધકામ સમિતિની બેઠક ૨૯મીએ : કારોબારી અને બોર્ડ બેઠક માટે જાન્‍યુઆરીમાં એજન્‍ડા પ્રસિધ્‍ધ થશે

રાજકોટ, તા., ૨૩ : રાજય સરકાર દ્વારા તા.૧૦ થી ૧ર જાન્‍યુઆરી રાજકોટમાં  પ્રાદેશીક વાયબ્રન્‍ટ સમીટ યોજાનાર છે. દેશ-વિદેશના મહેમાનોની હાજરીમાં કાર્યક્રમ થનાર હોવાથી તેમાં સરકારના બધા વિભાગો વ્‍યવસ્‍થામાં જોડાય તે સ્‍વભાવીક છે. જિલ્લા પંચાયતનું વહીવટી તંત્ર વ્‍યવસ્‍થામાં સામેલ થનાર છે. ડીડીઓ અત્‍યારથી જ વાયબ્રન્‍ટને લગતી બેઠકોમાં વ્‍યસ્‍ત બન્‍યા છે. અન્‍ય અધિકારીઓ અને કર્મચારીઓને વાયબ્રન્‍ટમાં ફરજ સોપાવાની તૈયારી ચાલી રહી છે. પંચાયતનું તંત્ર ધીમે ધીમે વાયબ્રન્‍ટમાં વ્‍યસ્‍ત બન્‍યુ છે. પંચાયતની કારોબારી અને સામાન્‍ય સભા ડીસેમ્‍બર અંત અથવા જાન્‍યુઆરી પ્રારંભે યોજવા માટે પદાધિકારીઓએ પ્રયાસ કરેલ પણ વહીવટી તંત્ર તે સમયમાં વ્‍યસ્‍ત હોવાથી હવે બંને બેઠકો મકરસંક્રાતી પછી જ થશે.

જિલ્લા પંચાયતની સામાન્‍ય ચુંટણી આવતા ૩ મહિનામાં આવી રહી છે. ચુંટાયેલી પાંખ છેલ્લા દિવસોમાં વધુમાં વધુ પ્રજાલક્ષી કામ દેખાડવા તત્‍પર હોય તે સ્‍વભાવિછક છે.  એકાદ પખવાડીયા માટે વહીવટી તંત્ર વાયબ્રન્‍ટની કામગીરીમાં રોકાઇ જશે તા.ર૯મીએ બાંધકામ સમીતીની બેઠક યોજવા માટે એજન્‍ડા પ્રસિધ્‍ધ થયો છે. બાકીની સમીતીઓની બેઠકો ટુંક સમયમાં થઇ જશે. બધી સમીતીઓ મળી જાય પછી કારોબારી સમીતી અને સામાન્‍ય સભા મળતી હોય છે.  આ વખતે સમીટને અનુલક્ષીને હવે કારોબારી બેઠક મકર સંક્રાંતી પછી અને ત્‍યાર પછી સામાન્‍ય સભા મળશે. આ વખતની સામાન્‍ય સભામાં બજેટ રજુ થાય તેવી શકયતા છે.

જિલ્લા પંચાયતની વડી કચેરીમાં ૧પ થી વધુ શાખાઓ અને ર૦૦ થી વધુ કર્મચારીઓ ફરજ બજાવે છે. ડીડીઓ, ડે.ડીડીઓ, શાખાધિકારીઓ અને મોટા ભાગના કર્મચારીઓના નામ વાયબ્રન્‍ટની ખાસ ફરજની યાદીમાં આવી ગયા છે. ટુંક સમયમાં તેનો વિધિવત હુકમ થશે. વાયબ્રન્‍ટને અનુલક્ષીને રાબેતામુજબના વહીવટી કામો ઉપર અસર જોવા મળશે.  

(11:41 AM IST)