News of Wednesday, 24th December 2025
વાવડીમાં મામલતદારનું ઓપરેશનઃ પ૦ કરોડની જમીન ખૂલ્લીઃ ર૦ જેટલા ઝુપડા-કેબીનો હટાવી દેવાઇ
સર્વે નં. ૧૪૯ની પ હજાર ચો.મી. જમીન પર દબાણ હતું: મામલતદાર મકવાણા તથા નાયબ મામલતદાર ભૂમી લાવડીયાનું ઓપરેશન

રાજકોટ, તા. ર૪: તાલુકાના વાવડી ગામમાં સરકારી ખરાબાની કિંમતી જમીન પચાવી પાડનારા તત્વો સામે કલેકટરની સુચના બાદ તાલુકા મામલતદાર મકવાણા અને તેમની ટીમે આકરી કાર્યવાહી કરી હતી. વાવડીના સર્વે નંબર ૧૪૯ માં આવેલી ૫૦૦૦ ચોરસ મીટર જમીન પરના ગેરકાયદેસર દબાણો પર ગઇકાલે સવારે તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું.
તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહીમાં સર્વે નંબર ૧૪૯ પૈકીની સરકારી જમીન પર ખડકાયેલા કુલ ૨૦ જેટલા કાચા-પાકા ઝૂંપડાઓ તેમજ લારીઓ, કેબીનો સહિતના તમામ અનઅધિકળત દબાણોનો સફાયો કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ખાલી કરાવવામાં આવેલી આ ૫૦૦૦ ચો.મી. જમીનની વર્તમાન બજાર કિંમત આશરે ૫૦ કરોડ રૂપિયા જેટલી થવા જાય છે.
ગઇકાલે સવારથી જ મહેસૂલ વિભાગ અને સ્થાનિક તંત્રની ટીમ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસના ચુસ્ત બંદોબસ્ત હેઠળ આ ડિમોલિશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. લાંબા સમયથી આ જમીન પર દબાણ હોવાની ફરિયાદો ઉઠી હતી, જેના આધારે આજે આખરે મેગા ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.
દબાણ હટાવવાની આ કામગીરી મામલતદાર શ્રી મકવાણાની સુચના બાદ નાયબ મામલતદાર (દબાણ) શ્રી ભૂમી લાવડીયા, તેમનો સ્ટાફ, તલાટીઓ, પોલીસની ટીમો, વીજ તંત્રની ટીમોએ કરી અને રીપોર્ટ કરી દિધો હતો.
(12:18 PM IST)










