<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th December 2025

કલેકટર NHAIનું મહાઅભિયાનઃ હિરાસર એરપોર્ટથી મારવાડી કોલેજ સુધી ૧ હજાર દબાણો દૂર કરવા કવાયતઃ ર૦૦ દબાણોનો કડુસલો

વડાપ્રધાન ૧૦મીએ વાઇબ્રન્‍ટ સમિટ અંગે આવી રહયા હોય તંત્ર ઉંધા માથેઃ તાલૂકા મામલતદારની ટીમો સતત સાથે : બે દિ'માં ગેરકાયદે છાપરાઓ-દુકાનો-મોટાશેડ-નાના-મોટા મંદિરો તોડી પડાયાઃ ત્રણ સર્કલ ઓફીસરો-ટીમો દ્વારા પણ કાર્યવાહી : કરોડોની જમીન ખૂલ્લી કરાવાઇ

રાજકોટ, તા. ર૪ : રાજકોટમાં આગામી ૧૦ થી ૧૨ જાન્‍યુઆરી, ૨૦૨૫ દરમિયાન યોજાનારી ‘સૌરાષ્‍ટ્ર-કચ્‍છ રિજનલ વાયબ્રન્‍ટ સમિટ' ને લઈને વહીવટી તંત્ર હરકતમાં આવ્‍યું છે. આ સમિટનું ઉદ્ધાટન ૧૦ જાન્‍યુઆરીએ વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી દ્વારા કરવામાં આવે તેવી પ્રબળ શકયતાઓ વચ્‍ચે રાજકોટ ઇન્‍ટરનેશનલ એરપોર્ટ (હીરાસર) થી લઈ મારવાડી કોલેજ સુધીના માર્ગ પર મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્‍યું છે, કલેકટર અને નેશનલ હાઇવેની ટીમોએ ખાસ અભિયાન હાથ ધરી ૧ હજાર જેટલા દબાણો તોડી પાડવા બે દિવસથી અભિયાન શરૂ કરી અંદાજે ર૦૦ જેટલા દબાણો ઉપર બુલડોઝર ફેરવી દઇ મામલતદારને અને કલેકટરને રીપોર્ટ કરી દિધા છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, છેલ્લા બે દિવસથી નેશનલ હાઇવે ઓથોરિટી અને તાલુકા મામલતદારની ટીમ દ્વારા હીરાસર એરપોર્ટથી મારવાડી કોલેજ સુધીના પટ્ટામાં ઓપરેશન શરૂ કરવામાં આવ્‍યું છે. આ કામગીરી દરમિયાન રોડ પરના ગેરકાયદે છાપરાઓ અને દુકાનોના દબાણો હટાવવામાં આવ્‍યા. ફૂટપાથ પર નડતરરૂપ નાના-મોટા મંદિરો અને અન્‍ય બાંધકામો દૂર કરાયા.છેલ્લા બે દિવસમાં જ ૨૦૦, થી વધુ દબાણો તોડી પાડવામાં આવ્‍યા છે.

રાજકોટ કલેક્‍ટર ડો. ઓમ પ્રકાશ દ્વારા આ સમગ્ર કામગીરીનું સીધું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. કલેક્‍ટરે આગામી એક અઠવાડિયામાં રોડ અને ફૂટપાથના સમારકામ સહિતની તમામ કામગીરી પૂર્ણ કરી રિપોર્ટ સોંપવા સૂચના આપી છે. હાલ નેશનલ હાઇવે દ્વારા ફૂટપાથ અને રોડની કામગીરી પણ યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે.

નેશનલ હાઈવે ની ટીમ તેમજ કલેક્‍ટર ઓમ પ્રકાશ ટીમ તેમજ સર્કલ ઓફિસર તેજભાઈ બાણુગરીયા, વઘાસીયાભાઈ, ઝાલાભાઇ સહિતનો કાફલો સ્‍થળ પર તૈનાત રહી કામગીરી કરાવી રહ્યો છે.

તાલુકા મામલતદાર કચેરીના સૂત્રોએ ઉમેર્યુ હતું કે કુવાડવા રોડ, મોરબી રોડ પરના ર૦૦ જેટલા બોર્ડ, પતરા, અન્‍ય દબાણો તથા રોડ માર્જીનમાં આવતી કેબીનો ઉપર બુલડોઝર ફેરવી દઇ કરોડોની જમીન ખુલ્લી કરાવાઇ છે.(૬.૧૪)

 

 

 

(2:50 PM IST)