News of Wednesday, 24th December 2025
રૈયાધારના પત્નિએ દારૂ મુકી દેવાનું કહેતાં ઝઘડો થયોઃ જીતેશ જખાણીયાએ આપઘાત કરી લીધો

રાજકોટ તા. ૨૪: દારૂના કારણે વધુ એક યુવાને જીવ આપી દીધો છે. રૈયાધારમાં રહેતો યુવાન દારૂ પી ઘરે આવી માથાકુટ કરતો હોઇ પત્નિએ દારૂ છોડી દેવાનું કહી ઠપકો દેતાં બંને વચ્ચે માથાકુટ થતાં આ યુવાને ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.
જાણવા મળ્યા મુજબ રૈયાધાર પાણીના ટાંકા પાસે મેલડી માતાજીના મંદિર પાસે રહેતાં જીતેશભાઇ મનુભાઇ જખાણીયા (ઉ.વ.૩૫) નામના યુવાને સવારે ઘરે લાકડાની આડીમાં શર્ટ બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં ૧૦૮ મારફત જાણ થતાં યુનિવર્સિટી પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો.
આપઘાત કરનાર જીતેશભાઇ પાંચ ભાઇ અને ત્રણ બહેનમાં ત્રીજો હતો. સંતાનમાં બે દિકરી અને એક દિકરો છે. જીતેશભાઇ છુટક કલરકામ કરતો હતો. સગાના કહેવા મુજબ તેને દારૂ પીવાની ટેવ હોઇ વારંવાર દારૂ પી ઘરે આવતો હતો. પત્નિ નીમુબેને દારૂ છોડી દેવાનું કહી ઠપકો આપતાં આ કારણે બંને વચ્ચે બોલાચાલી થઇ હતી. જેથી માઠુ લાગી જતાં તેણે આ પગલુ ભરી લીધું હતું.
(3:34 PM IST)










