<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th December 2025

સમરસ હોસ્‍ટેલ ભોજન વિવાદ : રસોડામાં પારાવાર ગંદકી : ખાદ્યપદાર્થનો કાચો માલ સ્‍ટાન્‍ડર્ડ

વિદ્યાર્થીઓની ફરિયાદ બાદ તંત્રની તુરંત કાર્યવાહી : મનપાના ફૂડ વિભાગ દ્વારા ર૪ કલાકમાં ચેકીંગ કરાયું : કોન્‍ટ્રાકટરને હાઇજેનીક કંડીશન જાળવવા નોટીસ

રાજકોટ, તા. ર૪ : શહેરની સમરસ હોસ્‍ટેલમાં ભોજનને લઇને ગઇકાલે વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવેલ જેના પગલે આરોગ્‍ય વિભાગ દ્વારા તાત્‍કાલીક ધોરણે સમરસ હોસ્‍ટેલના રસોડાનુ ચેકિંગ તેમજ વિદ્યાર્થીઓને આપવામાં આવતા ખાદ્યપ્રદાર્થનું રો-મટિરિયલ ચેક કરાતા તમામ સામગ્રી નિયમ મુજબ સ્‍ટાર્ન્‍ડ હોવાનુ જાણવા મળેલ જયારે રસોડામાં ભારે ગંદકી હોવાના કારણે સંચાલનને હાઇજેનીક અંતર્ગત નોટિસ આપવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

મનપાના આરોગ્‍ય વિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ સમરસ હોસ્‍ટેલમાં ગઇકાલે રાત્રે વિદ્યાર્થીઓએ પીવાની પાણી અને ખાદ્ય ખોરાક મુદ્દે હોબાળો મચાવ્‍યો હતો. જેના પગલે ફૂડ અને આરોગ્‍ય વિભાગની ટીમ દ્વારા હોસ્‍ટેલમાં તપાસ કરતા મામુલ પડેલ કે, વિદ્યાર્થીઓને અપાતુ પાણી આરો યુક્‍ત અને શુધ્‍ધ છે. તેવી જ રીતે રસોઇની સામગ્રીની ચકાસણી કરતા તમામ રો-મટિરિયલ ગુણવતા વાળ અને નિયમ મુજબ સ્‍ટાર્ન્‍ડડ ક્‍વોલિટીનું હતું. ત્‍યા તૈયાર કરવામાં આવેલ રસોઇ અધિકારીઓએ પણ આરોગી હતી અને ચકાસણી કરતા સમરસ હોસ્‍ટેલમાં અપાતુ ભોજન ગુણવતા સભર હોવાનુ બહાર આવ્‍યુ છે.

પરંતુ રસોડામાં તપાસ કરતા અનેક જગ્‍યાએ ગંદકી જોવા મળી હતી. નિયમ મુજબ સાફ સફાઇ થતી ન હોવાથી કોન્‍ટ્રાક્‍ટરને હાઇજેનિક અંતર્ગત નોટિસ આપવામાં આવી છે. તેમજ હવે પછી આ પ્રકારની ફરિયાદ ઉભી થયે કડક પગલા લેવામાં આવશે. તેવી સુચના આપવામાં આવી હતી.

સમરસ હોસ્‍ટેલમાં ગઇકાલે ભોજન અને પીવાના પાણીનો મુદ્દો ઉઠાવી અમુક વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો હતો. આ મુદ્દે મનપાના આરોગ્‍ય અને ફૂડ વિભાગે તુરંત તપાસ હાથ ધરતા હોબાળાનુ કારણ ચોકાવનારુ આવ્‍યુ હતું. અધિકારીના જણાવ્‍યા મુજબ સમરસ હોસ્‍ટેલનો ભોજનાલયનો કોન્‍ટ્રાક્‍ટ અત્‍યાર સુધી રાજકોટની એજન્‍સી આપવામાં આવેલ પરંતુ વિદ્યાર્થીઓની અનેક ફરિયાદો ઉઠ્‍યા બાદ તેમની પાસેથી કોન્‍ટ્રાક્‍ટ પરત લઇ તાપીની કંપનીને નવો કોન્‍ટ્રાક્‍ટ આપવામાં આવ્‍યો છે.

જેના લીધે જુના કોન્‍ટ્રાક્‍ટર મોકાનો લાભ ઉઠાવી તંત્ર તેમજ નવા કોન્‍ટ્રાક્‍ટરને બદનામ કરવાના હેતુથી અમુક ચોક્કસ તેઓના માનીતા વિદ્યાર્થીઓને ઉશ્‍કેરી ફકત અને ફકત ભોજનાલયનો મુદ્દો ઉઠાવી ગઇકાલે હોબાળો કર્યો હતો.

આરોગ્‍ય વિભાગે વધુમાં જણાવેલ કે, નવા કોન્‍ટ્રાક્‍ટર દ્વારા હાલ નિયમ મુજબ ભોજનાલય ચલાવવામાં આવી રહી છે. ચેકિંગ દરમિયાન વિદ્યાર્થીઓને આપવામાં આવતા ભોજનની ગુણવતા સ્‍ટાર્ન્‍ડડ  હોવાનુ જણાય આવ્‍યુ છે. તેવી જ રીતે રસોઇમાં વપરાતા તમામ પ્રકારના રો-મટિરિયલ સ્‍ટાર્ન્‍ડડ અને ધારાધોરણ મુજબના હોવાનું જોવા મળ્‍યું છે. જેના લીધે નવા કોન્‍ટ્રાક્‍ટર દ્વારા નિયમ મુજબની કામગીરી થતી હોવાથી ફકત હાઇજેનીક અંતર્ગત નોટિસ આપી કડક સુચના આપવામાં આવી છે. 

(3:22 PM IST)