News of Wednesday, 24th December 2025
સરદારનગર રોડ પરની પાંચ દૂકાનોમાં એપલના માર્કા સાથે વેંચાતી ૫ાંચ લાખની નકલી એસેસરીઝ કબ્જે
અમદાવાદ સ્થિત કંપનીના મેનેજર વિશાલસિંહ જાડેજાની ફરિયાદ પરથી પાંચ દૂકાનના સંચાલકો-માલિકો વિરૂધ્ધ એ-ડિવીઝન પોલીસે ગુનો નોંધ્યો : જય બાલાજી મોબાઇલ એસેસરીઝ,મહાદેવ મોબાઇલ, કવર હાઉસ, કવર ઝોન, ટફન ઝોન તથા ટફનવાલા મોબાઇલ એસેસરીઝમાં દરોડાઃ એપલ કંપનીના માર્કાવાળા ડુપ્લીકેટ સિમ્બોલવાળા મોબાઇલ કવર, કેબલ, ઇયરબર્ડ, એડેપ્ટર, એરપોડ, પાવર બેંક સહિતની નકલી એસેસરીઝ વેંચતા હતાં

રાજકોટ તા. ૨૪: શહેરના સરદારનગર મેઇન રોડ પર મોબાઇલ એસેસરીઝની દૂકાનોમાં એપલ કંપનીના માર્કાવાળા ડુપ્લીકેટ સિમ્બોલવાળા મોબાઇલ કવર, કેબલ, ઇયરબર્ડ, એડેપ્ટર, એરપોડ, પાવર બેંક સહિત વેંચવામાં આવતું હોઇ કંપનીના કોપીરાઇટ હક્કોના રક્ષણ માટે કામ કરતી કંપનીના મેનેજરે પોલીસને સાથે રાખી દરોડા પાડતાં એપલના નામે વેંચાતી ૫,૦૫,૫૦૦ની કિમતની ડુપ્લીકેટ એસેસરીઝ મળી આવતાં ગુના દાખલ કરાવાયો છે. મુંબઇ, દિલ્હી તરફથી આ નકલી માલ આવતો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
આ અંગે એ-ડિવીઝન પોલીસે અમદાવાદ મણીનગર પુર્વ મધુકુંજ સોસાયટીમાં રહેતાં વિશાલસિંહ હીરાસિંહ જાડેજા (ઉ.વ.૪૬)ની ફરિયાદ પરથી સરદારનગર મેઇન રોડ પર આવેલી જય બાલાજી મોબાઇલ એસેસરીઝના માલિક-સંચાલક, મહાદેવ મોબાઇલ કવર હાઉસના માલિક સંચાલક, કવર ઝોન નામની દુકાનના માલિક-સંચાલક અને ટફન ઝોન તથા ટફનવાલા મોબાઇલ એસેસરીઝ નામની દૂકાનના માલિક-સંચાલક વિરૂધ્ધ કોપીરાઇટ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે.
વિશાલસિંહ જાડેજાએ જણાવ્યું છે કે હું ગ્રીફીન ઇન્ટેલએચ્યુઅલ પ્રો. સર્વિસ કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવું છું. અમારી કંપનીનું કામ અલગ અલગ બ્રાન્ડેડ કંપનીના ટ્રેડમાર્ક, કોપીરાઇટ હક્કોનું રક્ષણ કરવાનું છે. જો કોઇ કંપનીની ચીજવસ્તુનું ડુપ્લીકેશન કરી વેંચવામાં આવતું હોય તો અમારે લીગલ કાર્યવાહી કરવાની હોય છે. દરમિયાન હું અને સાથેના હરપાલસિંહ ઝાલા, દિકુલ શાહ, રોનાલ્ડ ક્રિસ્ટન સહિતના ફરજના ભાગ રૂપે રાજકોટ આવ્યા ત્યારે માહિતી મળી હતી કે સરદારનગર રોડ પર આવેલી જય બાલાજી મોબાઇલ એસેસરીઝ, મહાદેવ મોબાઇ કવર હાઉસ, કવર ઝોન, ટફન ઝોન, ટફન વાલા મોબાઇલ એસેસરીઝ નામની દૂકાનોમાં એપલ કંપનીના સિમ્બોલવાળી ડુપ્લીકેટ એસેસરીઝ જેમ કે હેડકોન, કેબલ, એડેપ્ટર-ચાર્જર, કવર, એરપોડ વગેરેનું ગેરકાયદેસર વેંચાણ થાય છે.
આથી અમે જરૂરી પુવરાા સાથે કાર્યવાહી કરવા એ-ડિવીઝન પોલીસ સ્ટેશને જતાં પીઆઇ બી. વી. બોરીસાગરે ટીમને સાથે મોકલી હતી. પીએસઆઇ આર. એમ. બરાડીયા, કોન્સ. પ્રદિપભાઇ ગાોવળીયા, ભરતભાઇ રાઠોડ સહિતના અમારી સાથે સામેલ થયા બાદ અમે પાંચ દુકાનોમાં તપાસ કરતાં આ પાંચેય દુકાનોમાંથી એપલના માર્કાવાળી એસેસરીઝ મળી આવી હતી. દૂકાનોમાંથી કુલ ૫,૦૫,૫૦૦ની નકલી એસેસરીઝ મળી હતી. આ અંગે પાંચેય દુકાનના સંચાલક-માલિક વિરૂધ્ધ કોપીરાઇટ ભંગનો ગુનો દાખલ કરાવ્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ જય બાલાજી એસેસરીઝ નામની દુકાને આકાશભાઇ રામભાઇ તલરેજા હાજર હતાં અને તેની દુકાનમાંથી એપલ સિમ્બોલવાળા મોબાઇલ કવર, એરપોડ સહિત ૧,૩૪,૦૦૦નો મુદ્દામાલ કબ્જે થયો હતો. મહાદેવ મોબાઇલમાં ભાવારામ ખુમારામ ચોૈધરી હાજર હતાં, તેની દુકાનમાંથી એપલ સિમ્પબોલાવાળ મોબાઇલ કવર, એડેપ્ટર, યુએસબી કેબલ, એરપોડ મળી ૧,૫૪,૦૦૦ની એસેસરીઝ મળી હતી. તેમજ કવર ઝોનમાં પ્રેમલ કિશોરભાઇ રાચ્છ હાજર હતાં, તેની દુકાનમાંથી મોબાઇલ કવર, કેબલ, એરપોડ, એપલ સિમ્બોલવાળી બેટરી મળી ૧,૦૯,૫૦૦નો મુદ્દામાલ તથા ટફન ઝોન દુકાનમાં રામભાઇ રણછોડભાઇ ડાંગર હાજર હતાં અને તેમાંથી ૬૧૫૦૦ની એસેસરીઝ તથા ટફનવાલામાં હર્ષ અજયભાઇ કીલજી હાજર હોઇ તેની દુકાનમાં તપાસ કરતાં એપલ સિમ્બોલવાળા કવરો, બેક પેનલ મળી ૪૬૫૦૦નો મુદ્દામાલ કબ્જે થયો હતો. આ બધા દુકાનદારો આવો નકલી માલ-એસેસરીઝ ક્યાંથી લાવે છે? તેની વધુ તપાસ પીઆઇ બી. વી. બોરીસાગરની રાહબરીમાં પીએસઆઇ આર. એમ. બરાડીયાએ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મુંબઇ, દિલ્હીથી આ નકલી માલ આવતો હોવાનું બહાર આવ્યું હતું.
(3:33 PM IST)










