News of Wednesday, 24th December 2025
પંચાયત કચેરીમાં કેમેરા નથી, કંઇ બને તો જવાબદાર કોણ?
વિપક્ષી નેતા સાકરિયાનો સીધો સવાલ જુની કચેરી અને કોર્ટ બિલ્ડીંગના કેમેરા કયા ગયા?

રાજકોટ, તા. ર૪ : જિલ્લા પંચાયતની કચેરીનું આશરે ર વર્ષ માટે જૂની કોર્ટ બીલ્ડીંગ ખાતે સ્થળાંતરણ કરવામાં આવ્યું છે. ત્યાં સીસીટીવી કેમેરાની સુવિધા ન હોવા બાબતે વિપક્ષી નેતા મનસુખ સાકરીયાએ વહીવટી તંત્ર સામે આકરા સવાલો ઉઠાવ્યા છે. વિપક્ષ કોંગ્રેસના નેતાએ મીડિયાના પ્રતિનિધિઓને જણાવેલ કે હાલ કાર્યરત કચેરીમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ ફરજ બજાવે છે. ચૂંટાયેલા સભ્યો, મુલાકાતીઓ વિગેરેનું ઘણું પ્રમાણ છે. ૭ માળની બિલ્ડીંગ છે. જાહેર હિત માટે કેમેરા જરૂરી છે. કમેરાથી સલામતીની મજબૂતાઇ વધે છે. અધિકારીઓ દ્વારા કર્મચારીઓની કામગીરી પર દેખરેખ રાખવા તેમજ પાનની પીચકારી જેવી પ્રવૃત્તિ રોકવા કેમેરા ઉપયોગી છે. પંચાયત કચેરી જયાં ખસેડાયેલ છે ત્યાં અગાઉ કેમેરા હતા તેમજ ંપંચાયત કચેરી જયાથી ખસેડાયેલ છે તે જૂની કચેરીમાં પણ કેમેરા હતા. આ બન્ને કચેરીના કેમેરા કયાં ગયા ? સીસીટીવી કેમેરા નથી અને કોઇ અનિચ્છનીય ઘટના બને તો તેના માટે જવાબદાર કોણ ? હાલની કચેરીમાં કેમેરાથી સુવિધા ઉપલબ્ધ કરવા હું ડીડીઓને રજુઆત કરીશ.
(4:16 PM IST)










