<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th December 2025

બાંટવાના ૬૩ વર્ષના ઇન્‍દુબેન મારૂનું રાજકોટમાં પતિની નજર સામે જ ‘હિટ એન્‍ડ રન'માં મોત

ગોંડલ ચોકડીથી હુડકો ચોકડી વચ્‍ચે રામાધણી હોટલ સામે કાળી સ્‍કોર્પીયોવાળો ઉલાળીને ભાગી ગયો દંપતિ રાજકોટ રહેતી દિકરીના ઘરે આટો મારવા આવ્‍યું ત્‍યારે બનાવઃ પરિવારમાં શોકઃ આજીડેમ પોલીસે જીવલેણ અકસ્‍માત સર્જી ભાગેલા ચાલકની શોધખોળ હાથ ધરી

રાજકોટ તા. ૨૫: બાંટવાથી રાજકોટ રહેતી દિકરીના ઘરે આટો દેવા આવેલા વૃધ્‍ધ અને તેમના પત્‍નિ ગોંડલ રોડ ચોકડીથી હુડકો ચોકડી વચ્‍ચેના રસ્‍તે રામાધણી હોટલ સામે ચાલીને રસ્‍તો ઓળંગી રહ્યા હતાં તે વખતે કાળા રંગની સ્‍કોર્પીયોનો ચાલક વૃધ્‍ધાને પતિની નજર સામે જ ઉલાળીને ભાગી ગયો હતો. હિટ એન્‍ડ રનના બનાવમાં આ વૃધ્‍ધાનું મોત થતાં અરેરાટી વ્‍યાપી ગઇ છે.

જાણવા મળ્‍યા મુજબ બાંટવા રહેતાં ઇન્‍દુબેનના  પતિ પ્રાગજીભાઇ શામજીભાઇ મારૂ (ઉ.વ.૭૬)ની ફરિયાદ પરથી અજાણી કાળા રંગની સ્‍કોર્પીયો કારના ચાલક વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે. પ્રાગજીભાઇએ જણાવ્‍યું હતું કે હું માણાવદરના બાંટવા ગામે સરકારી હોસ્‍પિટલ પાસે કૃષ્‍ણપરામાં પરિવાર સાથે રહુ છું અને વાળંદ કામ કરુ છું. મારે સંતાનમાં પાંચ દિકરી અને એક દિકરો છે. હું અને મારા પત્‍નિ ઇન્‍દુબેન (ઉ.વ.૬૩) ૨૪મીએ સાંજે પોણા ચારેક વાગ્‍યે જેતપુરથી રાજકોટ રહેતી મારી દિકરી રેખાબેનના ઘરે આટો દેવા આવ્‍યા હતાં. એસટી બસમાં બેસી અમે સાંજે સાડા છએક વાગ્‍યે ગોંડલ રોડ ચોકડીએ ઉતર્યા હતાં. ત્‍યાંથી રિક્ષામાં બેસી ગોડલ રોડ ચોકડી અને હુડકો ચોકડીની વચ્‍ચે રામાધણી હોટલ સામે અમે ઉતર્યા હતાં.

આ પછી નજીકમાં આવેલા સ્‍વાતિ પાર્કમાં ખોડલધામ શેરી નં. ૨માં રહેતી દિકરીના ઘર તરફ જવા રવાના થયા હતાં. આ વખતે અમે બંને રસ્‍તો ઓળંગતા હતાં ત્‍યારે ગોંડલ ચોકડી તરફથી પુરપાટ ઝડપે કાળા રંગની સ્‍કોર્પીયો આવી હતી અને  મારા પત્‍નિને પાછળથી ઠોકરે લઇ ચાલક કાર સાથે હુડકો ચોકડી તરફ ભાગી ગયો હતો. મારા પત્‍નિ રોડ પર ફેંકાઇ ગયો હતાં અને  તેમને માથા, શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હોઇ માણસો ભેગા થઇ ગયા તેમાંથી કોઇએ ૧૦૮ બોલાવતાં મેં તેણીને સિવિલ હોસ્‍પિટલમાં પહોંચાડેલ. પરંતુ અહિ સારવાર દરમિયાન મારા પત્‍નિનું મોત થયું હતું. તેમ વધુમાં પ્રાગજીભાઇએ કહેતાં આજીડેમ પોલીસ સ્‍ટેશનના પીઆઇ એ. બી. જાડેજાની રાહબરીમાં હેડકોન્‍સ. એચ. એમ. ધરજીયા અને સ્‍ટાફે ગુનો નોંધી અકસ્‍માત સર્જી ભાગી ગયેલા સ્‍કોર્પીયો ચાલકની શોધખોળ હાથ ધરી છે

(4:01 PM IST)