News of Thursday, 25th December 2025
પાળ દરબારની ખેતીની જમીનો બાબતે હાઇકોર્ટના હુકમ વિરૂધ્ધ કાર્યવાહી કરતા કલેકટર વિગેરેને કોર્ટ કન્ટેમની નોટીસ
રૈયા સર્વે નં. રપ૦ ની જમીનના મામલે અદાલતોમાં ચાલતી કાર્યવાહીના સંદર્ભે

રાજકોટ, તા. રપ : હાઈકોર્ટના હુકમ વિરૂધ્ધ પાળ દરબારની ખેતીની જમીનો બાબતે કલેકટર પ્રભવ જોશીએ કરેલ હુકમ બાબતે હાઈકોર્ટે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ બાબતે કલેકટરને નોટીસ કરતા ચકચાર જાગી છે. અત્રે સ્વ.હરિશચંદ્રસિંહ ભારતસિંહ જાડેજા રાજકોટ જીલ્લાના ૬ ગામ-જશવંતપુર, પાળ, રૈયા, પીપળીયા(પાળ), હરીપર (પાળ) તથા ઘંટેશ્વરના ગીરાશદાર અને તાલુકદાર તા તેની ઉપરોક્ત ગામમાં આવેલી ખેતી જમીન બાબતે ગુજરાત હાઈકોર્ટમાં એગ્રીકલ્ચર લેન્ડ સીલીંગ એકટ બાબતેનો કેસ ચાલ્યા બાદ હાલમાં તે બાબતેની ઉતરોતર મેટર સુપ્રીમ કોર્ટમાં પેન્ડીંગ છે. ઉપરોક્ત જમીનો પૈકી રૈયાના રે.સ.નં.૨૫૦ની જમીન બાબતે ગુજરાત હાઈકોર્ટમાં ફર્સ્ટ અપીલ નં.૨૨૩૮:૧૨ તથા ૨૨૩૯:૧૨ પેન્ડીંગ હતી ત્યારે ગુજરાત હાઈકોર્ટ દ્વારા નિયુક્ત કરેલ કમિટિ કે જેમાં રાજકોટ ડીસ્ટ્રીકટ કોર્ટનાં રજીસ્ટ્રારનો પણ સમાવેશ કરવામાં આવેલ તેને રૈયાના રે.સ.નં.૨૫૦ની જમીનનો કબજો રીસીવર તરીકે સોંપવા આદેશ કરેલ, પરંતુ તે હુકમમાં પાળ દરબારની અન્ય ગામમાં આવેલી કોઈ જમીનોનો કબજો રીસીવર તરીકે લેવાનો આદેશ કરેલ ન હતો. તેમ છતાં તત્કાલીન કલેક્ટર પ્રભવ જોશીએ તા.૧/૪/૨૫ના રોજ હુકમ કરેલ કે, ૅપાળ ગામના રે.સ. નં. ૮, ૧૩, ૧૦૦, ૪૫૭, ૪૯૨, ૯૨૪, ૯૩૦, ૯૩૧, ૯૩૪, ૯૫૯, ૯૫૭, ૯૭૯ વિગેરે નામ. ગુજરાત હાઈકોર્ટના આદેશથી બનેલ કમિટિને સોંપી આપવો તેવો નામ. ગુજરાત હાઈકોર્ટ આદેશ કરેલ છેઁ -હકીકતે નામ ગુજરાત હાઈકોર્ટે તેવા સર્વે નંબરની જમીનો ગુજરાત હાઈકોર્ટનાં આદેશથી બનેલ કમિટિને સોંપવા આદેશ કરેલ નથી. વિશેષમાં આવુ મનસ્વી, તઘલખી બીનતાર્કિક અને નામ. ગુજરાત હાઈકોર્ટનાં હુકમ વિરૂધ્ધનું અર્થઘટન કર્યા બાદ રેવન્યુ રેકર્ડમાં તેવા હુકમની નોંધ દાખલ કરવા આદેશ કરી, તેવી નોંધ પણ દાખલ કરાવડાવેલ અને તેમાં લખાવડાવેલ કે, ઉપરોક્ત પાળની ખેતી જમીનો કમિટિને સોંપવા ગુજરાત હાઈકોર્ટે અને સુપ્રીમ કોર્ટે એસ.એલ.પી. માં તા. ૨૭:૧:૨૫ના રોજ આદેશ કરેલ છે.
આ પ્રકારનું કથન પણ સુપ્રીમ કોર્ટના આદેશ વિરૂધ્ધનું છે. કલેક્ટરની આ પ્રકારની વર્તણૂંકથી સ્પષ્ટ થયેલ કે, મામલતદાર તથા કલેક્ટર નામ. ગુજરાત હાઈકોર્ટના હુકમ વિરૂધ્ધ વર્તવા ગુજરાત હાઈકોર્ટના હુકમનો અનાદર. અવહેલના કરી રહ્યા છે જેથી હાલના પાળ દરબાર અમરસિંહજી હરિશચંદ્રસિંહજી જાડેજાએ નામ, ગુજરાત હાઈકોર્ટમાં ક્લેક્ટર પ્રભવ જોશી અને કલેક્ટર ઓફીસના ઉતરોઉતર અધિકારી અને મામલતદાર કે.જી.ચુડાસમા તથા ઉતરોઉતર તેની ઓફિસ ધારણ કરનારને જોડી કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ એકટ-૧૯૭૧ હેઠળ કલેક્ટર તથા મામલતદાર સામે પગલા લેવા અરજી કરેલ છે. ઉપરોક્ત કાનુની કાર્યવાહીમાં કેસની ગંભીરતાને ધ્યાને લઈ ગુજરાત હાઈકોર્ટે જવાબદાર અધિકારીઓ સામે તા. ૨૨/૧/૨૬ના રોજ હાજર રહેવાની નોટીસ ઈસ્યુ કરતા, કલેક્ટર ઓફીસમાં ચકચાર જાગી છે.
આ કામમાં રાજકોટના એડવોકેટ વિકાસ. કે, શેઠ રોકાયેલ છે. જયારે ગુજરાત હાઈકોર્ટમાં સીનીયર એડવોકેટ મનિષ ભટ્ટ તથા તેની સાથે હર્ષ પંડયા અને મુંજાલ ભટ્ટ એડવોકેટ વકીલ તરીકે રોકાયેલ છે.
(2:32 PM IST)










