<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th December 2025

રાજલક્ષ્મી સોસાયટીના યુવાને બહેનની પજવણી કરનારાને ટપારતાં ધોકાથી મારકુટ

બપોરે મોરબી રોડે બોલાચાલી બાદ સાંજે કુવાડવા રોડ પર સમાધાનની વાત કરવા બોલાવી હુમલો કરાયાનો આક્ષેપ

રાજકોટ તા. ૨૫: મોરબી રોડ પર રહેતો અને કોલેજમાં અભ્‍યાસ કરતો યુવાન  બપોરે પોતાની બહેન શાળાએથી છુટી ત્‍યારે તેને તેડીને ઘર તરફ જતો હતો એ વખતે ત્રણેક શખ્‍સોએ ટુવ્‍હીલરથી પીછો કરી આ યુવાનની બહેનની પજવણી કરતાં બોલાચાલી થયા બાદ આ વાતનું રાતે સમાધાન કરવા માટે તેને કુવાડવા રોડ પર બોલાવી ત્રણેક  શખ્‍સોએ ધોકાથી હુમલો કરી માર મારતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થયો છે.

જાણવા મળ્‍યા મુજબ મોરબી રોડની સોસાયટીમાં રહેતો અને કોલેજમાં બીસીએનો અભ્‍યાસ કરતો ૧૯ વર્ષનો યુવાન રાતે નવેક વાગ્‍યે કુવાડવા રોડ પર નાગબાઇ પાન પાસે હતો ત્‍યારે ધ્રુમિલ, શક્‍તિ, કિશન સહિતે ઝઘડો કરી ધોકાથી માર મારતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે બી-ડિવીઝન પોલીસને જાણ કરી હતી.

હુમલામાં ઘાયલ યુવાને જણાવ્‍યું હતું કે પોતે બીસીએનો અભ્‍યાસ કરે છે અને તેની બહેન મોરબી રોડ પરની સ્‍કૂલમાં ધોરણ-૧૨માં અભ્‍યાસ કરે છે. પોતે બપોરે બહેન શાળાએથી છુટી ત્‍યારે તેણીન ટુવ્‍હીલરમાં બેસાડીને ઘર તરફ જતો હતો ત્‍યારે રસ્‍તામાં ત્રણ શખ્‍સો ટુવ્‍હીલર લઇને પાછળ પાછળ આવી હોર્ન વગાડી પોતાની બહેનની પજવણી કરતાં હોઇ પોતે ઉભો રહી ગયો હતો અને આ શખ્‍સોને ઠપકો આપ્‍યો હતો. આ વખતે એક બીજાના ફોન નંબર લઇ છુટા પડયા હતાં. બાદમાં રાતે ફોન કરી પોતાને સમાધાનની વાત કરવા બોલાવતાં પોતે મિત્ર સાથે જતાં  ફરી ઝઘડો કરી હુમલો કરાયો હતો. (૧૪.૯)

(2:48 PM IST)