News of Thursday, 25th December 2025
અકિલા-જય સૌરાષ્ટ્ર પ્રેસનો પ્રતિષ્ઠિત સુવર્ણ ચંદ્રક મયુર વાલાણીને એનાયત
સ્વ.શ્રી ગુણવંતભાઇ લાલજીભાઇ ગણાત્રા : પત્રકારત્વ ભવનના તેજસ્વી વિદ્યાર્થી મયુર વાલાણીને ૨૦૨૫ના શૈક્ષણિક વર્ષમાં સૌથી વધુ ગુણ મેળવ્યાઃ રાજયપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં સુવર્ણ ચંદ્રક એનાયત

રાજકોટ, તા.૨૫: છેલ્લા દોઢ દાયકાથી પત્રકારત્વના અભ્યાસમાં સૌથી વધુ ગુણ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીને સ્વ.શ્રી ગુણવંતભાઈ લાલજીભાઈ ગણાત્રા અકિલા - જય સૌરાષ્ટ્ર પ્રેસ રાજકોટનો પ્રતિષ્ઠીત સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવે છે આજે આ સુવર્ણ ચંદ્રક પત્રકારત્વ ભવનના વિદ્યાર્થી મયુરભાઈ દેવરાજભાઈ વાલાણીને શિક્ષણવિદોની ઉપસ્થિતીમાં એનાયત થયો છે.
શિક્ષણક્ષેત્રે નાનપણથી ખૂબ તેજસ્વી મયુરભાઈ વાલાણી એ સૌરાષ્ટ્ર યુનિર્વસીટીના પત્રકારત્વ ભવનમાં વર્ષ ૨૦૨૫ સેમેસ્ટર-૧ અને ૨ માસ્ટર ઓફ જર્નાલીઝમ એન્ડ માસ કોમ્યુનીકેશનના અભ્યાસક્રમમાં સૌથી વધુ ગુણ મેળવ્યા છે.
સ્વ.ગુણવંતભાઈ (બાબુભાઈ) ગણાત્રાએ જય સૌરાષ્ટ્ર સપ્તાહિકના માધ્યમથી ૧૯૪૦ થી ૧૯૫૦ દરમ્યાન ૩૨ પાનાનું ગુજરાતી અઠવાડીક પ્રસિધ્ધ કરી સ્વાતંત્ર્ય સંગ્રામની લડતમાં ગાંધીજી, સરદાર પટેલની લડતોને ખૂબ જ વિસ્તૃત વિગતે પ્રસિધ્ધિ આપી લોકજુવાળ સર્જયો હતો. પત્રકારિત્વના પ્રારંભના વર્ષોના પાયાના પત્થર સમાન તેમનું કાર્ય રહયું હતું.સૌરાષ્ટ્ર યુનિર્વસીટીના ૬૦માં ગૌરવપૂર્ણ ભવ્ય પદવીદાન સમારોહમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતીમાં પત્રકારત્વ ક્ષેત્રેનો પ્રતિષ્ઠિત એવોર્ડ સ્વ.શ્રી ગુણવંતભાઈ લાલજીભાઈ ગણાત્રા અકિલા જય સૌરાષ્ટ્ર પ્રેસ રાજકોટનો પ્રતિષ્ઠીત સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો છે.
(3:17 PM IST)










