News of Thursday, 25th December 2025
અટલજીને કોટી કોટી વંદનઃ ધારાસભ્ય ઉદય કાનગડ
મહાન કવિ,કુશળ લેખક, ઉત્કૃષ્ટ વકતા, સફળ રાજનેતા એવા ભારતીય રાજનિતીના નોખા–અનોખા રાજનેતા અટલજી વચન, પ્રવચન, અને આચરણના આકદમ પુરૂષ હતાઃ અટલજીની પાંચ દશક લાંબી રાજકીય યાત્રા, રાજનિતી ક્ષેત્રે સૌ કોઈ માટે પ્રેરણાદાયી બની રહી હતી અટલજીએ માત્ર રાજકીય વિચારધારા સાથે નહી પરંતુ રાષ્ટ્રવાદની વિચારધારા અને સર્વજન હિતાય, સર્વજન સુખાય સાથે રાષ્ટ્ર માટે પોતાનું સમગ્ર જીવન અર્પણ કર્યુ હતું

રાજકોટઃ ભારતરત્ન પૂર્વ વડાપ્રધાન અટલબીહારી વાજપેયીનો આજે તા.૨૫ ડીસેમ્બરના રોજ જન્મદિવસ છે વિધાનસભા ૬૮ રાજકોટના ધારાસભ્ય ઉદય કાનગડએ અટલબિહારી બાજપાઈજીને શત શત નમન કરતા જણાવેલ કે શ્રધ્ધેય અટલજીનો જન્મ તા.૨૫ ડિસેમ્બર, ૧૯૨૪ના રોજ ગ્વાલીયરના બ્રાહમણ પરિવારમાં થયો હતો. પોતાના જીવનકાળ દરમ્યાન અનેક ઉતાર-ચઢાવનો અનુભવ કરનાર અટલજી બચપણમાં વિદ્યાર્થી પ્રવૃતિઓથી લઈને આર.એસ.એસ.ના સ્વયંસેવક અને ત્યારબાદ સંઘના પ્રચારક બની ગયા. સંઘમાંથી જનસંઘમાં ડો. શ્યામાપ્રસાદ મુખર્જીના યુવા સાથી બની રાજનિતીમાં પદાપર્ણ કર્યું. સત્યાગ્રહો-આંદોલનોમાં સક્રિય રહયા.
જનસંઘ પછી ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ બન્યા. ૧૯૭૭માં જનતા પક્ષની સરકારમાં વિદેશ પ્રધાન અને લગાતાર ત્રણ—ત્રણ વાર ભારતના વડાપ્રધાન બન્યા. ૧૯૯૩માં કાનપુરની વિશ્વ વિદ્યાલયે માનદ ડોકટરની ડીગ્રી એનાયત કરી. ૧૯૯૯માં પ્રસિધ્ધ લોકમાન્ય તિલક એવોર્ડ આપવામાં આવ્યો. ૧૯૯૮માં દેશની સંસદે તેઓને સર્વસંમતિથી સર્વશ્રેષ્ઠ સાંસદનો ઉચ્ચ ખિતાબ આપ્યો. ૨૦૧૪માં તેમન 'ભારત રત્ન'પુરસ્કારથી નવાજવામાં આવ્યા.આમ અટલજી એક મૂલ્યનિષ્ઠ રાજનેતાની સાથોસાથ ઉતમ વકતા, ઉમદા લેખક, વિચારવાન વિચારક અને સાચા ઈન્સાન તો હતા જ પરંતુ એક સંવેદનશીલ કવિ પણ હતા.
અટલજી ભારતના સમૃધ્ધ સાંસ્કૃતિક વારસાને જાળવવાના મહત્વમાં માનતા હતા અને કલા અને સાહિત્યના આશ્રયદાતા હતા. અટલ બિહારી વાજપેયીને તેમની પ્રમાણિકતા અને જાહેર સેવા પ્રત્યેની પ્રતિબધ્ધતા માટે સમગ્ર રાજકીય સ્પેકટ્રમના લોકો ધ્વારા ઉંડો આદર અને પ્રશંસા કરવામાં આવી હતી. તેમનો વારસો ભારત અને સમગ્ર વિશ્વમાં લોકોને પ્રેરણા આપતો રહે છે અને તેમને ભારતના મહાન નેતાઓમાંના એક તરીકે હરહંમેશ યાદ કરવામાં આવશે.
આજે સમગ્ર દેશ પોતાના ભારત રત્ન અટલજીને એક આદર્શ વિભૂતિ તરીકે યાદ કરી રહયો છે. અટલજીએ પોતાની સરળતા અને સહજતાથી કરોડો ભારતીયોના હૃદયમાં એક અનોખું સ્થાન બનાવ્યું હતુ. સમગ્ર દેશ અટલજીના યોગદાન પ્રત્યે કૃતજ્ઞ છે. અટલજીનું સમગ્ર જીવન સુશાસન, એકતા અને પ્રગતિના સિધ્ધાંતોને મૂર્તિમંત કરે છે ત્યારે તેમના ઉચ્ચ આદર્શોને જીવનમાં ઉતારીને દેશસેવાના માર્ગે અવિરત આગળ વધીએ તેમ શ્રદ્વૈય અટલજીને જન્મદિવસ અંતર્ગત શત શત નમન કરતા અંતમાં ધારાસભ્ય ઉદય કાનગડએ જણાવેલ હતું.
(4:00 PM IST)










