News of Friday, 26th December 2025
આલાપ ગ્રીન સીટી પાછળ અમૃત સોસાયટીમાં વિજ્યાબેન સુદ્રાનો ઝેરી દવા પી આપઘાત
કેન્સરની બિમારીથી કંટાળી જઇ પગલુ ભરી લીધું: પરિવારમાં શોક

રાજકોટ તા. ૨૦: રૈયા રોડ પર આલાપ ગ્રીન સોસાયટી પાછળ અમૃત સોસાયટી-૨માં રહેતાં વિજ્યાબેન વિઠ્ઠલભાઇ સુદ્રા (ઉ.વ.૭૦) નામના વૃધ્ધાએ ઘરે ઝેરી દવા પી લેતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ સારવાર દરમિયાન દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
બનાવની જાણ હોસ્પિટલ ચોકીના ચિત્રકેતુસિંહ, ધર્મેન્દ્રભાઇ, રવિભાઇ સહિતે કરતાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના મુકેશભાઇ ચરમટાએ જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ વિજ્યાબેનને કેન્સરની બિમારી હોઇ કેન્સર છેલ્લા સ્ટેજમાં આવી ગયું હતું. સારવાર છતાં ફરક પડતો ન હોઇ કંટાળી જઇ તેમણે આ પગલુ ભર્યુ હતું. તેમને સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
ભીચરીના સોનલબેનનું બેભાન હાલતમાં મોત
અન્ય બનાવમાં રાજકોટના અમરગઢ ભીચરી ગામે રહેતાં સોનલબેન ભીખુભાઇ વજકાણી (ઉ.વ.૬૦) બિમારીને લીધે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં કુવાડવા રોડ પોલીસે કાર્યવાહી કરી હતી.
(1:57 PM IST)










