<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th December 2025

કાલે અને રવિવારે તેમજ તા. ૩ અને ૪ એમ ૪ દિવસ રાજકોટના

રપ૧ર બૂથો ઉપર મતદાર નોંધણી અંગે ખાસ ઝૂંબેશ મેપીંગ ન કરાવ્યુ હોય તે લોકો તથા નવા નામ ઉમેરવા-સુધારણા-કમી માટે સવારે ૧૦ થી પ ફોર્મ ભરી શકાશે

રાજકોટઃ મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) ૨૦૨૬ અંતર્ગત તમામ પાત્ર નાગરિકોને મતદાર યાદીમાં નામ નોંધણી, વિગતોની ચકાસણી તથા જરૂરી ફેરફાર કરવા માટે અપીલ કરવામાં આવે છે. પાત્રતા ધરાવતો મતદાર રહી ન જાય, પાત્રતા ન ધરાવતા મતદાર સામેલ ન થાયના રાજકોટ જીલ્લા  ચૂંટણી તંત્ર દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરાઇ છે.

આ કાર્યક્રમ અંતર્ગત રાજકોટ શહેર  જિલ્લામાં મેગા ડોક્યુમેન્ટ કલેકશન કેમ્પ (ખાસ ઝુંબેશ) કાલે અને  તા. ૨૭ રવિવાર તેમજ ૦૩/૦૧ શનિવાર અને ૦૪/૦૧ રવિવારના રોજ યોજાશે. આ દિવસોમાં નાગરિકો સવારે ૧૦ થી સાંજે ૫ વાગ્યા સુધી પોતાના વિસ્તારના મતદાન મથકની મુલાકાત લઈ મતદાર યાદીમાં પોતાનું નામ, વિગતો તથા ફોટો ચકાસી શકશે અને જરૂરી જણાય તો સુધારા માટે અરજી કરી શકશે. રાજકોટ શહેર-જીલ્લાના તમામ રપ૧પ મતદાન મથકો ઉપર BLO  ખાસ હાજર રહેશે.

મતદારો પાસેથી પુરાવા એકત્ર કરવા માટે ડોક્યુમેન્ટ કલેકશન સેન્ટર જિલ્લા કક્ષાએ કલેકટર કચેરી ખાતે તથા વિધાનસભા કક્ષાએ પ્રાંત કચેરીઓ તથા તમામ મામલતદાર કચેરીઓ ખાતે શરૂ કરવામાં આવ્યા છે. આ સેન્ટરો પર જાહેર રજાના દિવસો સિવાય કામકાજના દિવસોમાં કચેરી સમય દરમિયાન પુરાવા રજૂ કરી શકાશે. ખાસ કરીને NO MAPPING શ્રેણીના મતદારો તેમજ નવા મતદારોને ફોર્મ ભરવા માટે આ સેન્ટરનો મહત્તમ લાભ લેવા અપીલ કરાઈ છે.

મતદાર સંબંધિત સેવાઓ માટે વિવિધ ફોર્મ ઉપલબ્ધ છે. નવા મતદાર માટે ફોર્મ- ૬, મતદાર યાદીમાંથી નામ કમી કરવા માટે ફોર્મ- ૭ તથા સરનામું અથવા અન્ય વિગતોમાં ફેરફાર કરવા માટે ફોર્મ- ૮ ભરવાનું રહેશે. જેમની ઉંમર તા. ૦૧-૦૧-૨૦૨૬ના રોજ ૧૮ વર્ષ કે તેથી વધુ થાય છે તેવા પાત્ર નાગરિકોને મતદારયાદીમાં નામ નોંધણી કરાવવા અનુરોધ છે. આ સંદર્ભે અડી. કલેકટર શ્રી નારણ મુછાર ખાસ માર્ગદર્શન આપી રહયા છે.

મતદાર નોંધણી તથા ફેરફાર માટે ઓનલાઈન સેવાઓ તરીકે Voter Helpline મોબાઈલ એપ, www.voters.eci.go v.in ઉપલબ્ધ છે. ઉપરાંત રૂબરૂ સેવાઓ માટે કલેકટર કચેરી, પ્રાંત કચેરી, મામલતદાર કચેરી તથા મતદાન મથક પર સંપર્ક કરી શકાશે. વધુ માહિતી માટે નાગરિકો હેલ્પલાઇન નં. ૧૯૫૦ પર સંપર્ક કરી શકશે.

(4:02 PM IST)