તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 27th December 2025
જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ વેસ્ટનો ‘સુવર્ણ સફરોત્સવ' સ્નેહમિલન ભવ્ય રીતે ઉજવાયો

રાજકોટ : જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ વેસ્ટ દ્વારા સંસ્થાની ૪૫ વર્ષની ગૌરવવંતી સફરની ઉજવણીના ભાગરૂપે ‘સુવર્ણ સફરોત્સવ'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્થાપક સભ્યો, પૂર્વ પ્રમુખો અને કારોબારી સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં હાસ્યરસ, પ્રેરણાદાયી ઉદબોધન અને કલાત્મક સજાવટ મુખ્ય આકર્ષણ રહ્યા હતા.
જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ વેસ્ટ દ્વારા સંસ્થાના ૪૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘સુવર્ણ સફરોત્સવ' સ્નેહમિલન કાર્યક્રમમાં સંસ્થાના પૂર્વ પ્રમુખોનું વિશેષ સન્માન લાઇફ કોચ અને એક્ટર હર્ષલ માંકડના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં પ્રદીપભાઈ પૂજાણી, સુભાષભાઈ બાવીશી, શરદભાઈ પારેખ, રાજેશભાઈ મોદી,હર્ષદભાઇ મહેતા અને પ્રકાશભાઈ ખજુરીયાનું અભિવાદન કરાયું હતું. સંસ્થાના પાયાના પથ્થર સમાન ફાઉન્ડર મેમ્બર્સનું પણ સન્માન કરી ફાઉન્ડર પ્રમુખ સ્વ.હરસુખભાઈ તંબોલીને યાદ કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં ઉપપ્રમુખ મેહુલભાઈ અને ડોલીબેન રવાણી (અરિહંત ઇન્વેસ્ટમેન્ટ પરિવાર) તરફથી લકી ડ્રો અને સરપ્રાઈઝ ગિફ્ટ આપવામાં આવી હતી. ધનેશભાઈ અને ધરાબેન દોશી, હર્ષદભાઈ અને દક્ષાબેન મહેતા તેમજ મેહુલભાઈ અને ડોલીબેન રવાણી પરિવાર તરફથી સભ્યોને કપલ વોચ ભેટ અપાઈ હતી. પ્રમુખ મહેશભાઈ અને મિતલબેન શાહ પરિવાર દ્વારા કારોબારી સભ્યોને મોમેન્ટો અને ગિફ્ટ તથા તમામ સભ્યોને પર્સ અર્પણ કરાયા હતા.
હર્ષલ માંકડ : તેમણે પારિવારિક સંબંધો, પરસ્પર સન્માન અને વિશ્વાસના મહત્વ પર માર્ગદર્શન આપ્યું હતું. તેજસભાઈ પટેલ (હાસ્ય કલાકાર) તેમણે પોતાની વિશિષ્ટ શૈલીમાં હાસ્ય અને લોકસાહિત્ય પીરસી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.મેહુલ રવાણી : કાર્યક્રમ સારથી તરીકે તેમણે આત્મીય સંચાલન કર્યું હતું અને તેમના દ્વારા તૈયાર કરાયેલ હાથી, કમળ અને સેલ્ફી ઝોન સાથેનું કલાત્મક ડેકોરેશન આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. સભ્યો છે તો સંસ્થા જીવંત છે, દરેક ચહેરો એક સંબંધ છે. સાથે ચાલીએ, સાથે હસીએ, આ જ અમારી ઓળખ છે. ラ સેક્રેટરી ધનેશ દોશી, વર્ષો નહિ, સંબંધો ગણાય, સફર નહિ, લાગણીઓ ઉજવાય. ૪૫ વર્ષની આ સુવર્ણ યાત્રા, બંધુત્વ સે પ્રેમથી શોભાય.ラહર્ષદ મહેતા (પ્રોજેક્ટ કમિટી)
કાર્યક્રમના અંતે જોઈન્ટ સેક્રેટરી વિરેન્દ્રભાઈ સંઘવીએ આભાર વિધિ કરી હતી. સમગ્ર આયોજનને સફળ બનાવવા પ્રમુખ મહેશભાઈ શાહ અને કારોબારી સભ્યોએ જહેમત ઉઠાવી હતી તેમ સેક્રેટરી ધનેશભાઈ દોશીની યાદી જણાવે છે
(11:48 AM IST)










