તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 27th December 2025
‘લે વેચ બજાર' નામના વ્હોટ્સએપ ગ્રુપ મારફત કારનો સોદો કરી મોરબીના અનીલની ઠગાઇ
ગાંધીગ્રામમાં રહેતાં સલૂનના કર્મચારી હરેશ જોટંગીયાની યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. ૨૭: શહેરના નાણાવટી ચોક વિસ્તારમાં રહેતા અને સલૂનમાં કામ કરતા એક યુવાન સાથે કાર વેંચવાના નામે છેતરપિંડી થઈ છે. જેમાં મોરબીના એક શખ્સે વિશ્વાસમાં લઈ, બાઉન્સ થયેલો ચેક આપીને રૂ. ૯૦,૦૦૦ની અલ્ટો કાર પડાવી લીધી હતી.
આ અંગે નાણાવટી ચોક પાસે ટાઈટેનીયમ-૧માં રહેતા હરેશભાઈ જયંતીભાઈ જોટંગીયાએ પોતાની અલ્ટો કાર નં. જીજે૦૩સીઇ-૮૩૩૫વેચવા માટે ‘લે વેચ બજાર' નામના વોટ્સએપ ગ્રુપમાં ફોટા સાથે વિગતો મૂકી હતી. આ જાહેરાત જોઈને મોરબીના મહેન્દ્રનગર ચોકડી પાસે રહેતા અનીલ હરીલાલ કડીયાએ તેમનો સંપર્ક કર્યો હતો. બાદમાં ગયા મહિને તા. ૧૨/૧૧/૨૦૨૫ ના રોજ અનીલ કડીયાએ ફોન પર ગાડીનો સોદો રૂ. ૯૦,૦૦૦માં નક્કી કર્યો હતો. એ જ દિવસે સાંજે તે રાજકોટ હરેશભાઈના ઘરે આવ્યો હતો અને પેમેન્ટ પેટે કોટક મહિન્દ્રા બેંકનો રૂ. ૯૦,૦૦૦ નો ચેક આપીને અલ્ટો ગાડી લઈ ગયો હતો.
જો કે બીજા દિવસે જ્યારે હરેશભાઈએ આ ચેક પોતાની એચડીએફસી બેંકમાં જમા કરાવ્યો ત્યારે ખાતામાં પૂરતું બેલેન્સ ન હોવાને કારણે ચેક બાઉન્સ થયો હતો. આ બાબતે અનીલભાઈને ફોન કરતા તેમણે શરૂઆતમાં વાયદા કર્યા હતા અને છેલ્લ ૮મી ડિસેમ્બરના રોજ વોટ્સએપ ચેટ પર બે દિવસમાં રૂપિયા આપી દઈશ તેમ કહીને ફોન બંધ કરી દીધો હતો. અંતે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા હરેશભાઈએ યુનિવર્સ્ટિી પોલીસ સ્ટેશનમાં અનીલ હરીલાલ કડીયા વિરૂધ્ધ ગુનો નોંધાવતાં પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં એએસઆઇ જીતુભાઇ એલ. બાળાએ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
(3:22 PM IST)










