<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th December 2025

હડમતીયા ગોલીડાના ઉદ્યોગપતિ ભાવેશભાઇ સાથે યુવતિએ ફેસબૂક ફ્રેન્‍ડ બની ક્રિપ્‍ટોના નામે ૪૦ લાખની ઠગાઇ કરી

પહેલા યુવતિએ વાતો કરી પછી ક્રિપ્‍ટોમાં રોકાણથી મોટો નફો મળશે તેવી વાતો કરી વ્‍હોટ્‍સએપ ગ્રુપમાં એડ કરાવી રોકાણ કરાવડાવ્‍યું: યુએસ ડોલરમાં નફો દેખાયો પણ એક રૂપિયો'ય વીથડ્રો ન કરી શક્‍યાઃ સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ

 

 

રાજકોટ તા. ૨૭: શહેરમાં સાયબર ક્રાઈમના કિસ્‍સાઓ અવાર-નવાર બને છે. વધુ એક બનાવમાં રાજકોટના હડમતીયા ગોલીડા ગામે રહેતાં અને કુવાડવા જીઆઇડીસીમાં આરકોટીયા એગ્રો ટેકનોલોજી એગ્રીકલ્‍ચર પેસ્‍ટિસાઇડ દવાની કંપની ચલાવતાં ઉદ્યોગપતિને એક યુવતિએ ફેસબૂક પર ફ્રેન્‍ડ રિક્‍વેસ્‍ટ મોકલ્‍યા બાદ વાતો કરી ક્રિપ્‍ટોમાં રોકાણ કરવાથી મોટો નફો મળશે તેવી લાલચ આપી તેમની પાસેથી રોકાણના નામે રૂપિયા ૪૦.૭૮ ઉસેડી લેતાં આ અંગે ફરિયાદ થઇ છે.

સાબયર ક્રાઇમ પોલીસે હડમતીયા ગોલીડા ગામે રહેતાં ભાવેશભાઇ ધીરજલાલ આટકોટીયા (ઉ.વ.૪૩)ની ફરિયાદ પરથી બે અલગ અલગ વ્‍હોટ્‍સએપ મોબાઇલ નંબરના બે ધારકો સામે કાવત્રુ રચી ઠગાઇ કરવાનો ગુનો નોંધ્‍યો છે. ભાવેશભાઈએ નોંધાવેલી વિગત મુજબ ગત ૧ ઓક્‍ટોબરના રોજ તેમના ફેસબુક એકાઉન્‍ટ પર શ્રીષ્‍ટી નામની યુવતિની ફ્રેન્‍ડ રિક્‍વેસ્‍ટ આવી હતી. પરિચય વધતા વોટ્‍સએપ પર વાતચીત શરૂ થઈ હતી. આ પછી આ યુવતિએ ે ભાવેશભાઈને વિશ્વાસમાં લઈ ક્રિપ્‍ટોકરન્‍સીમાં રોકાણ કરવા માટે પ્રોત્‍સાહિત કર્યા હતા.

આ પછી આ યુવતિએ આપેલી વિગતોને આધારે ભાવેશભાઇએ ડેક્‍સ ટ્રેડ નામની  વેબસાઈટ પર રજીસ્‍ટ્રેશન કરાવ્‍યું હતું. ત્‍યારબાદ બલબીર સિંહ નામના શખ્‍સ (જે પોતાને ડેક્‍સ ટ્રેડ કંપનીનો કર્મચારી ગણાવતો હતો તેની સાથે તેમનો સંપર્ક કરાવાયો હતો. આ ટોળકીએ ભાવેશભાઈન ‘વે ટુ સક્‍સેસ'  નામના વ્‍હોટ્‍સએપ ગ્રુપમાં એડ કર્યા હતા, જ્‍યાં ટ્રેડિંગની ટીપ્‍સ આપીને વિશ્વાસ જીતવામાં આવતો હતો.

આરોપીઓના જણાવ્‍યા મુજબ, ભાવેશભાઈએ ક્રિપ્‍ટોકરન્‍સી ખરીદવા માટે અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ રૂપિયા ૪૦,૭૮,૦૪૨જમા કરાવ્‍યા હતા. વેબસાઈટ પર તેમના વોલેટમાં ૧,૩૭,૧૭૪ યુએસ ડોલરજેવી મોટી રકમ નફા સાથે બતાવવામાં આવતી હતી, જેથી તેમને રોકાણ સાચું હોવાનું લાગ્‍યું હતું.

પરંતુ જ્‍યારે ભાવેશભાઈએ પોતાનો નફો વિથડ્રો કરવાનો પ્રયાસ કર્યો, ત્‍યારે તેમને રકમ ઉપાડવા દેવામાં આવી નહોતી. ઉલટાનું ટેક્‍સ, વેરિફિકેશન ફી અને વિવિધ ચાર્જના બહાને ગઠિયાઓએ વધુ નાણાંની માંગણી ચાલુ રાખી હતી. આથી ભાવેશભાઇને પોતાની સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થતા ભાવેશભાઈએ તાત્‍કાલિક સાયબર ક્રાઈમ હેલ્‍પલાઈન ૧૯૩૦ પર સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. રૂપિયા ૪૦,૭૮,૦૪૨ની ઠગાઇમાં આ રકમ કયા કયા ખાતામાં ગઇ? જે બે નંબરનો ઠગાઇમાં ઉપયોગ થયો તે વ્‍હોટ્‍સએપ નંબરો વાપરનારા કોણ કોણ છે? તે સહિતની તપાસ પીઆઇ જે. એમ. કૈલાની રાહબરીમાં પીઆઇ એસ. ડી. ગીલવા સહિતની ટીમે હાથ ધરી છે.

(2:40 PM IST)