તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 27th December 2025
૩૧મી ડીસેમ્બર અંતર્ગત માદક પદાર્થની હેરફેર-સેવન ન થાય તે માટે એસઓજીની ડ્રાઇવ શરૂ
ડ્રગ્સ ટેસ્ટીંગ કીટ અને એફએસએલ અધિકારીઓને સાથે રાખી વાહન ચાલકોની તપાસ અગાઉ પકડાયેલા પેડલર્સ, કેરીયર્સની યાદી બનાવી તેની ગતિવિધી પર રખાઇ રહી છે વોચઃ ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બસીયાની રાહબરીમાં પીઆઇ એસ. એમ. જાડેજા, પીએસઆઇ ધ્રાંગુ, પીએસઆઇ જાડેજાની ટીમોની કાર્યવાહી

રાજકોટ તા. ૨૭: શહેરમાં વીતી રહેલા વર્ષ ૨૦૨૫ને બાયબાય કરી નવા વર્ષ ૨૦૨૬ને વધાવવા માટે શહેરીજનો તૌયર થઇ ગયા છે. જો કે આ ઉજવણીની આડમાં અમુક યુવાનો નશાનું સેવન કરવાના રવાડે ચડી જતાં હોય છે. દારૂ-માદક પદાર્થની હેરાફેરી ન થાય અને યુવાધન નશાથી દૂર રહે તે માટે અત્યારથી જ શહેર પોલીસ સતર્ક થઇ ગઇ છે. જેના ભાગ રૂપે એસઓજી દ્વારા કડક ચેકીંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. ગત રાતે ઓચીંતા જ એસઓજી એફએસએલ અધિકારીઓને સાથે રાખી ડ્રગ્સને લગતી ડ્રાઇવ યોજાઇ હતી. જેમાં અલગ અલગ સ્થળે વાહનચાલકોને અટકાવી તેણે માદક પદાર્થનો નશો તો નથી કર્યો ને? તેઓ માદક પદાર્થની હેરાફેરી તો નથી કરી રહ્યા ને? તેની તપાસ કરવામાં આવી હતી.
એકત્રીસમી ડીસેમ્બરે દારૂ-ડ્રગ્સની હેરાફેરી ન થાય ત માટે પોલીસ સ્ટેશનોનો સ્ટાફ, ક્રાઇમ બ્રાંચ, એલસીબી, પીસીબીની ટીમો સતર્ક થઇ છે. એસઓજી ડ્રગ્સનું દૂષણ ડામવા ખાસ કાર્યવાહી કરી રહી છે. જેના ભાગ રૂપે ડ્રાઇવ યોજાઇ હતી. એસઓજી દ્વારા ડ્રગ્સ ટેસ્ટીંગ કીટ સાથે ચેકીંગ શરૂ કરવામાં આવતા નશેડીઓમાં નાસભાગ મચી ગઇ હતી. વીતી રહેલા વર્ષની ઉજવણી વખતે નશાખોરો, માદક પદાર્થના ધંધાર્થીઓની સામે કાર્યવાહી કરવા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા અને એસીપી ક્રાઇમ ભરત બી. બસિયા દ્વારા સુચના અપાઇ હોઇ ે એસઓજી પીઆઈ સંજયસિંહ એમ. જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વી. વી. ધ્રાંગુ અને એમ. વી. જાડેજાની ટીમો દ્વારા ડ્રગ્સ ટેસ્ટીંગ કીટ સાથે રાત્રીના ચેકીંગ ડ્રાઇવ યોજવામાં આવી હતી.
એસઓજીની જુદી જુદી ટીમોએ યુનિવર્સીટી રોડ સહીતના વિસ્તારોમાં ચેકીંગ કર્યુ હતું. આ ઉપરાંત કાલાવડ રોડ, ૧૫૦ ફુટ રીંગ રોડ જેવા વિસ્તારો-રસ્તાઓ પર પણ ચેકીંગ કરવામાં આવ્યું હતું. મોડી રાત સુધી આ કામગીરી ચાલી હતી.
એસઓજીની ટીમો દ્વારા માત્ર વાહન ચેકિંગ કે ધરપકડના પગલા લઇ સંતોષ માનવામાં આવશે નહિ. એસઓજીની ટીમો પોતાની સાથે અત્યાધુનિક ડ્રગ્સ ટેસ્ટીંગ કીટપ પણ રાખે છે. જો કોઈ વ્યક્તિ નશો કરેલી હાલતમાં જણાય અથવા તેની હિલચાલ શંકાસ્પદ લાગે તો સ્થળ પર જ તેના લાળના સેમ્પલ લઈ પ્રાથમિક તપાસ કરવામાં આવે છે. આ કામગીરીમાં પારદર્શિતા અને ચોકસાઈ લાવવા માટે એફએસએલની ટીમને પણ સાથે રાખવામાં આવી હતી. જે સ્થળ પર જ પળથ્થકરણમાં મદદ કરી રહી છે. યુનિવર્સિટી રોડ શૈક્ષણિક હબ હોવાની સાથે યુવાનોની અવરજવર ધરાવતો મુખ્ય વિસ્તાર હોવાને કારણે આ રોડ પર ખાસ વધારાની ડ્રાઇવ યોજાઇ હતી. એસઓજીની ટીમોએ રોડ પરથી મોંઘીદાટ કાર, બાઇક પર નીકળતાં યુવાનોને ખાસ અટકાવીને ટેસ્ટીંગ કર્યુ હતું. જે પૈકી પાંચ જેટલા શખ્સો શંકાસ્પદ જણાતાં લાળનું ટેસ્ટીંગ કરાયું હતું.
એકત્રીસમી ડિસેમ્બરની પાર્ટીઓમાં માદક પદાર્થ સપ્લાય કરવા માટે સક્રિય થતા પેડલર્સ અને કેરિયર્સની યાદી પણ અગાઉથી એસઓજીએ બનાવી લીધી હોઇ આવા તત્વો પર નજર રાખવામાં આવી રહી છે. તેમજ અગાઉ એનડીપીએસના ગુનામાં પકડાયેલા શખ્સો હાલમાં ક્યાં છે? શું કરે છે? ક્યાં જાય છે? તેની પણ તપાસ થઇ રહી છે. એસઓજી દ્વારા હોટલ, ફાર્મ હાઉસ અને રિસોર્ટ્સમાં યોજાનારી પાર્ટીઓ ઉપર પણ નજર રાખવામાં આવે છે. એકત્રીસમી ડીસેમ્બરના રોજ એસઓજીની ટીમો દ્વારા જરૂર પડયે ડ્રોનનો ઉપયોગ કરીને પણ પાર્ટી સહિતના આયોજનો પર તપાસ કરવામાં આવશે.
(2:52 PM IST)










