<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th December 2025

લીમડાચોક પાસે રિક્ષાચાલક ભાવેશને રાહુલે છરીના ઘા ઝીંકી દીધા

તું કેમ મારી પત્ની સાથે બેઠો છો કહી રાહુલે શંકા કરી હુમલો કર્યો: ભાવેશ સારવાર માટે દાખલ થતાં પ્ર. નગર પોલીસે ગુનો દાખલ કર્યો

​રાજકોટ: શહેરનાલીમડાચોક વિસ્તારમાં મોડી રાત્રે. રૈયાધાર વિસ્તારમાં રહેતા અને રિક્ષા ચલાવી ગુજરાન ચલાવતા ભાવેશ ગુગાભાઈ વધીયારા (ઉ.વ.૩૫) નામના યુવાન પર રાહુલ નામના શખ્સે છરી વડે હુમલો કરી ઇજા પહોંચાડતા સારવાર માટે દાખલ થયો છે.

હોસ્પિટલ ચોકી મારફત જાણ થતાં પોલીસે ફરિયાદ દાખલ કરી હતી. ભાવેશ રાત્રે આઠેક વાગ્યાના અરસામાં લીમડાચોક પાસે આવેલ સરોવર પોર્ટીકો હોટલની બહાર ફૂટપાથ પર બેનાબેન અને નીતુબેન સાથે બેઠા હતા. આ દરમિયાન બેનાબેનનો પતિ રાહુલ ત્યાં ધસી આવ્યો હતો. રાહુલે રિક્ષાચાલક ભાવેશને પોતાની પત્ની પાસે કેમ બેઠો છે તેમ કહી ગાળો આપવાનું શરૂ કર્યું હતું. જ્યારે ભાવેશભાઈએ ગાળો આપવાની ના પાડી ત્યારે ઉશ્કેરાયેલા રાહુલે પોતાના નેફામાંથી છરી કાઢી જીવલેણ હુમલો કર્યો હતો. હુમલાખોર રાહુલે ભાવેશને ડાબા સાથળના ભાગે છરીનો છરકો કર્યો હતો. જીવ બચાવવા ભાગી રહેલા ભાવેશભાઈને પકડી પાડી રાહુલે જમણા સાથળ પર છરીનો ઊંડો ઘા ઝીંકી દીધો હતો. હુમલો રોકવાનો પ્રયાસ કરતા ભાવેશને ડાબા હાથના કાંડા પર પણ ઇજા પહોંચી હતી.

​ઘટનાસ્થળે લોકોના ટોળા એકઠા થઈ જતા હુમલાખોર નાસી છૂટ્યો હતો. લોહીલુહાણ હાલતમાં ભાવેશને તેના મિત્ર જેન્તીભાઈ અને બેનાબેને રિક્ષામાં બેસાડી તાત્કાલિક રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. પ્રધ્યુમનનગર પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. કે.કે. ઝાલાએ વધુ તપાસ હાથ ધરી છે.

(9:59 AM IST)