News of Monday, 29th December 2025
અમને વડાપ્રધાનને મળવાની મંજૂરી આપોઃ પૂરાવા વિના જમીન શરતભંગ કરી છેઃ ભાજપ અગ્રણીએ પચાવી છે?!
રાજકોટ તાલુકા અનુસૂચિત જાતિ સામૂદાયિક ખેતી સહકારી મંડળીના હોદેદારોનું આવેદન કલેકટરને રજૂઆતઃ ગરીબ ખેડૂતોની જમીન છેઃ અમારે વડાપ્રધાનને પૂરાવા આપવા છે

રાજકોટ તા. ર૯: તાલુકા અનુસૂચિત જાતી સામુદાઇક ખેતી સહકારી મંડળીના હોદેદારોએ કલેકટરને આવેદન પાઠવી પ્રધાનમંત્રીશ્રીની રાજકોટ મુલાકાત દરમિયાન ગામ કાળિપાટના ખેત મંડળીના અનુસુચિત જાતિના ખેડુતોને મળવા માટે સમય ફાળવા અંગે માંગણી કરી હતી.
આવેદનમાં ઉમેર્યું હતું કે, અનુસુચિત જાતિના ખેત મજૂરોનું જીવન ધોરણ ઉંચુ આવે તેવા સારા હેતુથી સરકારે અનુસુચિત જાતિના ગરીબ ખેડુતોને રાજકોટ તાલુકા અનુસુચિત જાતિ સામુદાઇક ખેત સહકારી મંડળીના માધ્યમથી ખેતી માટે જમીન આપેલ છે. જેમાં કોઇ પુરાવા વિના ડે. કલેકટરશ્રી એ અમારી મંડળીની જમીન શરતભંગ કરી છે. અને પછી એમાની ગામ કાળિપાટની અમે જે જમીન ઉપર ખેતી કરતા હતા એ જમીન પ્રાંત-ર એ ALC હેઠળ સરકાર હસ્તક લીધેલ ગરાસદારોના પુત્ર પુત્રીના વારસદારોને બોગસ વસિયતનામાના આધારે ગેરકાનૂની રીતે પરત આપેલ છે. અને આ જમીનનો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપના એક અગ્રણીએ ર૦૧૯માં વેચાણ દસ્તાવેજ કરાવી લીધેલ છે.
અધિકારીઓ, જમીનદારો અને રાજકિય પાવરનો ઉપયોગ કરીને અમો અનુસુચિત જાતિના ગરીબ ખેડુતોની જમીન હડપ કરી લીધેલ છે. જે તમામ બાબતોના પુરાવાઓ અમારે ભારતના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી સમક્ષ રજુ કરવા છે. જેથી અમોને નરેન્દ્રભાઇ મોદીને રાજકોટની મુલાકાત દરમિયાન મળવા માટેનો સમય ફાળવશો તેવી નમ્ર અપીલ છે. આવેદન દેવામાં મનોજ ખુમાણ, લલિત ખુમાણ, નીતિન રાઠોડ, મનુભાઇ મકવાણા વિગેરે જોડાયા હતા
(3:23 PM IST)










