તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 29th December 2025
રાજકોટમાં ૩૧ ડિસેમ્બરની ઉજવણી માટે પોલીસનું કડક જાહેરનામું: તલવારથી કેક કાપવા અને સ્ટંટ કરવા સહિતની બાબતો પર પ્રતિબંધ: ઉજવણીના આયોજકો માટે પણ અનેક નિયમો
ફટાકડા ફોડવા માટે માત્ર ૩૫ મિનિટનો સમય: રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાનું જાહેરનામુ

રાજકોટ: ૩૧ ડિસેમ્બરની વિદાય અને નૂતન વર્ષ ૨૦૨૬ના આગમનને આવકારવા માટે રાજકોટ શહેરમાં થનારી ઉજવણીઓને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા વિશેષ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. અસામાજિક તત્વો પર લગામ કસવા અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી સમગ્ર રાજકોટ કમિશનરેટ વિસ્તારમાં તા. ૩૦/૧૨/૨૦૨૫ થી તા. ૦૧/૦૧/૨૦૨૬ સુધી વિવિધ નિયમો અને પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે.
જાહેરનામા અનુસાર, નવા વર્ષની ઉજવણીમાં ફટાકડા ફોડવા માટે મર્યાદિત સમય ફાળવવામાં આવ્યો છે. શહેરીજનો ૩૧ ડિસેમ્બરની રાત્રે ૨૩:૫૫ થી ૦૦:૩૦ કલાક સુધી જ ફટાકડા ફોડી શકશે. જોકે, જાહેર માર્ગો કે જાહેર સ્થળો પર ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.
ઉજવણીના બહાને જાહેર માર્ગો પર બેફામ બાઇક ચલાવવા, જોખમી સ્ટંટ કરવા, ફોર-વ્હીલરના બોનેટ કે ડીકી પર બેસવા પર પ્રતિબંધ મુકાયો છે. આ ઉપરાંત, વાહનોમાં મોટા અવાજે હોર્ન વગાડવા અથવા પિપૂડા-વ્હીસલ વગાડવા પર પણ મનાઈ ફરમાવવામાં આવી છે. પાનના ગલ્લા કે ચાની લારીઓ પર ચારથી વધુ વ્યક્તિઓએ એકઠા થવું નહીં, જેથી ટ્રાફિકમાં અડચણ ન ઉભી થાય.
પાર્ટી પ્લોટ, ફાર્મ હાઉસ અને મોલ જેવા સ્થળોએ ઉજવણી કરનાર આયોજકોએ પોલીસની મંજૂરી લેવી અનિવાર્ય છે. આયોજકોએ સ્થળના ગેટ અને પાર્કિંગમાં નાઈટ વિઝન સીસીટીવી કેમેરા લગાવવા પડશે. કાર્યક્રમ દરમિયાન ફાયર સેફ્ટીની પૂરતી સુવિધા રાખવી પડશે અને સ્થળ પર કોઈ પણ પ્રકારના માદક પદાર્થો કે કેફી પીણાંનો ઉપયોગ ન થાય તેની સંપૂર્ણ જવાબદારી આયોજકોની રહેશે.
જાહેરમાં એકબીજા પર પાણી ઉડાડવા, તલવાર કે મોટા ચપ્પુથી કેક કાપવા અને રહેણાંક વિસ્તારો કે હોસ્પિટલ પાસે મોટા અવાજે મ્યુઝિક વગાડવા પર પ્રતિબંધ છે. જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ સામે ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩
ની કલમ-૨૨૩ અને ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ મુજબ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
(4:15 PM IST)










