<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th December 2025

તારા જેવા કેટલાય ડોક્‍ટરો જોયા છે, તને મારવો જ છે...સિવિલના ડોક્‍ટર પર તૂટી પડેલા જયદિપની શોધખોળ

નેપાળી દર્દીને બે બોટલ લોહી ચડાવ્‍યું હોઇ તેના સમાજના લોકોને એક બોટલ લોહી પરત કરવા કહેતાં તેની સાથેના જયદિપે આ માટે લેખિતમાં આપવાનું કહી માથાકુટ કરી હતી રાતે અગીયારે ડખ્‍ખો કરી જયદિપ જતો રહ્યો, સાડા બારે ફરીથી ધસી આવી ગાળો દઇ લાફાવાળી કરીઃ ડોક્‍ટરને ચક્કર આવવા માંડતાં વાળ પકડી પછાડી દઇ મારી નાખવાની ધમકી દીધીઃ પ્ર.નગર પોલીસે ફરજમાં રૂકાવટ સહિતનો ગુનો નોંધ્‍યો ઘટનાને પગલે તબિબોમાં રોષઃ આરોપીને તત્‍કાળ પકડી લઇ સરઘસ કાઢવાની માંગણી કરી

રાજકોટ તા. ૩૦: પીડીયુ સિવિલ હોસ્‍પિટલમાં ન્‍યુરો વિભાગના ઇન્‍ચાર્જ ડો. પાર્થ પંડયાએ વોર્ડમાં દાખલ નેપાળી દર્દીના સગાને લોહીની બોટલ માટે વાત કરતાં દર્દીના સગાની સાથે આવેલા જયદિપ નામના શખ્‍સે આ બાબતે લેખીતમાં માંગી અગીયારેક વાગ્‍યા અરસામાં બોલાચાલી કરતાં જે તે વખતે મેડીકલ ઓફિસરે આ શખ્‍સને સમજાવી પ્રશ્‍નનું નિરાકરણ લાવી દીધુ હતું. પરંતુ રાતે સાડા બારેક વાગ્‍યે ફરીથી આ શખ્‍સે ન્‍યુરો વિભાગમાં ઘુસી ફરજ પર હાજર ડો. પાર્થ પંડયાનેઅ-તારા જેવા કેટલાય ડોક્‍ટર જોયા છે, તને મારવો જ છે કહી બેફામ માર મારી વાળ પકડી પછાડી દઇ જાનથી મારી નાખવાની ધમકી આપતાં આ ઘટનાનો તબિબોએ ભારે વિરોધ દર્શાવી આરોપીને તત્‍કાળ પકડી લઇ સરઘસ કાઢવાની માંગણી કરી છે.

આ બનાવને પગલે પ્ર.નગર પોલીસે સિવિલ હોસ્‍પિટલના ન્‍યુરો સર્જન તરીકે છ મહિનાથી અને જનરલ સર્જરી વિભાગમાં સાડા ત્રણ વર્ષથી ફરજ બજાવતાં અને માલવીનગર મેઇન રોડ પંચશીલ હોસ્‍પિટલ સામે રહેતાં રેસિડેન્‍ટ ડો. પાર્થ જયેશભાઇ પંડયા (ઉ.વ.૨૮)ની ફરિયાદ પરથી જયદીપ ચાવડા વિરૂધ્‍ધ ફરજમાં રૂકાવટ, હુમલો, ગાળો દઇ, મારી નાખવાની ધમકીનો ગુનો નોંધી તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

ડો. પાર્થ પંડયાએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે હું સિવિલ હોસ્‍પિટલમાં ન્‍યુરો સર્જન તરીકે છ મહિનાથી અને જનરલ સર્જરી વિભાગમાં સાડા ત્રણ વર્ષથી ફરજ બજાવુ છું. અમારા વોર્ડમાં ૨૫/૧૨ના રોજ બીનય થાપા નામના દર્દીનું ઓપરેશન કરાયું હતું. તેને મોટી ટાંકા ચોકમાં અકસમાતમાં ઇજાઓ થઇ હતી. આ દર્દીને લોહીની જરૂર પડતાં અમે સિવિલ હોસ્‍પિટલમાં બે બોટલ લોહી ચડાવ્‍યું હતું. આ દર્દી મુળ નેપાળના હોઇ તેના કોઇ સગા સાથે નહોતાં પણ સમાજના આગેવાનો હાજર હતાં. જેથી મેં બીજા દર્દીઓને ઉપયોગમાં આવી શકે તે માટે વળતું એક બોટલ લોહી વ્‍યવસ્‍થા થાય તો જમા કરાવવા સુચન કર્યુ હતું.

આ પછી ૨૮મીએ ન્‍યુરો સર્જન વિભાગમાં હું ઇન્‍ચાર્જ તરીકે નોકરી પર હતો ત્‍યારે આઇસીયુ વોર્ડમાં મારી સાથે સ્‍ટાફ નર્સના મનીષાબેન અને હેપીબેન પણ ફરજમાં સાથે હતાં. રાત્રીના અગીયારેક વાગ્‍યાના અરસામાં એક અજાણ્‍યો શખ્‍સ આ બીનય થાપાના સગા સાથે આવેલ જેથી મે તેમની પાસે પાસ માગતા તેની પાસે આઇસીયુ વોર્ડમાં પ્રવેશ કરવા માટે કોઈ પાસે કે પરમીટ નહોતાં. તેણે પોતાનું નામ જયદીપ ચાવડા હોવાનુ જણાવેલ. બાદમાં આ જયદીપે મને જણાવેલ કે આ લોહીની બોટલ માટે મને તમે લેખીતમાં આપો. જેથી મે તેને જ ણાવેલ કે આ લોહીની બોટલ અમે દર્દીને ચડાવેલ છે અને જો સગવડતા થાય તો એક બોટલ પરત કરવી તેવું જણાવેલ હતું. પણ તેવું કઈ ફરજીયાત નથી. અન્‍ય કોઈ દર્દીને ઉપયોગમાં આવી શકે તે હેતુથી કહ્યું હતું. જેથી જયદિપ નામનો આ શખ્‍સ એકદમ ઉશ્‍કેરાઈ ગયો હતો અને મને જેમ ફાવે તેમ ગાળો દેવા લાગેલ જેથી મેં તેને ગાળો દેવાનીએ ના પાડેલ અને શીસ્‍ત જાળવવા કહેલ તો પણ તે વધુ ઉશ્‍કેરાઈ મને કહેલ કે-તારા જેવા કેટલાય ડોક્‍ટરો જોયા છે તને મારવો જ છે!

આથી કેં સિક્‍યુરીટીને બોલાવતાં સિકયુરિટી આવી ગયેલ અને તેને સમજાવીને ત્‍યાથી લઈ ગયેલ બાદ થોડીવારમાં મને ઈમરજન્‍સી વોર્ડથી મેડીકલ ઓફીસરા ડો.થી ધ્રુવાબેન ઠક્કરનો ફોન આવેલ અને તેમણે કહેલું કે જયદિપ નામની વ્‍યક્‍તિ તેમની પાસે આવેલ છે અને તેના પ્રશ્નનુ નીરાકરણ કરી તેમને સમજાવી દીધો છે. આ પછી રાતે સાડા બારેક વાગ્‍યે હું પીએમએસએસવાય બિલ્‍ડીંગના ત્રીજા માળે ન્‍યુરો સર્જરી વોર્ડમાં દર્દીઓને જોતો હતો અને ફરજ પર હતો ત્‍યારે મારી  સાથે નર્સ જાનવીબેન અને અન્‍ય કર્મચારી કિરણબેન હાજર હતાં. હું મારા ડેસ્‍ક પર ફાઈલો જોતો હતો તે દરમિયાન આ જયદિપ ફરી આવેલ જેથી મે તેને કહેલ કે આ પ્રતિબંધીત વિસ્‍તાર છે, તમે પરમીશન વગર અહિ પ્રવેશ ન કરી શકો તેમ કહેતા તે ે એકદમ ઉશ્‍કેરાઈ ગયેલ અને મને જેમ ફાવે તેમ ગાળો દેવા લાગેલ. જેથી મેં ગાળો ન બોલવા સમજાવતાં તેણે વધુ  ઉશ્‍કેરાઈ મને જાનથી મારી નાખ વાની ધમકી આપેલ અને ટેબલથી અંદર આવી મને ફડાકા મારવા લાગ્‍યો હતો.

આને કારણે  મને ચક્કર આવી  ગયા હતાં. ત્‍યારબાદ જયદિપે મારા વાળ પકડી મને નીચે પાડી દિધેલ અને ઢીકા પાટુ મારવા માંડતા દેકારો થતાં દર્દીના સગા ઓ આવી જઈ મને છોડાવ્‍યો હતો. આ દરમિયાન સીકયુરીટીનો સ્‍ટાફ પણ આવી ગયેલ અને બધા ભેગા થઈ જતા આ જયદિપ ત્‍યાથી ભાગી ગયો હતો. તેમ વધુમાં ડો. પાર્થ પંડયાએ જણાવતાં પ્ર.નગર પીઆઇ વી. આર. વસાવાની રાહબરીમાં હેડકોન્‍સ. કે. એન. ચુડાસમાએ ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.

આ બનાવને સિવિલના તબિબોએ વખોડી કાઢયો હતો. તબીબોએ મેડિકલ કોલેજના ડીન અને તબિબી અધિક્ષકને રજૂઆત કરી હતી કે વર્ષે તેર લાખ જેટલા દર્દીઓની સારવાર કરતા ડોક્‍ટરો ઉપર વારંવાર આ રીતે હુમલાઓ થાય છે તે જરા પણ સાંખી નહીં લેવાય. તબીબો પર હુમલા કરતા ગુંડા તત્‍વો સામે કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે. આ બનાવમાં આરોપીને સત્‍વરે ઝડપી લઇ સરઘસ કાઢવામાં આવે તેવી માંગણી છે. 

(3:52 PM IST)