<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th December 2025

મોડી રાતે પ્રેસ લખેલી કારમાં આવેલા ઉમંગ પટેલ અને રાજ પટેલની દંપતિ સાથે ધમાલ

યુનિવર્સિટી રોડ પર ભગતસિંહજી ગાર્ડન પાછળ ત્રણ માળીયામાં બનાવ : જુના ઝઘડામાં સમાધાન કરવાનું કહી છરીથી હુમલોઃ એક વખત તોડફોડ કરી ભાગી જઇ ફરી વખત આવી ખેલ કર્યોઃ નીશાબેન ડેનીશભાઇ દેસાણીની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસે તપાસ શરૂ કરી

રાજકોટ તા. ૩૦: શહેરના ભગતસિંહજી ગાર્ડન પાછળ આવેલા ત્રણ માળીયા ક્‍વાર્ટરમાં રાત્રે બે શખ્‍સોએ આતંક મચાવ્‍યો હોવાની ઘટના સામે આવી છે. મિત્ર સાથે ચાલી રહેલા વિવાદમાં સમાધાન કરાવવા દબાણ કરી, પ્રેસ લખેલી કારમાં આવેલા બે શખ્‍સોએ દંપતીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને વચ્‍ચે પડનાર મહિલા પર છરી વડે હુમલો કર્યો હતો. આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે યુનિવર્સિટી રોડ ભગતસિંહજી ગાર્ડન પાછળ ત્રણ માળીયા કવર્ટરમાં રહેતાં નીશાબેન ડેનીશભાઇ દેસાણી (ઉ.વ.૨૬)ની ફરિયાદ પરથી ઉમંગ પટેલ અને રાજ પટેલ વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે. નીશાબેને ફરિયાદમાં જણાવ્‍યું છે કે  મોડી રાત્રે અંદાજે પોણા ત્રણ વાગ્‍યાના અરસામાં પરિવારજનો સુતા હતાં ત્‍યારે   નંબર પ્‍લેટ વગરની અને આગળ પ્રેસનું બોર્ડ ધરાવતી કાળા કલરની એન્‍ડોવર ગાડીમાં બંને આરોપીઓ ધસી આવ્‍યા હતા. આરોપીઓને ફરિયાદીના પતિના મિત્ર જયેશભાઇ સાથે કોઈ માથાકૂટ ચાલી રહી હતી. આ બાબતે સમાધાન કરાવી આપવા માટે આરોપીઓએ ફરિયાદીના ઘરના દરવાજા ખખડાવી ગાળો ભાંડી હતી. જ્‍યારે પરિવારે દરવાજો ન ખોલ્‍યો ત્‍યારે ઉશ્‍કેરાયેલા રાજ પટેલે છરી વડે લોખંડના દરવાજા અને બારીની જાળીમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડ્‍યું હતું.

આ પછી  હુમલાના એક કલાક બાદ આરોપીઓ ફરી વખત ગાડી લઈને આવ્‍યા હતાં. આ વખતે નીશાબેનના પતિને માર મારવા જતા નિશાબેન વચ્‍ચે પડ્‍યા હતા. ઝપાઝપી દરમિયાન આરોપી રાજ પટેલના હાથમાં રહેલી છરી નિશાબેનના જમણા હાથના અંગુઠામાં વાગી જતાં લોહીલુહાણ થયા હતા. આરોપીઓએ જતી વખતે ધમકી આપી હતી કે જો સમાધાન નહીં કરાવ તો તને જાનથી મારી નાખીશું. ઘટના બાદ ૧૧૨ નંબર ઉપર કોલ કરતાં યુનિવર્સિટી પોલીસ મથકના એએસઆઇ મુકેશભાઇ ચરમટાએ ગુનો દાખલ કર્યો હતો. 

(3:10 PM IST)