તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 30th December 2025
મુકબધીર સગીરાને બ્લેકમેઇલ કરી ૭.૭૦ લાખ પડાવવામાં નવાઝ પણ પકડાયો
નવાઝ ઉર્ફ સમીરે જ આ સગીરાની ઓળખાણ ઋત્વીક સાથે કરાવી હતીઃ ભક્તિનગર પોલીસે ધરપકડની કાર્યવાહી કરી

રાજકોટ તા. ૩૦: રાજકોટમાં મુકબધીર તરૂણીને ફસાવી યુવક સાથે ફોટો પાડી તેને વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેઇલિંગ કરી રૂ.૭.૭૦ લાખ પડાવી લેવાના બનાવમાં ભક્તિનગર પોલીસે એક સગીરા અને એક યુવક ઋત્વીક સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી. વધુ એક શખસ સમીર ઉર્ફ નવાઝની સંડોવણી ખુલતાં તેને પણ પકડી લીધો છે. આ નવાઝે જ મુકબધીર સગીરા સાથે ઋત્વીકની ઓળખાણ કરાવી હતી.
આ ગુનામાં પોલીસે ત્રણ આરોપીઓમાંથી
ઋત્વીક રાજેશભાઇ રાજાણી (ઉ.વ.૨૦, રહે. દામજી મેપા પ્લોટ-૨,સહકારનગર મેઈન રોડ) અને સમીર ઉર્ફે નવાઝ રહીમ દોઢીયા (ઉ.વ.૧૯, રહે. ખોડિયારનગર-૧, ગોંડલ ચોકડી પાસે)ની ધરપકડ કરી છે. ભોગ બનનાર તરૂણીની માતાએ પોલીસને જણાવ્યું કે તેના ઘરે લગ્ન પ્રસંગ હતો. જેથી જેઠના પુત્રએ રૂા. ૭.૭૦ લાખ દાગીના ખરીદવા માટે આપ્યા હતા. રકમ સેટીમાં પુત્રએ આ રકમ પરત માંગતા સેટીમાં જોયું તો રકમ મળી ન હતી. સેટીમાં રકમ મુકી ત્યારે મુકબધીર પુત્રી હાજર હતી. લગ્નપ્રસંગ પુરો થયા બાદ મૂકબધીર પુત્રીએ સાંકેતિક ભાષામાં કહ્યું કે પાડોશી તરૂણી અને તેનો મિત્ર ઋત્વિક તેને ઘર નજીક આવેલા બગીચામાં લઈ ગયા હતા., જયાં પાડોશી તરૂણીએ ઋત્વિક સાથે તેનો ફોટો પાડયો હતો. ઋત્વિકે તે વખતે તેના શરીર સાથે અડપલા પણ કર્યા હતા.એટલું જ નહીં આ હકિકત કોઈને કહીશ તો ફોટો વાયરલ કરવાની ધમકી આપી હતી. સાથો-સાથ કટકે-કટકે રૂા.૭.૭૦ લાખ પડાવી લીધા હતા. આ વાત સાંભળી ચોંકી ઉઠેલા ભોગ બનનાર તરૂણીના વાલીઓએ પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય લીધો હતો.ગઈકાલે ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ઋત્વિકની ધરપકડ બાદ સમીરની પણ ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે સમીરે જ ભોગ બનનાર તરૂણી સાથે ઋત્વિકની ફ્રેન્ડશિપ કરાવી હતી. પીઆઇ મયુરધ્વજસિંહ સરવૈયાની રાહબરીમાં પીએસઆઇ જે. જે. ગોહિલ વધુ તપાસ કરે છે.
(3:11 PM IST)










