<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th December 2025

રમૂજ, લાગણી, પરિવાર, સંઘર્ષનો અદ્‌ભૂત સંગમ ‘‘જય કનૈયાલાલ કી'' : જુઓ વિડીયો

આગામી ૯ જાન્‍યુઆરી ર૦ર૬માં રીલીઝ થશે ફિલ્‍મ : સિધ્‍ધાર્થ રાંદેરિયા, હિતુ કનોડિયા, વૈશાલી ઠક્કર, અનેરી વજાણી અને શ્રેય મારડિયાની ભૂમિકા *મારી ફિલ્‍મોમાં હું જુદું જોનર ઇચ્‍છુ છું : ધર્મેશ મહેતા * આ મારી પહેલી ગુજરાતી ફિલ્‍મ છેઃ વૈશાલી ઠક્કર * ફિલ્‍મમાં કાયદો જીતે છે કે પરિવારની લાગણી તેના માટે ફિલ્‍મ જોવી પડશેઃ હિતુ કનોડિયા

અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે આગામી ગુજરાતી ફિલ્‍મ ‘‘જય કનૈયલાલ કી''નાં કલાકારો હિતુ કનોડિયા, વૈશાલી ઠક્કર અને દિગ્‍દર્શક ધર્મેશ મહેતા તસ્‍વીરમાં નજરે પડે છે. (તસ્‍વીર : સંદિપ બગથરિયા) 

રાજકોટ, તા., ૩૦ : ગુજરાતી ફિલ્‍મ જગતમાં ફરી એકવાર હાસ્‍યની લહેર લાવતી ફિલ્‍મ ‘જય કનૈયાલાલ કી' આગામી તા. ૯ જાન્‍યુઆરી ર૦ર૬ના રોજ સિનેમાઘરોમાં આવી રહી છે. ગુજ્જુભાઇ સિધ્‍ધાર્થ રાંદેરીયા, હિતુ કનોડીયા અને વૈશાલી ઠક્કર જેવા જાણીતા કલાકારોની મુખ્‍યભુમીકાવાળી આ ફિલ્‍મમાં હળવી રમુજ, સંવેદનશીલ ભાવનાઓ અને પરીવારના આંતરીક નાટકનો સરસ સમન્‍વય જોવા મળશે. આ ફિલ્‍મના કલાકારો આજે અકિલાના આંગણે મહેમાન બન્‍યા હતા અને ફિલ્‍મ વિશે માહીતી આપી હતી.

તાજેતરમાં ફિલ્‍મ ‘લાલો' એ થિયેટરમાં ધુમ મચાવી છે. શું ‘જય કનૈયાલાલ કી' એજ વિચાર વસ્‍તુ પર આધારીત છે? હિતુ કનોડીયાએ જણાવ્‍યું કે ખુબ જ અલગ વાર્તા છે. ફિલ્‍મ  માનવ ભાવનાઓ, સામાજીક વાસ્‍તવિકતા અને નૈતિક સંઘર્ષને અસરકારક રીતે રજુ કરે છે. જયારે ફિલ્‍મના દિગ્‍દર્શક ધર્મેશ મહેતા કે જેમણે પ્રખ્‍યાત સીરીયલ તારક મહેતા કા ઉલ્‍ટા ચશ્‍માના પહેલા પ૦૦ એપીસોડનું દિગ્‍દર્શન કર્યુ છે. તેમણે જ આ ફિલ્‍મ ‘જય કનૈયાલાલ કી' નું દિગ્‍દર્શન પણ કર્યુ છે. તેમણે જણાવ્‍યું હતું કે, મારી જેટલી પણ ફિલ્‍મો મેં કરી તેમાં હું એક જુદી જોનર ઇચ્‍છુ છું. આની  પહેલા જયસુખ ઝડપાયો ફિલ્‍મ કરી જેમાં જોની લીવર હતા તે ફુલ કોમેડી ફિલ્‍મ હતી. આ ઉપરાંત પપ્‍પા તમને નહી સમજાય, મોમ તને નહી સમજાય ફિલ્‍મોમાં એક મેસેજ આપવાનો પ્રયત્‍ન કર્યો હતો. એટલે એન્‍ટરટેઇન વર્લ્‍ડમાં રહી માત્ર ફિલ્‍મો બનાવવી નહી પણ સમાજને મેસેજ આપવો તેવો પણ આશય હોય છે. જે અમારી જવાબદારી છે. જય કનૈયાલાલ કી ફિલ્‍મમાં અક વ્‍યકિતનું પરીવાર માટે કેમ જજુમવુ, પરીવારની કિંમત શું છે એ વાત આ ફિલ્‍મમાં છે. આ ફિલ્‍મનું શુટીંગ માત્ર ૧૮ દિવસમાં પુર્ણ કર્યુ. જે એક હિસ્‍ટ્રી છે. અમદાવાદ, નડીયાદની બાજુમાં વસો ગામ તથા મુંબઇમાં આ ફિલ્‍મનું શુટીંગ કર્યુ છે. કનૈયાલાલ પર કેવડી મોટી આફત આવે છે અને પરીવારને એ આફતમાંથી કઇ રીતે બહાર કાઢે છે તેની આ ફિલ્‍મમાં વાત છે.

 ‘જય કનૈયાલાલકી' માંપોલીસ અધિકારીનો અભિનય કરતા અભિનેતા હિતુ કનોડિયાએ જણાવ્‍યું હતું કે, મને આ ફિલ્‍મમાં દિગ્‍દર્શન અલગ લાગ્‍યા. પહેલીવાર ધર્મેશભાઇ સાથે કામ કર્યું છે.વૈશીલી ઠક્કર સાથે પણ પહેલીવાર કામ કર્યું છે અને સિધ્‍ધાર્થભાઇ રાંદેરિયા સાથે આ પ્રથમ ફિલ્‍મ છે એક એકટર તરીકે એનર્જી અલગ ટાઇપની છે અને ફિલ્‍મમાં એનો ટકરાવ એક સાથે ઓડિયન્‍સને માણવાની મજા આવશે. હિતુભાઇ કહે છે અત્‍યાર સુધી ૧૦ ફિલ્‍મોમાં પોલીસ અધિકારીનો રોલ કર્યો છે. મે તો પોલીસના કપડા પણ સીવડાવી લીધા છે! જોકે દરેક પોલીસના કેરેકટરને અલગ રીતે રજુ કરવાનો પ્રયત્‍ન  કરૂ છું ફિલ્‍મમાં કનૈયાલાલને પરિવારની લાગણી છે જયારે પોલીસ અધિકારીને કાયદાની લાગણી છે. હવે કાયદો જીતે છે કે પરિવારની લાગણી તેના માટે ફિલ્‍મ જોવી પડશે.

ધર્મેશભાઇ મહેતા કહે છે, જય કનૈયાલાલ કી ફિલ્‍મમાં દરેક કલાકારોએ પરિવારની જેમ કામ કર્યું છે પહેલીવાર સાથે કામ કરતા હોવા છતા ઘણા સમયથી સાથે કામ કરતા હોય તેવું લાગ્‍યું. ફિલ્‍મમાં કલાકારોનું બોન્‍ડીંગ જોવા મળશે.

યે રિશ્‍તા કયા કહેલાતા હૈ, સસુરાલ સીમરન કા જેવી પ્રખ્‍યાત ધારાવાહિકના અભિનેત્રી વૈશાલી ઠક્કર આ ફિલ્‍મમાં સિધ્‍ધાર્થ રાંદેરિયાના પત્‍નિનો અભિનય કર્યો છે. તેમણે જણાવ્‍યુ કે ૧૯૯૮થી ટેલીવિઝનમાં મેં ખુબ કામ કર્યું છે. પણ આ મારી પહેલી ગુજરાતી ફિલ્‍મ છે. ‘‘જય કનૈયાલાલ કી'' માં કામ કરવાની ખુબ મજા આવી. ધર્મેશભાઇ મહેતા સાથે ‘‘બા બહુ ઓૈર બેબી'' ટેલીવીઝન શો ભૂતકાળમાં કરેલો જયારે આ ફિલ્‍મની સ્‍ટોરી, કેરેટરાઇઝેશન બધા પાત્રોનું એક અલગ કેમેસ્‍ટ્રી છે. આ ફિલ્‍મમાં કામ કરવાની તક મને મળી તે ખુબ મજાની વાત છે. આ ફિલ્‍મમાં હું પુષ્‍પા નામની મહિલા જે કનૈયાલાલજીના પત્‍નિ છે અને સીધી સાદી ગૃહિણી છે. એક સામાન્‍ય પરિવારમાં એક અસામાન્‍ય ઘટના ઘટે ત્‍યારે પરિવારનું રીએકશન શું હોય શકે તેની ખુબ સુંદર વાર્તા છે.

ફિલ્‍મની કથા મુજબ સિધ્‍ધાર્થ રાંદેરિયા અભિનિત કન્‍હૈયાલાલ પોતાની દીકરીના લગ્નના થોડા દિવસ પહેલા જ એક મોટા બેંક સ્‍કેમમાં પોતાનું સર્વસ્‍વ ગુમાવી બેસે છે.

આ અચાનક આવેલા સંકટથી પરિવારને બચાવવા માટે તે એક નિરાશાજનક અને જોખમી નિર્ણય લે છે પરંતુ તેની દરેક હરકત પર એક કડક અને અડગ પોલીસ અધિકારી નજર રાખી રહયા છે. આગળ વધતી કથા ભાવનાત્‍મક, તણાવભરી અને આશાથી ભરેલા રસપ્રદ ડ્રામામાં રૂપાંતરિત થાય છે. જે દર્શકોને અંત સુધી જોડીને રાખશે.

આ ફિલ્‍મમાં કનૈયાલાલની મુખ્‍ય ભૂમિકામાં સિધ્‍ધાર્થ રાંદેરિયા, હિતુ કનોડિયા, વૈશાલી ઠક્કર, અનેરી વજાણી અને શ્રેય મારડિયાએ ભૂમિકા ભજવી છે. ફિલ્‍મમાં સંગીત કેદાર- ભાર્ગવનું છે જયારે ગાયક શાન, અમિત ત્રિવેદી, પાર્થિવ ગોહિલે ગીતો ગાયા છે. ફિલ્‍મ ૯ જાન્‍યુઆરી ૨૦૨૬ના રોજ રિલીઝ થશે. અકિલા મુલાકાત વખતે સીએમ ઇવેન્‍ટ એન્‍ડ પ્રમોશનના ચિંતન મહેતા, હિતેશ પટેલ સહિતના ઉપસ્‍થિત રહયા હતા.  અકિલા ન્‍યુઝ. કોમ (akilanews.com) ફેસબુક પર આ પોડકાસ્‍ટ લાઇવ પણ માણી શકાશે

સારી વાર્તા અને ફિલ્‍મ મળે તો લોકો થિયેટર સુધી જરૂર આવે

આજકાલ પ્રેક્ષકો થિયેટર સુધી ઓછા આવે છે. આ જય કનૈયાલાલ કી ફિલ્‍મ જોવા લોકો આવે તેનાં માટે શું ખાસ છે ફિલ્‍મમાં ? દિગ્‍દર્શક ધર્મેશભાઇ મહેતાએ જણાવ્‍યું કે, સ્‍વાભાવિક રીતે ગુજરાતી ફિલ્‍મોમાં ઓડિયન્‍સ ઓછુ છે જે ફિલ્‍મ ‘લાલો' એ સીમાઓ તોડી નાંખી. નવું ઓડિયન્‍સ ઉભુ થઇ ગયું. ગુજરાતી ફિલ્‍મમા દુનિયાભરમાં છવાઇ ગઇ. નાની ગુજરાતી ફિલ્‍મ પણ ૧રપ કરોડનો ધંધો કરી શકે છે તે સાબીત થયું. હું તો હંમેશા કહું છું કે ગુજરાતી ભાષા જેવી સ્‍ટ્રોંગ બીજી ભાષા નથી. પણ પ્રોબ્‍લેમ એ છે કે આપણું ઓડિયન્‍સ ગુજરાતી ભાષાને એટલુ સપોર્ટ નથી કરતું. આ જય કનૈયાલાલ કી ફિલ્‍મની સરસ ટીમ છે જેનું પોતાનું ઓડિયન્‍સ છે એટલે સારા કલાકાર સાથે સારી વાર્તા અને સારી ફિલ્‍મ મળે તો લોકો જરૂર જોવા આવશે જ. જયારે હિતુ કનોડિયાએ જણાવેલ કે, ગુજરાતી ફિલ્‍મ માટે ર૦રપ સુવર્ણકાળ કહેવાય જેની શરૂઆત થઇ ગઇ છે. આ વર્ષમાં રપ૦ કરોડનો બીઝનેસ ગુજરાતી ફિલ્‍મોએ કર્યો છે. ઓડિયન્‍સ હવે આવવા લાગ્‍યું છે થિયેટરમાં જેની અમને ધરપત થઇ છે.

અકિલાનાં સ્‍વાગતની કાઠિયાવાડી પરંપરાને આવકારતા કલાકારો

આગામી ગુજરાતી ફિલ્‍મ જય કનૈયાલાલ કી નાં કલાકારો હિતુભાઇ કનોડિયા, વૈશાલી ઠક્કર અને દિગ્‍દર્શક ધર્મેશભાઇ મહેતા અકિલાના આંગણે આવ્‍યા હતા. તેઓનું કાઠિયાવાડી પરંપરા મુજબ હાર પહેરાવી સ્‍વાગત કરાયું હતું ત્‍યારે જાણીતા અભિનેતા હિતુભાઇ કનોડિયાએ જણાવ્‍યું હતું કે, અકિલાનું કાઠિયાવાડી પરંપરા મુજબ સ્‍વાગત ખુબ પ્રખ્‍યાત છે. અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા અહિં આવનાર દરેક મહાનુભાવોનું જે રીતે પ્રેમથી સ્‍વાગત કરે છે, માન સન્‍માન આપે છે તે ખરેખર વંદનીય છે. અકિલાની સ્‍વાગતની આ કાઠિયાવાડી પરંપરા કદી ભુલાય તેમ નથી.

 

(3:33 PM IST)