તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 31st December 2025
હૃદય બંધ પડી જતાં ૩૪ વર્ષિય આઇઓસી કર્મચારી નૈમિષભાઇ શાહ સહિત ત્રણના મૃત્યુ
નૈમિષભાઇ ઇન્કમટેક્સ સોસાયટીમાં રહેતાં હતાં : મોરબી રોડના રસિકભાઇ પટેલ, રૈયાધારના બાવજીભાઇ કતીયાએ પણ સારવારમાં દમ તોડતાં પરિવારોમાં ગમગીની : મવડી ઓમનગરમાં બાથરૂમમાં પડી ગયા બાદ અશોકભાઇ પાડલીયાનું મોત

રાજકોટ તા. ૩૧: હૃદય રોગના હુમલાથી વધુ ત્રણ લોકોના મૃત્યુ થયા છે. જેમાં જુના એરપોર્ટ પાસેની ઇન્કમટેક્સ સોસાયટીમાં રહેતાં અને આઇઓસીમાં ફરજ બજાવતાં ૩૪ વર્ષના યુવાન, રૈયાધારમાં રહેતાં ૪૯ વર્ષના પ્રોૈઢ અને મોરબી રોડ પર રહેતાં સુડતાલીસ વર્ષના આધેડનો સમાવેશ થાય છે. જ્યારે મવડીના પ્રોૈઢનું બાથરૂમમાં પડી ગયા બાદ મોત થયું છે.
જાણવા મળ્યા મુજબ જુના એરપોર્ટ રોડ પર ઇન્કમટેક્સ સોસાયટીમાં રહેતાં નૈમિષભાઇ પંકજભાઇ શાહ (ઉ.વ.૩૪) વહેલી પરોઢે સાડા ત્રણેક વાગ્યે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. નૈમિષભાઇને હાર્ટએટેક આવી ગયાનું જાહેર થયું હતું. તેઓ બે ભાઇમાં નાના અને અપરિણીત હતાં. પરિવારજનોના કહેવા મુજબ નૈમિષભાઇ ગવરીદળ પાસે આઇઓસીમાં ઓફિસર આસીસ્ટન્ટ તરીકે ફરજ બજાવતાં હતાં. બનાવથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.
બીજા બનાવમાં મોરબી રોડ સિતારામ પાર્કમાં રહેતાં રસિકભાઇ નરસીભાઇ ઢેઢી-પટેલ (ઉ.વ.૪૭) રાતે એકાદ વાગ્યે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થયું હતું. તે ત્રણ બહેન અને બે ભાઇમાં મોટા હતાં. સંતાનમાં એક દિકરો છે. પોતે ગેસ એજન્સીમાં કામ કરતાં હતાં. હૃદય રોગનો હુમલો આવી ગયાનું સગાએ કહ્યું હતું. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
ત્રીજા બનાવમાં રૈયાધાર ભરવાડવાસ શેરી નં. ૪માં રહેતાં બાવજીભાઇ ગોવિંદભાઇ કાતીયા (ઉ.વ.૪૯)ને ઘરે છાતીમાં દુઃખાવો ઉપડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી. મૃત્યુ પામનાર બાવજીભાઇ એક બહેન અને પાંચ ભાઇમાં ત્રીાજ હતાં અને છુટક મજૂરી કરતાં હતાં. તેને સંતાનમાં બે દિકરા છે. હાર્ટએટેક આવી ગયાનું સગાએ જણાવ્યું હતું.
ચોથા બનાવમાં મવડી પ્રજાપતિ સોસાયટી પાસે ઓમનગરમાં રહેતાં અશોકભાઇ લાલજીભાઇ પાડલીયા (ઉ.વ.૫૫) ૨૯મીએ ઘરે બાથરૂમમાં પડી જતાં મુંઢ ઇજા થતાં બેભાન જેવા થઇ જવાથી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. તેમનું આજે સવારે મૃત્યુ થતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. તેઓ એક બહેનથી મોટા હતાં અને હાલ નિવૃત જીવન જીવતાં હતાં. સંતાનમાં એક દિકરી અને બે દિકરા છે. ચારેય ત્ર્ બનાવમાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ, યુનિવર્સિટી પોલીસ અને માલવીયાનગર પોલીસને જાણ કરતાં મિહીરસિંહ બારડ સહિતે કાર્યવાહી કરી હતી. (૧૪.૫)
(11:17 AM IST)










