<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st December 2025

રિક્ષાને સ્‍કોર્પિયોની ટક્કર લાગતાં ધ્‍યાન રાખવાનું કહેતાં બે શખ્‍સોએ રાજેશને બેફામ માર માર્યો

માધાપર ચોકડી મામા સાહેબના ખીજડા નજીક બનાવ : આડેધડ માર મારી ખૂનની ધમકી પણ દીધીઃ યુનિવર્સિટી પોલીસે પીપળીયાના સંજય સોલંકી સહિત બે જણા સામે ગુનો નોંધ્‍યો

રાજકોટ તા. ૩૧: શહેરના જામનગર રોડ પર દ્વારકાધીશ પેટ્રોલ પંપ સામે મામા સાહેબના ખીજડા નજીક રીક્ષા ચાલક સાથે સ્‍કોર્પિયો ચાલક અને તેના મિત્રએ માથાકુટ કરી બેફામ ગાળો દઇ ઢીકાપાટુનો માર મારતાં ફરિયાદ થઇ છે. રિક્ષાને સ્‍કોર્પિયોથી ટક્કર લાગી ગઇ હોઇ રિક્ષાચાલકે ધ્‍યાન રાખવાનું કહેતાં હુમલો કરાયો હતો.

આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે જામનગર રોડ દ્વારકાધીશ પેટ્રોલ પંપ સામે શિવશક્‍તિ સોસસાયટીમાં રહેતાં રિક્ષાચાલક રાજેશભાઇ ભરતભાઇ વાવેસા (ઉ.વ.૩૫)ની ફરિયાદ પરથી પીપળીયાના સંજય સોલંકી અને સ્‍કોર્પિયો નં. જીજે૦૩એનપી-૧૪૭૩માં સંજય સાથે બેઠેલા અજાણ્‍યા શખ્‍સ સામે ગુનો નોંધ્‍યો છે. રાજેશભાઇએ જણાવ્‍યું છે કે ૨૧/૧૨ના પોતે રીક્ષા લઈને માધાપર ચોકડીથી ઘર તરફ જઈ રહ્યા હતા ત્‍યારે દ્વારકાધીશ પેટ્રોલ પંપ સામે પાછળથી ફૂલ ઝડપે આવતી એક સ્‍કોર્પિયો નંબર જીજે૦૩એનપી૧૪૭૩ના ચાલકે રીક્ષાને ટક્કર મારી હતી.

આથી રાજેશભાઈએ રીક્ષા ઉભી રાખી સ્‍કોર્પિયો ચાલકને ગાડી જોઈને ચલાવો તેમ કહેતા જ ચાલક ઉશ્‍કેરાઈ ગયો હતો અને ગાડીમાંથી નીચે ઉતરી ગાળાગાળી શરૂ કરી હતી. આ ઝઘડા દરમિયાન સ્‍કોર્પિયો ચાલક અને તેની સાથે રહેલા અન્‍ય એક શખ્‍સ એમ બંનેએ ભેગા મળી રાજેશભાઈને શરીરે અને ગળાના ભાગે આડેધડ ઢીકાપાટુનો માર માર્યો હતો. રસ્‍તા પર લોકોના ટોળા એકઠા થવા લાગતા બંને શખ્‍સો તને જાનથી મારી નાખશું તેવી ધમકી આપી પોતાની સ્‍કોર્પિયો લઈને ફરાર થઈ ગયા હતા.

ઈજાગ્રસ્‍ત રાજેશભાઈને તેમના મિત્ર નરેન્‍દ્રસિંહ ગોહિલે તાત્‍કાલિક સિવિલ હોસ્‍પિટલ ખાતે સારવારમાં ખસેડ્‍યા હતા. પ્રાથમિક તપાસ બાદ જાણવા મળ્‍યું હતું કે હુમલો કરનાર શખ્‍સો પૈકી એક શખ્‍સ પીપળીયાનો સંજય સોલંકી હતો. સારવાર બાદ હવે ફરિયાદ નોંધાવતાં યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશનના એએસઆઇ જે. એલ. બાળાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(3:55 PM IST)