News of Thursday, 1st January 2026
‘સેવ ધ સેવીયર્સ'ના બેનરો સાથે રાજકોટની સિવિલ હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાલ
ન્યુરો સર્જન પર હુમલો કરનાર શખ્સ બોંતેર કલાક પછી પણ ન પકડાતાં રોષ આરોપીને સત્વરે પકડી સરઘસ કાઢવાની અને તબિબોને સજ્જડ સુરક્ષા આપવાની માંગણીઃ મેડીકલ કોલેજ કેમ્પસમાં એકઠા થઇ શાંતિપુર્ણ વિરોધ કર્યોઃ ઓપીડી અને વોર્ડમાં સિનીયર ડોક્ટર ફરજ પર ઇમર્જન્સી સિવાયની સેવાથી ડોક્ટરો અળગા ઓપીડી વિભાગોના ટેબલો તબિબો વગર ખાલીઃ બહાર દર્દીઓની લાંબી કતારો દર્દીઓને હાલાકી ન પડે તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી

સિવિલ હોસ્પિટલમાં ન્યુરો સર્જન પર હુમલો કરી ભાગી ગયેલા શખ્સને તાકીદે પકડી કડક કાર્યવાહી કરવાની માંગણી સાથે સિવિલના જુનિયર ડોક્ટર એસોસિએશને હડતાલ પાડી દીધી છે. મેડિકલ કોલેજ કેમ્પસ ખાતે અલગ અલગ બેનર્સ સાથે શાંત વિરોધ નોંધાવ્યો હતો ઉપરની તસ્વીરોમાં ઓપીડીના ટેબલો ડોક્ટર વગર ખાલીખમ્મ અને દર્દીઓની મોટી કતારો તેમજ હાથમાં બેનર્સ સાથે વિરોધ દર્શાવતા જુનિયર તબિબો જોઇ શકાય છે (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
રાજકોટ તા. ૧: શહેરની પીડીયુ સિવિલ હોસ્પિટલમાં ત્રણ દિવસ પહેલા રાત્રીના સમયે ન્યુરો સર્જરી વિભાગના ડોક્ટર પર દર્દીના પરિચીત શખ્સે લોહીની ચિઠ્ઠી બાબતે માથાકુટ કરી ડોક્ટર પર હુમલો કરી માર મારી ગાળો દઇ ધમકી આપતાં ચકચાર મચી ગઇ હતી. આ મામલે પ્ર.નગર પોલીસમાં ફરિયાદ દાખલ કરાવાઇ છે. પરંતુ બોંતેર કલાક વીતી ગયા પછી પણ આરોપી પકડાયો ન હોઇ રોષે ભરાયેલા જુનિયર ડોક્ટરના એસોસિએશને હડતાલનું શષા ઉગામ્યું છે. આજે સવારે મેડીકલ કોલેજ કેમ્પસમાં જુનિયર ડોક્ટરોએ એકઠા થઇ અલગ અલગ બેનર્સ સાથે શાંતિપુર્ણ વિરોધ કર્યો હતો. ઇમર્જન્સી સિવાયની સેવાથી આ ડોક્ટરો અળગા રહેતાં ઓપીડી અને વોર્ડમાં સિનીયર ડોક્ટર્સને ફરજ પર મુકવામાં આવ્યા હતાં.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ન્યુરો સર્જરી વિભાગના તબીબ પાર્થ પંડયા ઉપર દર્દીના પરિચિત એવા જયદીપ ચાવડા નામના શખ્સે વોર્ડમાં ઘુસી આડેધડ મારમારતા આ ગંભીર ઘટનાના ઘેર પ્રત્યાઘાતો ગાંધીનગર સુધી પડ્યા છે. આ સાથે જ બુધવાર સાંજથી જ જુનિયર ડોક્ટર્સ એશોસિએશનના નેજા હેઠળ તમામ જુનિયર રેસિડેન્ટ, ઇન્ટર્ન ડોક્ટરોએ સજ્જડ હડતાલ પાડી માત્ર ઇમર્જન્સી અને આઇસીયુ સેવામાં ફરજ ચાલુ રાખી છે. રેસિડેન્ટ ડોક્ટર્સની માગણી છે કે બોંતેર કલાક વીતવા આવશે છતાં હુમલો કરનાર પકડાયો નથી. અમારી માંગણી છે કે પોલીસ આરોપીને તાકીદે પકડી પાડી રી-કન્ટ્રક્શન કરી સરઘસ કાઢે. આ પછી જ હડતાલ સમેટવામાં આવશે.
જુનિયર રેસિડેન્ટની હડતાલના પગલે સિનિયર ડોક્ટર્સ અને એસો. પ્રોફેસરો તેમજ વિભાગના વડાઆ ઉપર સારવારનું ભારણ વધ્યું છે. હડતાલને કારણે દર્દીઓની હાલત પણ કફોડી થઇ શકે છે. ઘટનાની વિગત જોઈએ તો તા.૨૯ના રોજ ન્યુરો સર્જરી વિભાગના રેસિડેન્ટ ડો.પાર્થ પંડ્યાને રાત્રીના ફરજ દરમિયાન કોરોના બિલ્ડીંગના ત્રીજા માળે જયદીપ ચાવડા નામના શખ્સે ટેબલ ઉપર પછાડી માર માર્યો હતો. પોલીસે જયદીપ ચાવડા સામે સરકારી ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તેના અયોધ્યા ચોક સ્થિત મકાને દરોડો પાડ્યો હતો પરંતુ જયદિપ હાજર મળી ન આવતા શોધખોળ શરૂ રાખી હતી.
આ ઘટનાને લઈને સિવિલના જુદા જુદા વિભાગના એચઓડી, એસો.પ્રોફેસરો, સિનિયર ડોક્ટર્સ, રેસિડેન્ટ ડોક્ટર્સ કોલેજ કેમ્પસમાં એકઠા થઈ વિરોધ નોંધાવી આરોપી સામે કડક કાર્યવાહી કરી ઉદાહરણ બેસાડવામાં આવે તેવી પોલીસ સમક્ષ માગ કરી મેડિકલ કોલેજના ડીન અને સુ-ટિેન્ડેન્ટને આવેદન પાઠવ્યા હતાં. હવે જુનિયર ડોક્ટરો હડતાલ પર ઉતરી ગયા છે. મેડીકલ કોલેજ કેમ્પસમાં આ ડોક્ટરો સેવ ધ સેવીયર્સ, સેવ ડોક્ટર્સ સેવ હેલ્થ સિસ્ટમ, સ્ટોપ વાયોલન્સ અગેઇન્સ્ટ ડોક્ટર્સ જેવા અલગ અલગ બેનરો સાથે એકઠા થયા હતાં અને હુમલાની ઘટનાને વખોડી હતી.
તબિબી અધિક્ષક ડો. મોનાલી માકડીયાએ જણાવ્યું હતું કે હુમલાની ઘટના બની તે ગંભીર બાબત છે. જુનિયર ડોક્ટર હડતાલ પર જતાં અમે દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટે તમામ વ્યવસ્થા ગોઠવી છે.
(3:28 PM IST)










