તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 1st January 2026
કિડવાઇનગરના ૩૨ વર્ષિય સોની વેપારી ચંદ્રેશ રાણપરાનું પેટમાં દુઃખાવો ઉપડયા બાદ મોત
સોની બજારમાં દુકાન ચલાવતાં હતાં: બે સંતાને પિતાની છત્રછંયા ગુમાવીઃ કંઇક ઝેરી પ્રવાહી પીધાની કે કોઇ વસ્તુ ખાઇ લીધાની તબિબને શંકા ઉપજતાં પોલીસ કેસ જાહેર કર્યો

રાજકોટ તા. ૧: શહરેના રૈયા રોડ વિસ્તારમાં રહેતાં અને સોની બજારમાં સોની કામની દુકાન ચલાવતાં વેપારી યુવાનને પેટમાં દુઃખાવો ઉપડયા બાદ બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ સવારે મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. આ બનાવમાં તબિબને મૃત્યુ અંગે શંકા ઉપજતાં પોલીસ કેસ જાહેર કર્યો હતો.
જાણવા મળ્યા મુજબ રૈયા ચોકડી કિડવાઇ નગર મેઇન રોડ પર બાલાજી ફલેટમાં રહેતાં ચંદ્રેશભાઇ ગોરધનભાઇ રાણપરા (ઉ.વ.૩૨) સાંજે સાતેક વાગ્યે ઘરે હતાં ત્યારે પેટમાં દુઃખાવો ચાલુ થતાં બેભાન જેવા થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ આજે સવારે મૃત્યુ થયું હતું. સારવાર કરી રહેલા તબિબને ચંદ્રેશભાઇએ કોઇ ઝેરી પ્રવાહી પીધાની કે કોઇ એવી વસ્તુ ખાઇ લીધાની શંકા ઉપજતાં તેણે પોલીસ કેસ જાહેર કર્યો હતો.
બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને કરી હતી. મૃત્યુ પામનાર ચંદ્રેશભાઇ બે ભાઇમાં નાના હતાં. સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. પોતે સોની બજારમાં શ્રીનીકુંજ આર્ટ નામે સોનાના દાગીના બનાવવાની દુકાન ચલાવતાં હતાં. મૃત્યુ કયા કારણોસર થયું? તે પોસ્ટમોર્ટમ બાદ બહાર આવશે. કોઇ પ્રવાહી કે ઝેરી દવા પીધાની વાતનો પરિવારજનોએ ઇન્કાર કર્યો હોઇ પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.
(2:38 PM IST)










