<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st January 2026

વાઇબ્રન્‍ટમાં મારવાડી યુનિવર્સિટી ૧હજાર કરોડના MOU કરશે

ગુજરાતની નંબર ૧ પ્રાઇવેટ યુનિવર્સીટી અને વિશ્વભરમાં ડંકો વગાડનાર : અદ્યતન લેબોરેટરીઓ- નવા એકેડેમીક બ્‍લોકસ, આધુનીક સ્‍પોર્ટ કોમ્‍પલેક્ષ, નવી હોસ્‍ટેલોના નિર્માણ માટે ૧ હજાર કરોડનું ઇન્‍વેસ્‍ટરોનું આયોજનઃ મારવાડી યુનિવર્સીટી શિક્ષણક્ષેત્રે વૈશ્વીકસ્‍તરે આગળ લાવવા પ્રતિબધ્‍ધઃ જીતુભાઇ ચંદારાણા, કેતનભાઇ મારવાડીઃ વાઇબ્રન્‍ટમાં કરાર

 

રાજકોટ, ૦૧: રાજકોટ સ્‍થિત મારવાડી યુનિવર્સિટી, જે QS રેન્‍કિંગ અનુસાર ગુજરાતની નં. ૧ પ્રાઇવેટ યુનિવર્સિટી તરીકે સ્‍થાન ધરાવે છે, દ્વારા શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર સાથે રૂ. ૧૦૦૦ કરોડના ઇન્‍વેસ્‍ટમેન્‍ટ માટે મહત્‍વપૂર્ણ MoU કરવા માટે પ્રસ્‍તાવ રજૂ કરવામાં આવ્‍યો છે.

મારવાડી યુનિવર્સિટી હાલમાં એન્‍જિનિયરિંગ, મેનેજમેન્‍ટ, ફાર્મસી, લૉ, ફિઝિયોથેરાપી, ર્નસિંગ, સાયન્‍સ તથા કમ્‍પ્‍યુટર એપ્‍લિકેશન સહિતના વિવિધ અભ્‍યાસક્રમો સફળતાપૂર્વક ચલાવી રહી છે. યુનિવર્સિટીમાં હાલ વિશ્વના ૫૪ દેશો તથા ભારતના ૨૨ રાજ્‍યોમાંથી આવેલા વિદ્યાર્થીઓ અભ્‍યાસ કરી રહ્યા છે. ઉત્તમ પ્‍લેસમેન્‍ટ રેકોર્ડ અને અત્‍યાધુનિક શિક્ષણ વ્‍યવસ્‍થાના કારણે મારવાડી યુનિવર્સિટી વિદ્યાર્થીઓ માટે પ્રથમ પસંદગી બની છે.

ગત વર્ષે ઉપલબ્‍ધ સીટોની સરખામણીએ ૬૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહ્યા હતા. આ ઉપરાંત યુનિવર્સિટીમાં મેડિકલ, હોસ્‍પિટાલિટી, જર્નાલિઝમ જેવા નવા અભ્‍યાસક્રમો શરૂ કરવાની તાતી જરૂરિયાત ઉભી થઈ છે. હાલ યુનિવર્સિટીમાં ૪૫૦૦થી વધુ વિદ્યાર્થીઓ હોસ્‍ટેલમાં નિવાસ કરે છે અને વધુ વિદ્યાર્થીઓને હોસ્‍ટેલ સુવિધા મળી રહે તે માટે સતત માંગ ઊભી થઈ રહી છે.

માત્ર સૌરાષ્‍ટ્ર જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતનું નામ શિક્ષણ ક્ષેત્રે વૈશ્વિક સ્‍તરે આગળ વધે તે હેતુથી, મારવાડી યુનિવર્સિટી દ્વારા નવા યુગની જરૂરિયાતોને અનુરૂપ અભ્‍યાસક્રમો શરૂ કરવા માટે અદ્યતન લેબોરેટરીઓ સાથેના નવા એકેડેમિક બ્‍લોક્‍સ, આધુનિક સ્‍પોર્ટ્‍સ કોમ્‍પ્‍લેક્‍સ તથા નવી હોસ્‍ટેલોના નિર્માણ માટે રૂ. ૧૦૦૦ કરોડના ઇન્‍વેસ્‍ટમેન્‍ટનું આયોજન કરવામાં આવ્‍યું છે.

શિક્ષણ પદ્ધતિમાં બદલાવને ધ્‍યાનમાં રાખીને, વિદ્યાર્થી અને શિક્ષક વચ્‍ચે વધુ ઇન્‍ટરએક્‍ટિવ શકય બને તેવા આધુનિક ક્‍લાસરૂમ્‍સ, ઇનોવેશન અને સ્‍ટાર્ટઅપ માટે ૧૦,૦૦૦ સ્‍ક્‍વેર ફીટનું વિશેષ સેન્‍ટર તેમજ હાલ નોકરી કે વ્‍યવસાય કરતા વ્‍યક્‍તિઓ માટે કન્‍ટિન્‍યુઇંગ એજ્‍યુકેશન માટે અલગ શૈક્ષણિક બ્‍લોક પણ નિર્માણ કરવામાં આવશે.

આ પ્રસંગે મારવાડી યુનિવર્સિટીના કો-ફાઉન્‍ડર અને વાઇસ પ્રેસિડેન્‍ટ શ્રી જીતુભાઇ ચંદારાણાએ જણાવ્‍યું હતું કે, ‘મારું અને શ્રી કેતનભાઇ મારવાડીનું સ્‍વપ્ન હતું કે સૌરાષ્‍ટ્ર માટે ગર્વ લઈ શકાય એવી યુનિવર્સિટી સ્‍થાપવી. આજે તે સ્‍વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે. આ હેતુસર નવી જમીન સંપાદિત કરવામાં આવી છે અને આગામી ત્રણ વર્ષમાં તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ નવા શૈક્ષણિક બ્‍લોક્‍સ અને ઇન્‍ફ્રાસ્‍ટ્રકચર તૈયાર થઈ જશે. ગુજરાત સરકારનો અમને સંપૂર્ણ સહકાર મળ્‍યો છે અને આગળ પણ મળતો રહેશે. તેના બદલામાં અમે ગુજરાતનું નામ શિક્ષણ ક્ષેત્રે વૈશ્વિક સ્‍તરે આગળ લાવવાની પ્રતિબદ્ધતા વ્‍યક્‍ત કરીએ છીએ.'

આ ઇન્‍વેસ્‍ટમેન્‍ટના પરિણામે મારવાડી યુનિવર્સિટી ગુજરાતને ભારતના શિક્ષણ નકશા પર એક નવી ઓળખ આપશે. ખાસ નોંધનીય છે કે વાઇબ્રન્‍ટ ગુજરાત રિજનલ કોન્‍ફરન્‍સ તારીખ ૧૧ અને ૧૨ જાન્‍યુઆરી, ૨૦૨૬ના રોજ મારવાડી યુનિવર્સિટી ખાતે યોજાવા જઈ રહી છે. આ અવસર દરમિયાન, મારવાડી યુનિવર્સિટી રાજકોટ કેમ્‍પસ ખાતે વધારાના ઇન્‍વેસ્‍ટમેન્‍ટ માટે શિક્ષણ વિભાગ સાથે રૂ. ૧૦૦૦ કરોડના MoU કરવા માટે પ્રસ્‍તાવ રજૂ કરી રહી છે.

ગુજરાતની અગ્રણી ખાનગી સંસ્‍થાઓમાંની એક તરીકે સ્‍થાપિત થયેલી મારવાડી યુનિવર્સિટી, અંડરગ્રેજ્‍યુએટ, ગ્રેજ્‍યુએટ તથા પોસ્‍ટ ગ્રેજ્‍યુએટ સ્‍તરના કાર્યક્રમો દ્વારા વિશ્વસ્‍તરીય શિક્ષણ પ્રદાન કરવા પ્રતિબદ્ધ છે. NBA માન્‍યતા અને NAAC A+ ગ્રેડ સાથે, યુનિવર્સિટી શૈક્ષણિક ઉત્તમતા, રિસર્ચ એન્‍ડ ઇનોવેશન, તેમજ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર વિશેષ ભાર મૂકે છે.

એક મહત્‍વપૂર્ણ સિદ્ધિ તરીકે, મારવાડી યુનિવર્સિટીએ QS એશિયા યુનિવર્સિટી રેન્‍કિંગ્‍સ ૨૦૨૬ માં ૩૫૩મા ક્રમે સ્‍થાન મેળવી ઐતિહાસિક પદાર્પણ કર્યું છે. આ સિદ્ધિ સાથે તે ગુજરાતની શ્રેષ્ઠ ખાનગી યુનિવર્સિટી બની છે તેમજ એશિયાની સૌથી યુવા સંસ્‍થાઓમાંની એક તરીકે આ પ્રતિષ્ઠિત યાદીમાં સ્‍થાન મેળવ્‍યું છે. ઉપરાંત, યુનિવર્સિટી ને NIRF દ્વારા ભારતની ટોચની ૧૫૦ યુનિવર્સિટીઓમાં સ્‍થાન આપવામાં આવ્‍યું છે.

રાજકોટ ખાતે સ્‍થિત મારવાડી યુનિવર્સિટી, પ્રદેશ તેમજ તેના શિક્ષણક્ષેત્રે પરિવર્તન માટે સતત પ્રેરક શક્‍તિ બની રહી છે.(૬.૧૭)

(3:37 PM IST)