<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st January 2026

સિવીલ હોસ્‍પીટલમાં દવાઓ નથી... મશીનો બંધ, એમ્‍બ્‍યુલન્‍સ ગાયબ થેલેસેમીયા દર્દીઓ લાચાર-પેરામીટ્રી ટેસ્‍ટ બંધઃ કલેકટરને વિસ્‍તૃત રજૂઆતો

કોંગ્રેસ આગેવાન રોહિતસિંહ રાજપૂત અને અન્‍યોનું આવેદનઃ શબવાહિનીનો પણ અભાવઃ દર્દીઓ લાચાર

રાજકોટ, તા. ૧: રાજકોટ સિવિલ હોસ્‍પિટલ તથા AIIMS રાજકોટમાં સારવાર માટે આવતાં સમગ્ર સૌરાષ્‍ટ્રભરમાંથ આવતા ગરીબ અને મધ્‍યમ વર્ગના દર્દીઓ પર સરકારી આરોગ્‍ય તંત્રની ગંભીર બેદરકારીને કારણે જીવલેણ પરિસ્‍થિતિ ઊભી થઈ છે.

આ મુદ્દે કોંગ્રેસના નેતા રોહિતસિંહ રાજપૂત દ્વારા દર્દીઓના સગાઓના સાથે રાખીને આજે રાજકોટના કલેક્‍ટરને લેખિત રજૂઆત કરીને તાત્‍કાલિક હસ્‍તક્ષેપ અને નિરાકરણની માંગ કરવામાં આવી.

કોંગ્રેસે રજૂઆતમાં ત્રણ અતિ ગંભીર મુદ્દાઓ રજૂ કરી જણાવ્‍યું કે સરકાર અને આરોગ્‍ય વિભાગની વહીવટી નિષ્‍ફળતાનો સીધો ભોગ નિર્દોષ દર્દીઓ બની રહ્યા છે.

(૧) થેલેસેમિયા મેજર દર્દીઓને Desferal Injection છેલ્લા ત્રણ વર્ષથી ન મળવાનો ગંભીર મુદ્દો ઉભો થયો છે.

થેલેસેમિયા મેજર રોગથી પીડિત દર્દીઓને દર ૧૦-૧૫ દિવસે બ્‍લડ ચડાવવું ફરજિયાત હોય છે, જેના કારણે તેમના શરીરમાં આયર્ન (Iron)નું પ્રમાણ અત્‍યંત વધી જાય છે. આ વધેલા આયર્નના કારણે દર્દીઓને હૃદય, લીવર, સ્‍વાદુપિંડ, ડાયાબિટીસ જેવી ગંભીર તથા જીવલેણ તકલીફો સર્જાય છે, ખાસ કરીને ૧૮ વર્ષથી ઉપરના દર્દીઓમાં પરિસ્‍થિતિ વધુ ગંભીર બને છે.

આ આયર્ન લેવલને નિયંત્રણમાં રાખવા માટે દર્દીઓને દરરોજ ૪ થી ૬ Desferal Injection લેવું અનિવાર્ય છે. રાજ્‍ય સરકારના આરોગ્‍ય વિભાગના આદેશ મુજબ આ ઇન્‍જેક્‍શન સિવિલ હોસ્‍પિટલમાંથી નિઃશુલ્‍ક આપવાનું હોવા છતાં, હકીકતમાં છેલ્લા ત્રણ વર્ષથી એક પણ Desferal Injection સિવિલ હોસ્‍પિટલમાંથી દર્દીઓને આપવામાં આવ્‍યા નથી.

હાલ બજારમાં આ ઇન્‍જેક્‍શન રૂ. ૩૦૦ પ્રતિ દરે વેચાય છે. એટલે કે એક દર્દીને દરરોજ રૂ. ૧૨૦૦ થી ૧૫૦૦ સુધીનો ખર્ચ કરવો પડે છે, જે ગરીબ અને મધ્‍યમ વર્ગના પરિવારો માટે અશકય છે. આર્થિક અસમર્થતાના કારણે ઇન્‍જેક્‍શન ન લઈ શકતા દર્દીઓની હાલત સતત ગંભીર બની રહી છે.

જો સરકાર સિવિલ હોસ્‍પિટલને સીધી રીતે કંપની પાસેથી ઇન્‍જેક્‍શન ખરીદવાની મંજૂરી આપે તો પણ આ પ્રશ્નનો તાત્‍કાલિક ઉકેલ આવી શકે, પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી વિવિધ વિભાગો એકબીજાને જવાબદારી ધકેલી રહ્યા છે જે અત્‍યંત શરમજનક બાબત છે.

(૨)આંખની સારવાર માટે પેરીમીટ્રી (Perimetry) રિપોર્ટ ન મળવાની ગંભીર સ્‍થિતિ

કલેકટરને અપાયેલ આવેદનમાં જણાવાયેલ કે, રાજકોટ સિવિલ હોસ્‍પિટલ તથા AIIMS રાજકોટમાં આંખના ગંભીર રોગો, ખાસ કરીને ગ્‍લોકોમાના નિદાન માટે ફરજિયાત પેરીમીટ્રી (Perimetry) ટેસ્‍ટ કરવાની ડોક્‍ટરો દ્વારા સૂચના આપવામાં આવે છે.

પેરીમીટ્રી એ આંખના વિઝ્‍યુઅલ ફીલ્‍ડ (દૃષ્ટિક્ષેત્ર) ચકાસવાનું ટેસ્‍ટ છે. આંખ સામે સીધી નજર રાખીને આસપાસ (ડાબે-જમણે, ઉપર-નીચે) કેટલી દૂર સુધી દેખાય છે અને કયાં ભાગમાં દેખાતું ઓછું છે કે નથી - તે આ ટેસ્‍ટ દ્વારા જાણવા મળે છે.

પરંતુ આ મહત્‍વપૂર્ણ ટેસ્‍ટ માટેની મશીનરી રાજકોટ સિવિલ હોસ્‍પિટલ તથા AIIMS રાજકોટમાં લાંબા સમયથી બંધ હાલતમાં છે. કર્મચારીઓ અને દર્દીઓ દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં મશીન રિપેરિંગ અથવા બદલવાની કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી.

પરિણામે દર્દીઓને ખાનગી હોસ્‍પિટલોમાં મોંઘા રિપોર્ટ કરાવવા મજબૂર થવું પડે છે અથવા સમયસર પેરીમીટ્રી ન થતા આંખની દૃષ્ટિ કાયમી રીતે જવાની ગંભીર શકયતા ઊભી થાય છે.

દર્દીઓ તથા ત્‍યા કાર્યરત કર્મચારીઓ દ્વારા જણાવ્‍યા મુજબ, સંબંધિત વિભાગના અધિકારીઓને અનેક વખત મશીન રિપેર કરવા અથવા નવી મશીનરી ઉપલબ્‍ધ કરાવવા બાબતે રજૂઆતો કરવામાં આવી છે, છતાં આજદિન સુધી કોઈ અસરકારક અને ગંભીર પગલાં લેવામાં આવ્‍યા નથી તે દુઃખદ બાબત છે.

(૩)સિવિલ હોસ્‍પિટલ રાજકોટમાં એમ્‍બ્‍યુલન્‍સ તથા શબવાહિનીની ગંભીર અછત

રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં હાલ કુલ ૫ એમ્‍બ્‍યુલન્‍સ, ૧ શબવાહિની અને ૧ છોટા હાથી સહિત કુલ ૭ વાહનો ઉપલબ્‍ધ છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી વાહનો કોઈના કોઈ કારણોસર ખોટકાયેલા અથવા તો બંધ હાલતમા જ હોય જેથી ગંભીર અછત સર્જાઈ છે.

નિયમ મુજબ સરકારી એમ્‍બ્‍યુલન્‍સ પ્રતિ કિલોમીટર રૂ. ૨ ના દરે મળવી જોઈએ, પરંતુ સરકારી વાહનો ન મળતાં દર્દીઓને ખાનગી એમ્‍બ્‍યુલન્‍સ માટે પ્રતિ કિલોમીટર રૂ. ૮ જેટલો ખર્ચ કરવો પડે છે. મળત્‍યુ પામેલા દર્દીઓના સ્‍વજનો માટે પણ એકમાત્ર શબવાહિની ઉપલબ્‍ધ ન હોવાથી પાર્થિવ દેહને વતન લઈ જવામાં ભારે આર્થિક અને માનસિક પીડા સહન કરવી પડે છે.

હોસ્‍પિટલના પીઆરઓ જણાવ્‍યા મુજબ સરકાર સમક્ષ ૫ નવી એમ્‍બ્‍યુલન્‍સની તાત્‍કાલિક માંગણી કરવામાં આવી છે, પરંતુ માંગણી કયારે પૂર્ણ થશે અને ત્‍યાં સુધી ગરીબ દર્દીઓને કયારે રાહત મળશે તે ગંભીર પ્રશ્ન બની રહ્યો છે.

આથી ઉપરોકત ત્રણેય મુદાઓ અંગે તાદિકે કાર્યવાહી કરવા, જવાબદારો સામે પગલા ભરવા, એમ્‍બ્‍યુલન્‍સ-શબવાહિની ઉપલબ્‍ધ કરાવવા સહિતની માંગણીઓ કરાઇ હતી, અને જરૂર પડયે વડાપ્રધાન રાજકોટ આવતા હોય દર્દીઓના સગાને સાથે રાખી રજુઆતો કરાશે તેમ ઉમેર્યુ હતું.(૬.૧પ)

(3:48 PM IST)