તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 1st January 2026
ગુજરાતી કલાકારોની વૈશ્વિક સેવા યાત્રાઃ ‘કેનવાસ ફોર કેર' દ્વારા કલા બની કરુણાઃ ૧૫૦ પેઈન્ટીંગ્સ તૈયાર

રાજકોટઃ ગુજરાતીઓ માટે કલા માત્ર અભિવ્યક્તિ નથી, પરંતુ સેવા અને સંસ્કારનો માર્ગ છે. આ વિચારને વૈશ્વિક મંચ પર સાકાર કરી રહ્યું છે યુકે સ્થિત ક્રિએટીવ આર્ટ કેમ્પ્સ દ્વારા શરૂ કરાયેલ અનોખું અને હૃદયસ્પર્શી પ્રોજેક્ટ કેનવાસ ફોર કેર. આ પ્રોજેક્ટ હેઠળ ૧૫૦ સુંદર હસ્તનિર્મિત પેઇન્ટિંગ્સ તૈયાર કરવામાં આવી છે, જેમાં ૧૦૦ પેઇન્ટિંગ્સ ક્રિએટીવ આર્ટ કેમ્પ્સ ના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયા અને ૫૦ પેઇન્ટિંગ્સ ગુજરાતના જાણીતા વ્યાવસાયિક કલાકારો નેહા તિવારી, પરેશકુમાર કાકડિયા, જિગ્નેશ પટેલ અને યશ પટેલ દ્વારા તૈયાર કરાયા, વિશેષ વાત એ છે કે જિગ્નેશ પટેલ અને યશ પટેલ બંને ગિનિશ બુક ઓફ વલ્ર્ડ રેકોર્ડ હોલ્ડર છે, જેમણે અગાઉ પણ ગુજરાત અને ભારતનું નામ વૈશ્વિક સ્તરે ઉજાગર કર્યું છે. જેનું એકમાત્ર ઉદ્દેશ છે, યુકે અને યુએસએના કેર હોમ્સમાં રહેતા વડીલોને આ ક્રિસમસે આનંદ, સ્નેહ અને ભાવનાત્મક સહારો આપવો. આ તમામ પેઇન્ટિંગ્સનું લંડનમાં પ્રથમ વિશાળ પ્રદર્શન ૨૯ ડિસેમ્બર હાઉન્સ્લો ખાતે યોજાયું. આ પ્રોજેક્ટને વલ્ર્ડ બુક ઓફ રેકોર્ડસ દ્વારા માન્યતા આપવામાં આવી રહી છે. આ માન્યતા સમગ્ર વૈશ્વિક ગુજરાતી સમુદાય માટે ગૌરવની ક્ષણ છે. હવે પછી ૨૩ પ્રદર્શનો યોજાશે, અને ત્યારબાદ તમામ પેઇન્ટિંગ્સ યુકે અને યુએસએના કેર હોમ્સને મફતમાં દાન કરવામાં આવશે. આ પહેલ એ સાબિત કરે છે કે ગુજરાતી સંચાલિત અમેરિકન કંપનીઓ આજે માત્ર વ્યવસાયમાં નહીં, પરંતુ માનવતા અને સમાજસેવામાં પણ આગેવાન છે.(તસ્વીરઃ સીમા તિવારી)
(4:22 PM IST)










